કુન્દુર્તી આંજનેયુલુ

January, 2008

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 16 ડિસેમ્બર 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ; અ. 25 ઑક્ટોબર 1982) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી.

એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’ કવિજૂથના અગ્રેસર તરીકે કવિતામાં કેવળ ઊર્મિતત્વને જ પ્રાધાન્ય આપ્યું. એમણે ‘વાચન કવિતા’ નામનું એક નવ્ય કવિતાનું આંદોલન ચલાવેલું. એનો ઉદ્દેશ હતો.  પ્રણાલિકાભંગ અને મુક્ત છંદનું પ્રવર્તન. એમના સતત પ્રયત્નથી એ આંદોલન જોર પકડતું ગયું. પછી એમણે પૂર્વે લખેલી પરંપરા પ્રમાણેની કવિતા રદ કરી. આધુનિક કવિતાના એમના પ્રથમ સંગ્રહ ‘તેલંગણ’માં અઢાર પર્વો છે. એમાં નિઝામના જુલમી શાસન સામે મજૂરોએ શરૂ કરેલા આંદોલનનું વિગતપૂર્ણ નિરૂપણ છે. એ પહેલું મહાકાવ્ય છે કે જેણે વાચન કવિતાને તેલુગુમાં પ્રતિષ્ઠિત કરી. એમની વાચન કવિતાના અન્ય સંગ્રહો છે : ‘અસા’, ‘ગોડા મીડી’, ‘બોમાલુ’, ‘યુગે યુગે’, ‘નગરમ લો બન’ અને ‘ના લોણી નડાલું’.

આમ વાચન કવિતાના જનક તરીકે તે તેલુગુ સાહિત્યમાં યશસ્વી સ્થાન પામ્યા. 1969માં સોવિયેત લૅન્ડ પારિતોષિક તથા 1970માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી પારિતોષિકનું સન્માન પણ તેમને મળ્યું હતું. એમના કાવ્યસંગ્રહ ‘કુન્દુર્તી ક્રુતુલુ’ને 1977માં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો હતો. સાહિત્યિક વિવેચનના ક્ષેત્રે તેમનું ગણનાપાત્ર પ્રદાન ‘કુન્દુર્તી પીઠિકાલુ’માં પ્રતીતિજનક રીતે જોવા મળે છે. સો કવિઓના મુક્ત છંદની કવિતાનો કાવ્યસંચય પણ તેમણે પ્રગટ કર્યો હતો. નવ્ય કવિઓને પ્રોત્સાહન આપવા ‘વાચનકવિતા’ના ઉપક્રમે તેમણે પોતાના તરફથી પુરસ્કાર આપવાની યોજના પ્રચલિત કરી હતી.

પાંડુરંગ રાવ