કુન્દકુન્દાચાર્ય (ત્રીજી-ચોથી સદી ?) : અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથોના કર્તા. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પછી આદરપૂર્વક જેનું નામ લેવામાં આવે છે તે આચાર્ય કુન્દકુન્દ પરંપરા મુજબ પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. પરંતુ વિદ્વાનો તેમને ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માને છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના કોંડકુંડપુરના નિવાસી હતા. આથી કુન્દકુન્દાચાર્ય તરીકે ઓળખાયા; અન્યથા તેમનું દીક્ષાકાલીન નામ પદ્મનંદિ હતું. આ ઉપરાંત સાહિત્યમાં તેમનાં વક્રગ્રીવ, એલાચાર્ય જેવાં અન્ય નામો પણ મળે છે. તેમના પિતાનું નામ કરમંડુ અને માતાનું નામ શ્રીમતી હતું. દંતકથા મુજબ કરમંડુ દંપતીને લાંબા સમય સુધી સંતાન નહિ થયેલ. બાદ એક તપસ્વી ઋષિને દાન દેવાના પુણ્યપ્રભાવે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તે કુન્દકુન્દ. તે બાલ્યાવસ્થાથી જ અત્યંત પ્રતિભાશાળી હતા. પોતાની વિલક્ષણ સ્મૃતિ શક્તિ અને કુશાગ્ર બુદ્ધિથી થોડા સમયમાં તેમણે અનેક ગ્રંથોનું અધ્યયન કરી લીધેલું. તે યુવાવસ્થામાં જ દીક્ષિત થયા હતા. તેમના મુનિજીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ ચમત્કારિક ઘટનાઓ બની હોવાની કિંવદન્તીઓ પણ પ્રચલિત છે.

કુન્દકુન્દાચાર્ય દિગમ્બરોના મૂલસંઘ નામક સંપ્રદાયના પ્રવર્તક હોવાનું મનાય છે.

કુન્દકુન્દ તેમના અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથો માટે સુખ્યાત છે. તેમણે મુખ્યત્વે શૌરસેની પ્રાકૃત ભાષામાં પદ્યબદ્ધ ગ્રંથોની રચના કરી છે. તેમના ‘પંચાસ્તિકાય’, ‘પ્રવચનસાર’ અને ‘સમયસાર’ એ ત્રણ ગ્રંથોને નાટકત્રય અથવા પ્રાભૃતત્રય તરીકે ઓળખવામાં આવે છે. ત્રણે દ્રવ્યાર્થિક નયપ્રધાન આધ્યાત્મિક ગ્રંથો છે, જેમાં શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તેમણે ‘નિયમસાર’, ‘રયણસાર’, ‘અપાહુડ’ અને ‘દશભક્તિ’ નામે ગ્રંથોની રચના કરેલ છે.

રમણિકભાઈ મ. શાહ