કુતુબ મસ્જિદ : ગુલામવંશની સ્થાપના પછીનું મુસ્લિમ પ્રણાલીનું પહેલું અગત્યનું સ્થાપત્ય. કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ કરાવ્યું હતું. આ મસ્જિદમાં ઉત્તરોત્તર સુધારાવધારા થતા રહેલ. તેથી લગભગ 1200 અને 1206 સુધી તે ઇમારત બંધાતી રહેલી.

પ્રથમ તબક્કામાં તત્કાલીન હિંદુ કિલ્લાની અંદરના તથા આસપાસનાં મંદિરોના ભાગોનો ઉપયોગ કરી મસ્જિદનું આયોજન થયેલું. આ પ્રમાણે લગભગ 42.96 મી. અને 31.99 મી.ના વિસ્તારના પટાંગણની આજુબાજુ ત્રણ ભાગોની ઊંડાઈવાળી સ્તંભાવલીથી ઘેરાયેલ વિસ્તારો હતા. તેની ઊંચાઈ મંદિરોના સ્તંભો એક ઉપર એક ચડાવીને કરવામાં આવેલી. પશ્ચિમના ભાગમાં સ્તંભોની રચના વિશેષ ઊંચાઈથી કરાયેલી, જેથી તે વિસ્તાર ભવ્ય અને મોકળાશવાળો થાય; તેના પર ઘુમ્મટોની રચનાવાળી છત કરાયેલી. આ રીતે આ રચના દ્વારા મુસ્લિમ પ્રણાલીને અનુરૂપ ધાર્મિક સ્થાનના આયોજનમાં સફળતા મળેલી, પરંતુ પથ્થરની કારીગરી વગેરે બાદ કરતાં ઇમારતોની આગવી શૈલીને છાજે તેવું પરિણામ ન આવ્યું કારણ કે સમગ્ર રચના જૂનાં મંદિરોના ભાગોનો ઉપયોગ કરી બનાવાયેલી હોવાથી આખરે તો એક વિસંગતિયુક્ત મિશ્રણની જ છાપ ઊભી થાય છે.

રવીન્દ્ર વસાવડા