કુતુબ મિનાર : દિલ્હીથી આશરે 17 કિમી. દૂર આવેલો વિશ્વવિખ્યાત મિનાર. હિંદુ-મુસ્લિમ સ્થાપત્યશૈલીના સમન્વયનો તે ઉત્તમ નમૂનો છે. દિલ્હીના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે 1199માં તેના બાંધકામની શરૂઆત કરી હતી. તે કુલ પાંચ માળનો છે અને તેની વર્તમાન ઊંચાઈ 72.56 મીટર જેટલી છે. તેના ભોંયતળિયાના વર્તુળાકાર ક્ષેત્રનો વ્યાસ 14.40 મીટર તથા તેના ટોચના માળનો વ્યાસ 2.74 મીટર છે. કુતુબુદ્દીનના શાસનકાળ (1206-1210) દરમિયાન મિનારના પ્રથમ માળનું બાંધકામ પૂરું થયું હતું. તેના વારસદાર સુલતાન શમ્સુદ્દીન અલ્તમશે 1230માં તેના કુલ ચાર માળનું બાંધકામ પૂરું કર્યું હતું. ચૌદમી સદીમાં મિનાર પર વીજળી પડવાથી તેના ઉપલા માળને નુકસાન થયું હતું. 1368માં ફિરોજશાહ તઘલખે તેની પુનર્રચના કરી હતી અને તેના પર પાંચમો માળ તથા ઘુમ્મટ બાંધ્યા હતા. 1803માં ધરતીકંપને કારણે ઘુમ્મટનો નાશ થતાં તેને ઉતારી લેવામાં આવ્યો હતો. મિનાર ઉપર કુરાનની આયતો કોતરવામાં આવી છે.

કુતુબ મિનાર મુખ્ય મસ્જિદની ડાબી તરફના દરવાજાની બાજુમાં આવેલો છે. દરેક માળ નીચેના માળ કરતાં ક્ષેત્રફળમાં નાનો છે. નીચેના ત્રણ માળ અત્યાર સુધી અકબંધ રહ્યા છે જ્યારે ચોથા માળનું ખંડન અને ફરી બાંધકામ થયેલું છે. જમીન પર મિનારાની રચના 14.01 મીટરની ત્રિજ્યાના વર્તુળાકારે બનેલી છે. એનો ચોથો માળ ફક્ત 3.04 મીટરની પહોળાઈનો છે અને એના દરેક માળની બાંધકામશૈલીમાં ફરક છે. સૌથી નીચેના માળની દીવાલમાં નાના નાના અંતરે એકાંતરે શંકુ આકારના અને અર્ધગોળાકાર ઊભા પટ્ટા પડે તેવી રચના કરેલી છે. તેના ઉપરના માળમાં ગોળાકાર પહેલ પાડેલી છે જ્યારે ત્રીજા માળમાં શંકુ આકારના પહેલ પાડ્યા છે. ઉપરનો માળ પહેલ વગરનો છે. દરેક માળની વચ્ચે બહાર ઊપસી આવેલાં છજાં કાઢેલાં છે જ્યારે ઉપરનો માળ એકધારો સપાટ છે. બહાર ઊપસી આવેલાં છજાંની નકશી તથા બાંધકામ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે અને તેનાથી આ મિનારો સુંદર દેખાય છે.

કુતુબ મિનાર

કુતુબ મિનાર દરેક બાજુથી જોતાં અદભુત લાગે છે. તેના લાલ પથ્થરમાં રંગોની અસંખ્ય વિવિધતા છે. જુદા જુદા માળની નકશી તથા થોડા થોડા અંતરે કરેલાં લખાણ તેમજ છજાંની રચનાથી તડકા-છાંયડાની જે રમત રચાય છે તે ઉત્કૃષ્ટ છે. નીચેથી પહોળા અને ઉપરથી સાંકડા બનતા જતા આ કુતુબ મિનારની રચના વધુ ઊંચાઈનો આભાસ કરાવે છે તથા તેની મજબૂતી દર્શાવે છે. જમીનની સાથે તેની ર્દઢ પકડ દેખાય છે.

મિનારના અંદરના ભાગમાં ઉપર ચડવા માટે 376 જેટલાં ગોળાકાર પગથિયાં છે. થોડાંક વર્ષો પહેલાં નાસભાગને લીધે સર્જાયેલ અત્યંત કરુણ હોનારતમાં 90 ઉપરાંત સહેલાણી બાળકોનાં મરણ થતાં મિનારનો અંદરનો ભાગ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે.

મીનાક્ષી જૈન

બાળકૃષ્ણ માધવરાવ મૂળે