કુંભ (પૂર્ણકુંભ) : ફૂલપત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ, જે સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલપત્તાં જીવનના વિવિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે. એ જ રીતે વિરાટ વિશ્વ પણ પૂર્ણ કુંભ છે.
ઋગ્વેદમાં જેને પૂર્ણ અથવા ભદ્ર કળશ કહેલ છે તે સોમરસથી ભરેલ પાત્ર છે. અથર્વવેદમાં આ કળશ ઘૃત (ઘી) અને અમૃતથી ભરેલો હોવાનું વર્ણવ્યું છે. ઘટને મંગલકળશ કહે છે. અથર્વવેદમાં પૂર્ણકુંભ નારીનો ઉલ્લેખ છે. કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી માંગલિક ઘટ લઈને જતી દર્શાવવી એ શોભાયાત્રા ગણાય. રાજાઓની યાત્રાઓનું એક મહત્વનું અંગ પૂર્ણકુંભધારી કન્યા ગણાતી. રામાયણમાં રાવણની સાથે ચાર મંગલકન્યાઓ ચાલતી હોવાનું વર્ણન છે. રાજાના અભિષેક માટે આવી આઠ કન્યાઓ રખાતી. સુગ્રીવના રાજ્યાભિષેક વખતે સોળ મંગલકન્યાઓને આમંત્રણ અપાયું હતું. આમાં એક ઉદકકુંભ કે પૂર્ણકુંભ અવશ્ય હતી. મથુરાની શિલ્પકલામાં પૂર્ણકુંભના અંકનનું બાહુલ્ય છે. ભારતીય કલામાં પૂર્ણકુંભનું ચિત્રણ ભરહુત, સાંચી, અમરાવતી, મથુરા, કપિશા, નાગાર્જુનીકોંડા, સારનાથ વગેરે સ્થળોએ થયું છે. ભારત બહાર બોરોબુદૂર(જાવા)ના સ્તૂપ પર પણ પૂર્ણકુંભનું અંકન થયું છે.
લૌકિક ધાર્મિક પૂજામાં પૂર્ણઘટ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીક રૂપે સર્વપ્રથમ પૂજાય છે. તેની પ્રથમ સ્થાપના થાય છે. જૈન ધર્મમાં પ્રચલિત અષ્ટમંગલમાં પણ પૂર્ણકુંભનો સમાવેશ છે.
પ્રવીણચંદ્ર પરીખ