કુંભકર્ણ : ‘રામાયણ’નું વિકરાળ પાત્ર. પુલસ્ત્યપુત્ર વિશ્રવસ ઋષિ અને રાક્ષસકન્યા કૈકસીનો દ્વિતીય પુત્ર અને રાવણનો લઘુબંધુ. તે 600 ધનુષ્ય ઊંચો, 100 ધનુષ્ય પહોળો હતો. (1 ધનુષ્ય = 4 હાથ કે 96 આંગળ). જન્મતાં જ એક હજાર મનુષ્યોને ખાઈ ગયેલો અને વજ્ર મારનાર ઇન્દ્રને ઐરાવતના દાંતથી મારી નસાડેલો. આથી બ્રહ્માએ ઊંઘ્યા કરવાનો શાપ આપ્યો અને છ મહિને એક દિવસ જાગવાનો અનુગ્રહ કર્યો. તેના નિવારણ અર્થે દસ હજાર વર્ષ તપ કર્યું, પણ સરસ્વતીદેવીએ ભુલવાડમાં ઇન્દ્રાસનને બદલે નિદ્રાસન મંગાવ્યું ! એને સૂવા માટેનો આવાસ 7 કોશ પહોળો (આશરે 23 કિમી.) અને 14 કોશ લાંબો (આશરે 46 કિમી.) હતો. તેને જગાડવાના મહાપ્રયત્નોનું એક રસિક વર્ણન ‘રામાયણ’માં જોવા મળે છે.

તે ધર્મજ્ઞ અને શૂરવીર હતો. સીતાને પાછી સોંપવાની સલાહ રાવણને તેણે આપેલી અને રામલક્ષ્મણ હણાયાની બૂમો પાડી સીતાને વશ કરવાની યુક્તિ નિષેધી યુદ્ધ પસંદ કરેલું. વાનરોને ચાવતાં તેનાં નાકકાન સુગ્રીવે કરડી ખાધાં. રામે હાથ-પગ કાપી પછી તેને માર્યો. તેની નીચે ઘણા ચગદાયા અને લંકાનાં અનેક ગોપુર તૂટ્યાં.

વિરોચનપુત્ર બલિની દોહિત્રી વજ્રજ્વાલાથી તેને કુંભ અને નિકુંભ બે પુત્રો થયેલા, જે યુદ્ધમાં મરાયા હતા.

જયન્ત પ્રે. ઠાકર