કુંતાસી : કચ્છના અખાતના પૂર્વ કાંઠા નજીક રાજકોટ જિલ્લાના માળિયા તાલુકામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ અને બંદર.
કુંતાસીનો બીબીનો ટિંબો કચ્છના અખાતથી લગભગ સાત કિમી.ના અંતરે છે. લોથલની માફક તે પણ એક સમયે બંદરીય વસાહત હશે એમ જણાય છે. કુંતાસીમાંથી વહાણને લાંગરવાનો ધક્કો, માલ સંગ્રહ કરવાનાં ગોદામો, અનેક પ્રકારના મણકા, તાંબા-કાંસાની વસ્તુઓ, માટીનાં વાસણોની ભઠ્ઠી વગેરે અવશેષો મળ્યા છે. કુંતાસીની વસાહતને બહેરીન, ઓમાન અને પ્રાચીન ઇરાક જોડે વ્યાપારી સંબંધો હોવાની શક્યતા છે. લાલ અને સફેદ રંગનાં દ્વિરંગી વાસણો, અનાજની કોઠીઓ, સેલખડીના મણકા, અકીકના અનેક પ્રકારના લાંબા મણકા, લેપીસ લઝુલીના મણકા, તીરનાં તાંબાનાં ફળાં, ભાલાનું ફળું, છરીઓ, કુહાડીનાં પાનાં વગેરે મળે છે. વહાણો બાંધવા માટેનાં પથ્થરનાં લંગરો, દરિયાકાંઠાનું અસ્તિત્વ સૂચવે છે. આ વસાહતના બે તબક્કાનું સમયાંકન અનુક્રમે ઈ. પૂ. 2200-1900 અને 1900-1500 સુધી હોવાનું અંદાજેલ છે. પ્રથમ તબક્કાની વસાહત વિશાળ અને સમૃદ્ધ જણાય છે. જ્યારે 1900 પછી આ સમૃદ્ધિમાં ઓટ આવતાં પછીના કાળનાં વાસણો તથા વસ્તુઓ અગાઉ જેવાં કલાત્મક કે કીમતી જણાતાં નથી.
શિવપ્રસાદ રાજગોર