કુંડલિની શક્તિ : નાભિપ્રદેશ નીચે કુંડલિની આકારે રહેલી શક્તિ. આ શક્તિ વિશે હંસોપનિષદ, ત્રિશિખ બ્રાહ્મણ ઉપનિષદ, યોગશિખોપનિષદ, ધ્યાનબિન્દુ-ઉપનિષદ અને પ્રશ્નોપનિષદમાં વિગતે રજૂઆતો છે. શ્રી ગૌડપાદાચાર્ય-રચિત ‘સુભગોદય’, શ્રી આદિશંકરાચાર્ય-રચિત ‘સૌન્દર્યલહરી’ વગેરેમાં તેના વિશે વિસ્તૃત રજૂઆત છે. ‘કુલાર્ણવતન્ત્ર’, ‘વિજ્ઞાનભૈરવતન્ત્ર’ તથા ‘શ્રી વિદ્યા’ વગેરે દશ મહાવિદ્યાઓમાં તેનું વિગતે વિવરણ મળે છે.
હિન્દુ તત્વજ્ઞાન અનુસાર મનુષ્યશરીરરૂપી પિંડ એ સાર્વત્રિક બ્રહ્માંડની પ્રતિકૃતિ સમો છે અને જે શક્તિઓ બ્રહ્માંડ(cosmos)નું સંચાલન કરે છે તે જ તમામ જીવંત મનુષ્યોમાં પણ સંચાલક છે. આમ, પિંડ-બ્રહ્માંડ બંને અનેકવિધ પ્રગટ શક્તિસ્વરૂપ સમૂહોથી રચાયેલ વ્યષ્ટિ-સમષ્ટિરૂપ છે. મનુષ્યશરીર તો ધર્મ, અર્થ અને કામ થકી દરેક શ્વાસે મોક્ષપ્રાપ્તિ માટેનું ક્ષેત્ર છે. તે જ ઉત્તમ માધ્યમ અને સાધન દ્વારા લક્ષ્યસિદ્ધિ પામી શકાય. આ લક્ષ્ય છે શિવસાયુજ્યિત બ્રહ્મૈક્ય.
આદ્યશક્તિ : આદ્યશક્તિ પૂર્ણ શક્તિ છે. મહાકાય સ્થિત મહાકાળી છે તે જ પરમપદ અને પરાશક્તિ છે. ‘तम्’ ગતિસ્વરૂપે સ્થિત આ દેવી મહાસમયા છે. તે પૂર્ણતમ કક્ષાએ વિરમેલા મહાકાળ-સ્વરૂપ શિવ સાથે તે મહાકાળી અભિન્ન સ્વરૂપે છે. આ સ્થિતિએ મહાકાળી પૂર્ણગતિથી આવી સ્થિર થયાં છે. આ આદ્યશક્તિમાંથી સર્વ દિવ્ય કે જ્યોતિર્મય શક્તિઓ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થઈ વિસ્તરે છે. આ શક્તિ-સ્વરૂપો શુદ્ધ અને અશુદ્ધ રૂપે તેમજ માયાવી છે. પુન: તે બધું મહાસમયાદેવી આદ્યશક્તિમાં સમાઈ જાય છે. આ જ સર્વોત્પત્તિનું મૂળ છે.
તે પરાશક્તિ પરમ તેજોમયી, ચૈતન્યમયી અને ગતિશીલ મહાસમયા આદ્યશક્તિ જ ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ રૂપે પરિણમે છે. આ જ બિંદુમાંથી સર્જાતો ત્રિકોણ છે.
આદ્યશક્તિ માયાવી સ્વરૂપે અવતરિત થઈ વ્યષ્ટિ અને સમષ્ટિસ્વરૂપ ધારણ કરે છે. અગ્નિતત્વ વડે તેમાં સતત પરિવર્તન ચાલ્યાં કરે છે. તંત્રમાં પુરુષ ત્રિકોણ અને સ્ત્રી ત્રિકોણ(ઊર્ધ્વમુખ અને અધોમુખ ત્રિકોણો) મળી સમગ્ર સૃષ્ટિ (વ્યષ્ટિ અને સમષ્ટિ)ની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે.
આમ આદ્યશક્તિ પૂર્ણ છે. તેમાંથી માતૃકાશક્તિ રૂપે આવિર્ભૂત થઈ ષટ્કથી સૃષ્ટિની રચના થાય છે. વૈવિધ્યસભર સૃષ્ટિ પુન: મૂળ સ્વરૂપે વિલય પામે છે.
આ સ્વરૂપ બ્રહ્મ-બ્રહ્માંડમાં વ્યાપેલું છે પિંડ-બ્રહ્માંડ-ન્યાયે દેહમાં રહેલી શક્તિ તે કુંડલિની શક્તિ છે.
કુંડલિની શક્તિ : વ્યષ્ટિ (પિંડ) અને સમષ્ટિ (બ્રહ્માંડ) રૂપે આદ્યાશક્તિનું માયાવી અવતરણ છે. તે અપૂર્ણ છે પણ પૂર્ણ આદ્યાશક્તિ વ્યષ્ટિ-સમષ્ટિ રૂપે અપૂર્ણ સ્વરૂપે અવતરિત થવા છતાં તેનું પૂર્ણ રૂપ યથાવત રહે છે. અપૂર્ણ રૂપો વ્યષ્ટિ અને સમષ્ટિમાં ભળવા છતાં તેના પૂર્ણ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. માતૃકા શક્તિ પિંડ કે બ્રહ્માંડરૂપે અવતરિત થતાં શેષ શક્તિ રહી તે શક્તિ. માનવમાં કુંડલિની શક્તિ તરીકે ઓળખાય છે. બ્રહ્માંડમાં આ શક્તિ વૈષ્ણવી શક્તિ છે. विश પ્રવેશવું ઉપરથી બ્રહ્માંડમાં વ્યાપેલી શક્તિ અર્થ થાય. વિષ્ણુ ભગવાન શેષનાગ ઉપર સૂતા છે તેમ વૈષ્ણવી શક્તિ શેષનાગ સ્વરૂપે છે. આ કુંડલિની શક્તિ અહંભાવે મૂલાધાર ચક્રના ભાગે સુષુપ્ત અવસ્થામાં છે. તે પ્રગટ સ્વરૂપોને પૂર્ણતા આપવા સક્ષમ હોય છે. તે પ્રસુપ્ત હોવાથી ઘનીભૂત પ્રાણની આવૃત્તિ સમાન છે. આમ, કુંડલિની શક્તિ આભ્યંતર સ્વરૂપે સ્થિર વલયની માફક ગૂંચળા સ્વરૂપે સાડા ત્રણ આંટા મારીને કરોડરજ્જુના નીચલા ભાગે રહેલી છે.
જીવંત માનવીના આત્મિક દેહમાં 72 હજાર નાડીઓ છે. તેમાં પ્રાણશક્તિનો પ્રવાહ વહે છે. આ નાડીઓમાં ચૌદ મુખ્ય છે. તેમાંયે ત્રણ નાડીઓ ઇડા, પિંગલા અને સુષુમ્ણા ખાસ ઉલ્લેખનીય છે. સુષુમ્ણા નાડીનો પ્રવાહ કરોડરજ્જુના નીચા છેડે(વિષુવ અને કુલાધ સહિત)થી આરંભી આજ્ઞાચક્ર(ભ્રૂકુટિમધ્ય) પર્યંતનો છે. તે શરીરના સાતેય ચક્રો સહિત કુલ પચીસ ચક્રોને જોડે છે. સાત ચક્રો આ પ્રમાણે છે – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર. સામાન્યત: બધી જ વ્યક્તિઓમાં આ સાત્વિક કેન્દ્રો (ચક્રો) સુષુપ્તિ સમ લઘુતમ રીતે સક્રિય હોય છે. યોગદર્શન અનુસાર માનવીની માનસિક શક્તિનો દશમો ભાગ જ વપરાય છે. બાકીની શક્તિ સુષુપ્ત અવસ્થામાં હોય છે.
કુંડલિની શક્તિ આજ્ઞાચક્રથી સહસ્રાર ચક્ર તરફ પ્રાણશક્તિ વરણા અને અસી નામની નાડીઓ વાટે વહે છે. આ જ વારાણસી કે કાશી છે. તેના મધ્યમાં શિવસ્થાન છે તેને ‘વૈન્દવ’ કહે છે.
માનવનું મન હૃદયના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે વિકારોથી ઘેરાયેલ હોવાથી તે અપૂર્ણ રહે છે. તેનો યોગ કુંડલિની શક્તિ સાથે થયો હોતો નથી. પણ મનહૃદયના વિકારોનો સત્ય, સદાચાર અને બ્રહ્મચર્યથી લય કરી સ્વાધ્યાય, તપ, ધ્યાન, સમાધિથી સુષુપ્ત શક્તિ ગુરુની કૃપાથી ચતુર્વિધ રૂપે જાગ્રત થતાં અહંભાવી કુંડલિની શક્તિ ઇદં ભાવિ ગતિને પામે છે. તે ક્રિયાવતી, કલાવતી, વર્ણમયી અને વેધમયી રૂપે પ્રગટ થાય છે અને સાધક તેની અનુભૂતિ કરે છે.
- ક્રિયાવતી : હઠયોગ, આસનો, પ્રાણાયામ, મુદ્રા, નૃત્ત, નાદ (પ્રગટ સંગીત-સ્વરૂપ વગેરેમાં).
- કલાવતી : 36 તત્વોના વ્યતિરેક અને શુદ્ધિ માટે આ શક્તિ છે. શેષ શક્તિ અર્થ(meaning, sense)-સ્વરૂપે, 5 કલા, 36 તત્વો, 14 ભુવનના સાક્ષાત્કાર અને શુદ્ધિમાર્ગે સાયુજ્ય પામે છે.
- વર્ણમયી : માતૃકોપસંહારમાં ‘અ’થી ‘હ’ પર્યંત બધા ઉચ્ચરિત વર્ણો વૈખરી વાણી છે, જે કંઠને ભેદીને ઉચ્ચારાય છે. આ પછી વાણીનાં ત્રણ અંત:સ્વરૂપો છે : પરા, પશ્યન્તી અને મધ્યમા. નાભિપ્રદેશમાં શબ્દબ્રહ્મ સ્વરૂપે પરાવાક્ પરિણમે છે. નાભિથી ઊર્ધ્વ ભાગે હૃદયપર્યંત વાણીનું સ્વરૂપ ‘પશ્યન્તી’નું છે. હૃદયથી કંઠદેશ પર્યંત વાણી ‘મધ્યમા’ સ્વરૂપે છે. પ્રથમ ઉચ્ચાર ‘અ’ સ્વરૂપે વૈખરી રૂપે મળે છે. મુખનાં સ્થાનોમાં ઈ અને ઉ સ્વરૂપ ધારણ કરે છે.
- વેધમયી : છ ચક્રોના વેધ વડે મંત્રશક્તિ અતિ ગતિથી બધાં જ ચક્રોને ભેદી ઇચ્છા-જ્ઞાન-ક્રિયાના સમન્વય વડે સંપૂર્ણ જાગ્રત થઈ વેધ રચે અને પરમ સમાધિ દશામાં શિવ સાથે સાયુજ્ય પામે તેને વેધમયી કહે છે. આ જ બ્રહ્મૈક્ય કે પૂર્ણ સ્વરૂપ છે.
આમ સુષુમ્ણાના માર્ગે જાગ્રત થયેલી કુંડલિની શક્તિ મૂલાધારે પૃથ્વી અને જળતત્વનો વેધ કરી સ્વાધિષ્ઠાને ત્રણ પ્રદક્ષિણા કરી મણિપુરે અગ્નિતત્વનો વેધ કરી અનાહત ચક્રસ્થાને સૂર્યને ઊર્ધ્વાભિમુખ કરી વિશુદ્ધ ચક્રસ્થાને આકાશનો વેધ સાધી આજ્ઞાચક્રમાં મન વડે આગળ વધી વરણા અને અસી નાડી વાટે સહસ્રારચક્રમાં ષોડશી કળાઓ યુક્ત ચંદ્રમંડળને સાધી તેમાં છેદ કરી સોમ કે અમૃતધારા વહાવે છે. તે માનવશરીરમાં ગતિશીલ બની રહે છે. આમ આ રસામૃતની ગતિશીલતાથી પ્રાણરૂપી સૂર્ય ઊર્ધ્વોન્મુખ થતાં મન રૂપી ચંદ્ર સાથે પરસ્પર ક્રિયા-ચેતનનો યોગ થતાં સૂર્ય-ચંદ્રના સુભગ ઉદય-અસ્તનો સમન્વય થાય છે. આ અનુભૂતિ વર્ણનાતીત છે. આને કુંડલિની શક્તિની ઉતરાયણ કે શુક્લપક્ષીય ષોડશી કહે છે. તે જ મા સરસ્વતી છે. ત્યાં જ મહાસમયાદેવીની નિરન્તર ગતિ અનુભવાય છે. આ સ્થાન જ ‘વૈન્દવ’ છે. અહીં ચંદ્રકલા સ્વતંત્ર રૂપે નિત્ય પૂર્ણ રૂપે રહે છે. ચિતિશક્તિ મહામાયાનો સંબંધ સોળ નિત્ય કળાઓ સાથે છે. આ કળાઓનો સંબંધ મંત્ર સાથે, મંત્રનો સુષુમ્ણા સાથે, સુષુમ્ણાનો માતૃકાઓ સાથે છે. આમ, સુષુમ્ણા-ઇડા-પિંગલા સાથે સંબંધિત 14 મુખ્ય અને 72 હજાર અન્ય નાડીઓ થકી સૂર્ય-અગ્નિ-ચંદ્ર ગ્રંથિઓ અને સાત ચક્રો ભેદી નૃસ્વરૂપ યંગરાજ (પિંડ) સાથે અને બ્રહ્માંડ સાથે સંસિદ્ધ થાય છે.
પ્રકાશ કાન્તિલાલ ઠાકર
દશરથલાલ વેદિયા