કુંડલિત ચિત્રો (Scroll Painting) : ભૂંગળાંની જેમ વાળવામાં આવતાં સચિત્ર ઓળિયાં કે ટીપણાં. આમાંનાં ચિત્રોને કુંડલિત ચિત્રો કહેવામાં આવે છે. છેલ્લાં બસો-અઢીસો વર્ષો દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં પંચાંગ અને જન્મકુંડળીઓ કાગળના લાંબા પટ્ટા પર તૈયાર કરવાની પ્રથા પ્રચલિત હતી. આવા સચિત્ર ઓળિયામાં દરેક માસના વાર, તિથિ, રાશિ, નક્ષત્ર વગેરેની માહિતી આપતું પંચાંગ ચિત્રિત કરવામાં આવ્યું. ઉચ્ચ વર્ગના લોકો, રાજપુરુષો, ધર્મપુરુષો વગેરે પોતાની સચિત્ર જન્મકુંડળીઓ પણ આવા ટીપણા ઘાટમાં તૈયાર કરાવતા. સામાન્ય રીતે 25થી 35 સેમી. પહોળાં અને 40થી 60 સેમી. લાંબા કાગળના ટુકડાઓ પર એક એક માસનું પંચાંગ કે રાશિભવિષ્ય તૈયાર કરી આ ટુકડાઓને એકબીજા સાથે જોડી દેવામાં આવતા. આથી એકથી પાંચ મીટર સુધીના લાંબા કાગળના પટ્ટામાં આખું પંચાંગ કે જન્મકુંડળી તૈયાર થઈ જતી. કેટલાક કિસ્સાઓમાં તો તેનાથી પણ લાંબી જન્મકુંડળીઓ જોવા મળે છે. આવી કુંડળીઓ લાંબો સમય સચવાય તે માટે તેની પાછળ કપડું ચોડવામાં આવે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સહજાનંદસ્વામીની આવી જ લગભગ 40 મીટર લાંબી ચિત્રિત જન્મકુંડળી ગઢડા મંદિરના પ્રસાદીના સંગ્રહસ્થાનમાં સુરક્ષિત છે. આ કુંડળી તૈયાર કરનાર વઢવાણના વિદ્વાન પંડિત લાધારામ હતા અને જુદા જુદા ભૌમિતિક આકારની કુંડળીઓમાં ગ્રહો-નક્ષત્રો-રાશિઓ વગેરેનાં કલાત્મક ચિત્રો દોરી આ કુંડળીને ચિત્રિત કરનાર સ્વામી શ્રી આધારાનંદ હતા. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તેમજ સાંપ્રદાયિક દૃષ્ટિએ શ્રીજીમહારાજની આ કુંડળીનું માહાત્મ્ય ઘણું હોય એ સ્વાભાવિક છે પરંતુ ચિત્રકલાનો પણ એ ઉત્તમ નમૂનો છે. સંપ્રદાયના શ્રેષ્ઠ સંત-કલાકાર તરીકે શ્રી આધારાનંદસ્વામીની ઊંચી કલા-પ્રતિભાનાં એમાં દર્શન થાય છે.

વિ. સં. 1884(ઈ. સ. 1828)માં તૈયાર થયેલ આ કુંડળીમાં ગણેશ, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, નીલકંઠવર્ણીનું વનવિચરણ, નારદ-ઉદ્ધવ આદિ સેવકોથી યુક્ત નરનારાયણ મુનિ તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્ય જેમાં પરંપરાગત આયુધોને બદલે ધર્મગ્રંથ, કમંડલ, માળા અને સંન્યાસી દંડ ધારણ કરેલાં છે – વગેરે મુખ્ય ચિત્રોનો સમાવેશ થયો છે. ગણેશનું પાર્શ્વદર્શી ચિત્ર પરંપરિત ગુજરાતી ચિત્રકલાનું એક અજોડ ચિત્ર છે. ઉપરાંત એમાં નવ ગ્રહોનાં રંગીન ચિત્રો તથા વિવિધ ભૌમિતિક આકૃતિઓમાં રાશિચક્રો પણ ચિત્રિત કરવામાં આવ્યાં છે. આ દરેક ચિત્રની નીચે સુંદર મરોડદાર કાળા અક્ષરે રાશિ ભવિષ્યના ફળાદેશ સાથે શ્રીજી મહારાજના ગ્રહોની સ્થિતિ દર્શાવતાં લખાણ અને કુંડળીની વિગતો સંસ્કૃત ભાષામાં આલેખવામાં આવ્યાં છે. સમગ્ર કુંડળીની બંને તરફ કિનારી લીલા ઘેરા રંગની વેલ અને ગુલાબી ફૂલોથી સુશોભિત કરવામાં આવી છે. કુંડળીનાં સ્ત્રીચિત્રો – પાર્વતી, રાધા વગેરેના પહેરવેશ પર રાજસ્થાની લોકવેશની અસર દેખાય છે. જ્યારે ચામરધારી સેવકોનો કાઢી પુરુષોના વેશ જેવો – ચોરણો, કેડિયું, કમર પર ફાળિયાનો બંધ, માથે ગોળ આંટાવાળી સફેદ પાઘડી પહેરવેશ નોંધપાત્ર છે. રંગસંયોજનની દૃષ્ટિએ આછા વાદળી રંગની ભૂમિકા પર પીળા અને કેસરી રંગોથી ચિત્રોનું અને જુદી જુદી કુંડળીઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

કુંડલિત ચિત્રપટોમાં શ્રી સહજાનંદસ્વામીની આ ચિત્રકુંડળી વિરલ દૃષ્ટાંતરૂપ છે.

પ્રવીણચંદ્ર પરીખ