કુંડગ્રામ : બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલ વૈશાલીનગરનું ઉપનગર. વૈશાલીની સ્થાપના વિશાલ નામના રાજાએ કરી હોવાનું મનાય છે. વૈશાલીના ત્રણ વિભાગ કે ઉપનગર હતાં. એ ત્રણેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકો રહેતા હતા. કુંડગ્રામમાં ક્ષત્રિયો રહેતા તેથી તે ‘ક્ષત્રિયકુંડ’ તરીકે ઓળખાતું. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર વર્ધમાન અથવા મહાવીરસ્વામીનો જન્મ આ સ્થળે થયો હતો. એ વખતે એમના પિતા સિદ્ધાર્થ કુંડગ્રામ કે ક્ષત્રિયકુંડના રાજા હતા. સિદ્ધાર્થ પછી મહાવીરસ્વામીના મોટાભાઈ નંદીવર્ધન ત્યાંના રાજા બન્યા હતા. મહાવીરસ્વામીએ સંન્યસ્ત ધારણ કર્યા પછી આ સ્થળની મુલાકાત લીધી ત્યારે તેમના ઉપદેશથી તેમની પુત્રી પ્રિયદર્શના તથા જમાઈ જમાલિએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. જૈન ધર્મના અનુયાયીઓ માટે આ એક તીર્થસ્થાન છે. હાલમાં તે ‘વેસર’ કે ‘વસુકુંડ’ તરીકે ઓળખાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી