કુંજાલી મરક્કાર : પંદરમી સદીના અંતે અને સોળમી સદી દરમિયાન પોર્ટુગીઝોના નૌકા-કાફલાનો લાંબા સમય સુધી સામનો કરનાર નૌકાધીશ. 1498માં વાસ્કો-દ-ગામા અને તેના અનુગામી વહાણવટીઓ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ તેજાનાની શોધમાં આવ્યા અને ચડિયાતા નૌકાદળ અને શસ્ત્રો તથા ભારતીય રાજાઓના પરસ્પર દ્વેષ અને કુસંપને કારણે હિંદી મહાસાગરમાં અબાધિત વર્ચસ્ જમાવી મધદરિયે વહાણો રોકી ચાંચિયાગીરી આદરી. તેમની જોહુકમીને કારણે કાલીકટ રાજ્ય અને વેપારીઓ તેમના વિરોધી બન્યા. તેની આગેવાની કોચીનના મોપલા જાતિના મુસ્લિમ શાહસોદાગર અને વહાણવટી મહમદ મરક્કારે લીધી. તેનો એક અફસર કુટ્ટી અલી હતો. તેની બહાદુરીને કારણે ઝામોરિને ‘કુંજાલી’નો ઇલ્કાબ (કુંજ-વહાલો) આપ્યો. તેના ભાઈ પચ્ચી કે પેઈટ મરક્કાર તથા ઇબ્રાહિમે તેને સાથ આપ્યો હતો.
યુદ્ધનીતિ : દરિયા ઉપર પોર્ટુગીઝનાં જંગી જહાજોનો સીધો મુકાબલો કરી શકે તેમ ન હોવાથી તેણે ગેરીલા યુદ્ધનીતિ અપનાવી હુમલા શરૂ કર્યા. પોર્ટુગીઝનાં ઓછી ગતિવાળાં મોટાં યુદ્ધજહાજો નદીની અંદર કે ખાડીના છીછરા ભાગમાં પ્રવેશી શકે તેમ ન હતાં, તેમજ કુંજાલીના હલકા અને તેજ ગતિવાળાં પડાવોનુ તોપથી નિશાન લઈ શકે તેમ ન હતાં.
દુશ્મનનાં યુદ્ધજહાજોના સઢને આગ લગાડી, કૂવાસ્તંભનો નાશ કરી વહાણને આંકડાથી ભિડાવી તેઓ હાથોહાથ લડાઈ કરતા હતા. કુંજાલીનાં યુદ્ધજહાજોમાં ત્રીસ કે ચાળીસ સશસ્ત્ર નાવિકો રહેતા. કાલીકટ રાજ્યે પોર્ટુગીઝ વહાણોની હિલચાલ ઉપર દેખરેખ રાખવા સમુદ્ર નજીક ટેકરીઓ ઉપર નિરીક્ષણ-ચોકીઓ ઊભી કરી હતી. દુશ્મન વહાણ નજરે પડતાં સંકેત દ્વારા છૂપા પડાવને ખબર પડતાં દુશ્મન વહાણો ઉપર અચાનક હુમલો કરાતો હતો.
કુંજાલી બીજાએ અવારનવાર હુમલા કરી કોચીન અને ગોવા વચ્ચેનો વેપાર અટકાવી દીધો હતો. તેમ છતાં અરબી સમુદ્રમાં કાલીકટનાં વહાણો જઈ શકતાં ન હતાં. મધદરિયે પોર્ટુગીઝ વહાણોનો સામનો કરી શકાય તેમ ન હતું. પશ્ચિમકાંઠાના અને પૂર્વ તરફના દેશો સાથેના વેપારથી કાલીકટને સંતોષ માનવો પડ્યો હતો.
દરિયામાં તોફાન થતાં શ્રીલંકાના મુખ્ય બંદર કોલંબોમાં ડોન લોરેન્ઝો રોકાયો હતો અને રાજા ભુવનએકબાહુની નિર્બળતાનો લાભ લઈ વખાર અને કિલ્લો બાંધી તજનો નિકાસ વેપાર અને યુરોપીય માલનો આયાત વેપાર કબજે કર્યો હતો. રાજાના ભાઈ મયદુન્નેએ બળવો કરતાં રાજાએ પોર્ટુગીઝોની મદદ માગી અને બળવાખોર રાજકુમારે ઝામોરિનની મદદ માગી. ઝામોરિને 51 મોટાં યુદ્ધજહાજો, 400 તોપો અને આશરે 5,000 સૈનિકો મોકલ્યાં. પોર્ટુગીઝોને કિલ્લો છોડવાની ફરજ પડી. કોઠીમાં રહેલા રક્ષકોના બચાવ માટે 20 યુદ્ધજહાજો અને 1,000 સૈનિકો સાથે આવેલા કાફલાએ રામેશ્વર પાસેના વિદુલાઈ નજીક કાલીકટનાં યુદ્ધજહાજો બાળીને આશરે 8,000 સૈનિકોને મારી નાખી કાલીકટના પચ્ચી મરક્કારના કાફલાનો નાશ કર્યો હતો. 400 તોપો અને 22 યુદ્ધજહાજો તેમણે કબજે કર્યાં હતાં. કુંજાલી બીજાનું શ્રીલંકામાં પુટ્ટગામ નજીક મૃત્યુ થયું હતું.
1538માં તુર્કસ્તાન અને ગુજરાતના સુલતાને મળીને પોર્ટુગીઝોને દીવમાંથી હાંકી કાઢવા નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેમને કાલીકટનો સાથ હતો. 1538-53 દરમિયાન અવારનવાર પોર્ટુગીઝ અને કાલીકટના નૌકાકાફલા વચ્ચે અથડામણો ચાલુ રહી હતી. પોર્ટુગીઝોએ તેમના કાફલામાં 600 ટનનાં ગેલીઅન યુદ્ધજહાજો ઉમેર્યાં હતાં.
કુંજાલી ત્રીજો : કુંજાલી ત્રીજો બહાદુર અને વ્યૂહાત્મક હિલચાલમાં નિપુણ અને ખેલદિલ સ્વભાવનો હતો. 1558માં કૅપ્ટન લુઇસ દ મેલોને કાનાનોર નજીક કુંજાલીના કાફલાને ભારે નુકસાન કર્યું અને કાલીકટનાં બંદરોને ઘેરો ઘાલી વેપાર અટકાવ્યો હતો. 1564માં કૅપ્ટન મૅક્સવિરોએ ચાંચિયાગીરી કરી મલબાર કાંઠાનાં 24 વહાણો પકડ્યાં હતાં અને 2,000 જેટલા ખલાસીઓ વગેરેની કતલ કરી હતી. કાનાનોરના આગેવાન ખલાસીનું વહાણ હાથમાં આવતા કાનાનોરના હિંદુ-મુસ્લિમ લોકોએ અલી રાજાની આગેવાની નીચે કાનાનોરમાંનાં પોર્ટુગીઝ વહાણોનો નાશ કર્યો હતો. ભાટકલ નજીક પાઉલો દ લીમાના કાફલાને કુંજાલી ત્રીજાએ હાર આપી હતી. 1569માં ડોમ માર્ટીનો-દ-મિરાન્ડાનાં 36 વહાણોના કાફલાને વેરવિખેર કરી પાછા ફરવા ફરજ પાડી હતી.
કુંજાલી ત્રીજાની આક્રમક પ્રવૃત્તિથી ગભરાઈને પોર્ટુગીઝોએ ઝામોરિન સાથે સંધિ કરી હતી. નવા નબળા ઝામોરિનનો લાભ લઈ પોર્ટુગીઝોએ પોનાનીમાં કિલ્લો બાંધવા પરવાનગી મેળવી હતી. વળતા પગલા તરીકે કોટા નદીના મૂળ પાસે કિલ્લો બાંધી સાવચેતીનાં પગલાં લીધાં હતાં. 1595માં કુંજાલી ત્રીજો ભારે હૈયે મૃત્યુ પામ્યો.
કુંજાલી ચોથો : કુંજાલી ત્રીજાનો ભત્રીજો મહમદ કુંજાલી તેનો અનુગામી બન્યો. કુટ્ટી મુસાનાં 14 વહાણોએ તામિલનાડુનાં પોર્ટુગીઝ વેપારી મથકો ઉપર હુમલા કરી કેટલાંક વહાણો પકડ્યાં હતાં. કરદીવા ટાપુ પાસે ડોન એન્ડ્રે ફુર્ટાડો દ મેન્ડોન્ઝાના 22 ગેલીઓએ છીછરાં પાણીમાં લાધી ગયેલાં કાલીકટનાં જહાજો ઉપર હુમલો કરી તેનો નાશ કર્યો હતો. કડીગા નદીના મુખ પાસે કુંજાલી ચોથાએ લૂંટનો ઘણો માલ કબજે કર્યો હતો.
કુંજાલી ચોથાના ઉદ્ધત, અવિચારી અને આપખુદ સ્વભાવને કારણે ઝામોરિન સાથે તેને અણબનાવ થયો હતો. પોર્ટુગીઝોએ આ તકનો લાભ લઈ ઝામોરિનને જમીનમાર્ગે કોટાના કુંજાલી ચોથાના મથક ઉપર હુમલો કરવા પ્રેર્યો. પોર્ટુગીઝોએ છ હોડીઓ દ્વારા કોટા નદીનું મુખ બંધ કરી કિલ્લાને ઘેરો ઘાલ્યો. પોર્ટુગીઝોએ ઝામોરિનના 20,000ના લશ્કરને સાથ આપવા 300 પોર્ટુગીઝ સૈનિકો મોકલ્યા. કુંજાલી પાસે કિલ્લામાં 1,500 માણસો અને તોપો હતાં, પણ તેનો કાફલો અન્યત્ર હતો. તેમ છતાં કિલ્લાની દીવાલ પાસે હોડીઓ ગોઠવી બુરજ ઉપર સૈનિકો અને તોપો ગોઠવી કુંજાલીએ સામનાની તૈયારી કરી.
પોર્ટુગીઝોએ નિધારિત સમય પૂર્વે ચાર કલાક અગાઉ હુમલો કરવાની ભૂલ કરી. તેથી તેમના આશરે 300 માણસો પૈકી ત્રણ કમાન્ડરો અને 150 માણસો મરાયા અને બીજાઓએ અવ્યવસ્થિત પીછેહઠ કરી. કૅપ્ટન બેલીઓરના 600 પોર્ટુગીઝ અને 500 નાયર સૈનિકો મૂળ યોજનાને વળગી રહીને મૂક પ્રેક્ષક રહ્યા. નિર્ધારિત સમયે હુમલો કરી તેઓ કોટા શહેરમાં પ્રવેશ્યા. અહીં કુંજાલીના 500 માણસો મરણ પામ્યા. બપોરે ઝામોરિનના લશ્કરે કિલ્લા ઉપર હુમલો કર્યો. તેઓ કુંજાલીની તોપોનો ભોગ બન્યા અને કુંજાલીનો 5-3-1599ના રોજ વિજય થયો અને પોર્ટુગીઝોએ ઘેરો ચાલુ રાખી નવા યુદ્ધ માટે તૈયારી કરી. 16-12-1599ના રોજ કુંજાલીના મૂળ ગામ કોરીચી પાસે ઝામોરિનના લશ્કર સાથે મળીને તોપો અને બંદૂકોનો મારો ચલાવ્યો. ઘેરો લાંબો ચાલતાં કિલ્લામાં અનાજ ખૂટી ગયું. સૈનિકોની સંખ્યા પણ ઘટી ગઈ. તેથી કુંજાલી ચોથાને તેનો અને તેના માણસોનો જીવ બચાવવાની શરતે શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. કુંજાલી ચોથો અને 40 મોપલા અગ્રણીઓને કેદમાં નાખવામાં આવ્યા. પોર્ટુગીઝોને ઝામોરિન ઉપર વિશ્વાસ ન હતો. કુંજાલી ઝામોરિન સાથે ગુપ્ત મસલત કરે છે તેવી ગંધ આવતાં પોર્ટુગીઝોએ કુંજાલી ચોથાનો જાહેરમાં શિરચ્છેદ કર્યો અને કુંજાલી મરક્કાર કુટુંબ સત્તાહીન બન્યું.
કુંજાલી ચોથાનો તેર વરસનો ભત્રીજો ઉપર દર્શાવેલ યુદ્ધમાં કેદ પકડાયો હતો. 17 વર્ષ તે કેદમાં રહ્યો. ખ્રિસ્તી ધર્મ સ્વીકારીને તે પરણ્યો પણ કાકાનું વેર લેવા તે એક રાત્રે છટકી ગયો અને કોંકણ તથા મલબારના કુંજાલીના જૂના સૈનિકોને એકઠા કરીને પાંચ વહાણોના કાફલા ઉપર હુમલો શરૂ કર્યો. તેણે ગોવાને બે માસ ઘેરો ઘાલ્યો હતો. પોર્ટુગીઝ કાફલા સાથેના યુદ્ધમાં 1618માં 18 પૈકી 12 વહાણો તેણે પકડી લીધાં હતાં. 1620 સુધી તેણે આ લડત ચાલુ રાખી તે માલદીવ ટાપુઓમાં અર્દશ્ય થયો. આમ 1502થી 1620 સુધી કુંજાલી મરક્કારોએ સોથી વધુ વર્ષો સુધી અણનમ રહીને લડત આપી હતી ને પછી કાળની ગર્તામાં વિલીન થઈ ગયા. આ રાષ્ટ્રવીરોની યાદમાં મુંબઈનું ભારતીય નૌકામથક ‘આઇ. એન. એસ. કુંજાલી’ તરીકે ઓળખાય છે.
શિવપ્રસાદ રાજગોર