કીર, ધનંજય (જ. 23 એપ્રિલ 1913, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 12 મે 1984) : વિખ્યાત મરાઠી લેખક, સમાજસુધારક અને ઇતિહાસવિદ. આખું નામ ધનંજય વિઠ્ઠલ કીર. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાં પછી પિતાના વ્યવસાય સુથારીકામની તાલીમ લીધી. પરંતુ અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોવાથી 1935માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગમાં કાયમી નગરી નોકરીમાં જોડાયા. ટૂંક સમયમાં વાચન અને અધ્યયન દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. મરાઠી ભાષા પર પણ સારી પકડ હોવાથી બંને ભાષાઓમાં તેમણે લેખન કર્યું છે.
તેમણે ભારતના અગ્રણી સામાજિક અને રાજકીય નેતાઓનાં ચરિત્રોમાં 1950માં સ્વાતંત્ર્યવીર સાવરકરનું, 1954માં બાબાસાહેબ આંબેડકરનું અને તે પછી લોકમાન્ય તિલક (1959), મહાત્મા જ્યોતિબા ફુલે (1964), મહાત્મા ગાંધી (1973) તથા છત્રપતિ શાહુ મહારાજ (1976)નાં જીવનચરિત્રો લખ્યાં. સાવરકરનું ચરિત્ર બાદ કરતાં બાકીના અંગ્રેજી ગ્રંથોનું તેમણે મરાઠી ભાષાંતર પણ કર્યું છે.
1943-44ના અરસામાં તેમણે કાલિકટ તથા બેઝવાડ ખાતેનાં અંગ્રેજી વૃત્તપત્રોમાં તથા ‘ફ્રી હિન્દુસ્થાન’ સાપ્તાહિકમાં લેખનકાર્ય કર્યું હતું, જેમાં પંડિત નેહરુ, સરદાર પટેલ જેવા અગ્રણી ભારતીય નેતાઓનાં શબ્દચિત્રોનું આલેખન કર્યું હતું.
વીર સાવરકરની સમાજસુધારણા ઝુંબેશ સાથે તે સક્રિય રીતે જોડાયેલા હતા.
જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેમણે ‘ગુરુવર્ય કૃષ્ણાજી અર્જુન કેળુસકર’નું આત્મચરિત્ર (સંપાદિત) અને ચરિત્ર (1977), ‘લોકહિતકર્તે બાબાસાહેબ નવલે’ (1978), ‘તીન મહાન સારસ્વત’ (1979- જેમાં ભાઉદાજી લાડ, ન્યાયમૂર્તિ તેલંગ અને ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરનાં જીવનચરિત્રો સમાવી લેવામાં આવ્યાં છે) પ્રગટ કર્યાં હતાં.
1980માં તેમને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા તરફથી પીએચ.ડી. (1980)ની માનાર્હ પદવી એનાયત કરવામાં આવી હતી. ભારત સરકારે તેમને પદ્મભૂષણ (1971)નો ખિતાબ એનાયત કરેલો છે. મહારાષ્ટ્ર સરકારના તથા આચાર્ય અત્રે સ્મારક પુરસ્કારો પણ તેમને મળેલા છે. તેમના ગ્રંથોને ભારતીય અને ખાસ કરીને મરાઠી સાહિત્યમાં આગવું સ્થાન પ્રાપ્ત થયું છે.
ઉષા ટાકળકર
લલિતા મિરજકર