કીટન, બસ્ટર (જ. 4 ઑક્ટોબર 1895, Piqua કાન્સાસ, યુ. એસ.; અ. 1 ફેબ્રુઆરી 1966, લોસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : અમેરિકન હાસ્યનટ. મૂળ નામ જોસેફ ફ્રાન્સિસ કીટન. મૂક અમેરિકન ફિલ્મોના યુગના આ વિદૂષક અથાગ પરિશ્રમના પરિણામે વિશ્વભરમાં ઉચ્ચ કોટિના હાસ્યનટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા છે. તેમના ભાવવિહીન ચહેરાના કારણે શરૂઆતમાં ફિલ્મોમાં કામ મળ્યું નહિ. ફિલ્મોમાં તક મળતાં જ તેમના મુખ અને તેમની આંખોનાં હલનચલને પ્રેક્ષકોને મુગ્ધ કરી દીધાં. બોલતા ચિત્રપટનો પ્રવેશ થયો ત્યારે તેમની કારકિર્દી ઉપર તેની વિપરીત અસર થઈ. મદિરાપાનની નબળાઈના કારણે પણ તેમને સહન કરવું પડ્યું હતું. તેમની સેવાઓ માટે 1959માં તેમને ખાસ ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બસ્ટર કીટન

1917થી 1966 સુધીની અભિનય-કારકિર્દી દરમિયાન તેમણે સત્તર લઘુચિત્રોમાં અને છવ્વીસ કથાચિત્રોમાં અભિનય આપ્યો; આ લઘુચિત્રો પૈકી ‘ધ ગૅરેજ’ (1910), ‘ધ સ્કૅરક્રો’ (1920), ‘ધ લવ નેસ્ટ’ (1923) અને ‘ધ સ્ક્રાઇબ’ (1966) તેમજ કથાચિત્રો પૈકી ‘લાઇમલાઇટ’ (1952), ‘ધી અવેકનિંગ’ (1952), ‘એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ’ (1956), ‘ધી ઍડવેન્ચર્સ ઑવ્ હકલબરી ફિન’ (1060), ‘ઇટ્સ અ મૅડ મૅડ મૅડ મૅડ વર્લ્ડ’ (1963) તથા ‘પજામા પાર્ટી’ (1965) ઉલ્લેખનીય છે.

પીયૂષ વ્યાસ