કિસ પેહ ખોલો ગાંઠડી

January, 2008

કિસ પેહ ખોલો ગાંઠડી (1985) : પંજાબી સાહિત્યકાર કરતારસિંહ દુગ્ગલની આત્મકથા. પંજાબી ભાષાના ચરિત્રાત્મક સાહિત્યમાં શૈલીની દૃષ્ટિએ તે નવી જ ભાત પાડે છે. તેમાં અનિવાર્ય રીતે લેખક, તેમનાં સુખદુ:ખ, તેમની સિદ્ધિઓ, તેમની યાતનાઓ – ટૂંકમાં વ્યક્તિ અને કલાકાર તરીકે તેમના ઘડતરમાં જે જે પરિબળો, ઘટનાઓ, અનુભવો વગેરેએ ભાગ ભજવ્યો છે તે બધાંનું બયાન છે. આમ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિના સ્રોતો તેમાં વાચકો સમક્ષ પ્રગટ થાય છે. લેખક આસપાસ પ્રવર્તતા ને ઊપસતા રહેલ વાસ્તવજગતનો ચિતાર આપે છે અને એ રીતે આ કૃતિ આત્મકથા ઉપરાંત સમકાલીન જીવનના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું સ્વરૂપ ધારણ કરે છે. વિવિધ હોદ્દા પર રહેલા હોવાથી પટાવાળાથી પ્રમુખ સુધીના વિવિધ સ્તરના માણસો અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના વિવિધ પ્રદેશો પર્યન્ત તેમનું અનુભવવિશ્વ વિસ્તરેલું છે. આ બધાંમાંથી રાષ્ટ્રવાદી, લોકશાહીને વરેલા, ધર્મનિરપેક્ષ અને માનવતાપૂર્ણ ધબકારવાળું વ્યક્તિત્વ ઊપસે છે. તે મૂળ પંજાબીમાં ત્રણ દૈનિકોમાં શ્રેણીબદ્ધ પ્રગટ થયેલી. હિંદી તથા ઉર્દૂમાં અનૂદિત થયેલી છે.

ગુરુબક્ષસિંહ