કિશોરકુમાર

January, 2008

કિશોરકુમાર (જ. 4 ઑગસ્ટ 1929, ખંડવા; અ. 13 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતીય ચલચિત્રના વિખ્યાત ગાયક. પ્રાથમિક શિક્ષણ ખંડવા (હાલ મધ્યપ્રદેશ) ખાતે. મહાવિદ્યાલયના શિક્ષણનાં પ્રથમ બે વર્ષ ઇન્દોર ક્રિશ્ચિયન કૉલેજમાં. પણ શિક્ષણ કરતાં ચલચિત્રક્ષેત્ર પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી 1949માં મુંબઈમાં પાર્શ્વગાયક તથા ચલચિત્રઅભિનેતા બનવાની ખ્વાહિશ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં તેમના મોટાભાઈ અશોકકુમાર ગાંગુલી દ્વારા સક્રિય પ્રોત્સાહન મળ્યું ખરું, પરંતુ તેમનામાં ગાયકના ઉમદા ગુણો, મધુર કંઠ તથા રજૂઆત કરવાની સહજ શૈલીને કારણે તેઓએ પાર્શ્વગાયક તરીકે ઝડપથી નામના મેળવી. ભારતીય ચલચિત્રજગતના ખ્યાતનામ સંગીતકારોના સંગીતદિગ્દર્શન હેઠળ તેમણે ચારસો ઉપરાંત ચલચિત્રોનાં ગીતોને પાર્શ્વગાયક તરીકે કંઠ પૂરો પાડ્યો છે તથા પ્રથમ પંક્તિની પાર્શ્વગાયિકાઓ સાથે લોકપ્રિય યુગલગીતો રજૂ કર્યાં છે. ‘આરાધના’, ‘આપકી કસમ’, ‘મહેબૂબા’, ‘અમર પ્રેમ’, ‘અંદાઝ’, ‘અભિમાન’, ‘કોરા કાગઝ’ જેવાં અનેક ચલચિત્રો માટે તેમણે ગાયેલાં ગીતો યાદગાર બન્યાં છે. શાસ્ત્રીય રાગો પર આધારિત ફિલ્મી ગીતો રજૂ કરવાનો તેમનો કસબ અસાધારણ હતો.

કેટલાંક ચલચિત્રોમાં તેમણે અભિનય પણ કર્યો છે. જેમાં ‘પડોસન’, ‘ચલતી કા નામ ગાડી’, ‘બઢતી કા નામ દાઢી’ અને ‘દૂર ગગન કી છાંવ મેં’ વિશેષ નોંધપાત્ર છે. ‘ચલતી કા નામ ગાડી’ ચલચિત્રમાં ત્રણે કલાકારભાઈઓ અશોકકુમાર, અનુપકુમાર અને કિશોરકુમારે સાથે અભિનય કર્યો છે. આ ચલચિત્ર ખૂબ લોકપ્રિય બન્યું હતું. ‘બઢતી કા નામ દાઢી’ તથા ‘દૂર ગગન કી છાંવ મેં’ના તેઓ નિર્માતા પણ હતા.

કિશોરકુમાર

આમાંના બીજા ચલચિત્રમાં કથા, પટકથા, સંવાદ, ગીતો, દિગ્દર્શન, પાર્શ્વગાયન તથા અભિનય વગેરે તમામ અંગો તેમણે એકલા હાથે સંભાળ્યાં હતાં. આ ચલચિત્રને 1960-61ના વર્ષનો સર્વોત્તમ હિંદી ચલચિત્રનો રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો હતો. 1972નો સર્વોત્તમ ગાયક તરીકેનો ફિલ્મ ફેઅર ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયો હતો. ચલચિત્રજગતના ઉત્કૃષ્ટ ગાયક તરીકે લતા મંગેશકરે તેમને નવાજ્યા છે. કટોકટી દરમિયાન (1975-’77) સરકાર હસ્તકના સમૂહ માધ્યમો દ્વારા તેમનાં ગીતોનાં પ્રસારણ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

તેમનાં બીજી વારનાં પત્ની વિખ્યાત ચલચિત્રઅભિનેત્રી મધુબાલાના અવસાનનું દુ:ખ જિંદગીભર રહ્યું હતું, જોકે તે પછી તેમણે બે વાર લગ્ન કર્યાં હતાં.

તેમના બે પુત્રો-અમિત અને સુમિત-માંથી અમિત હાલ પાર્શ્વગાયક તરીકે ચલચિત્રજગતમાં કાર્યરત છે. ખંડવા  ખાતે તેમનું સ્મારક ઊભું કરવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે