કિસ્સાકાવ્ય

January, 2008

કિસ્સાકાવ્ય : વિશિષ્ટ પંજાબી કાવ્યપ્રકાર. પંજાબી લોકકથાઓને, વિશેષત: કરુણાન્ત પ્રેમકથાઓને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરતો આ કાવ્યપ્રકાર છે. એ કથાઓમાં મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર, કરુણ તથા શાન્તરસ હોય છે અને ક્યારેક ભયાનક રસનું પણ નિરૂપણ થયેલું હોય છે. એમાં વિશેષ કરીને એક છંદ પ્રયોજાતો હોય છે. તેનું મૂળ પવિત્ર કુરાનમાં ઉત્તમ કિસ્સા તરીકે જોવા મળતી જૂઈસ પેગંબર યુસુફ અને ઇજિપ્તની સુંદરી જૂલેખાની પ્રેમકથામાં રહેલું જોવા મળે છે. આ પ્રકારનાં કાવ્યો હિન્દુ, મુસ્લિમ તથા શીખ કવિઓએ રચ્યાં છે. હિન્દુ કવિઓએ રચેલાં કિસ્સાકાવ્યોમાં છંદવૈવિધ્ય સારા પ્રમાણમાં હોય છે. કાવ્ય કથનાત્મક હોવા છતાં એમાં વિવિધ પ્રકારનાં વર્ણનો પણ હોય છે. સંવાદો ચોટદાર હોય છે. તેમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના નિ:સ્વાર્થ અને નિખાલસ પ્રેમને દૈવી પ્રેમ તરીકે ચિત્રાંકિત કરાયો છે.

પ્રસિદ્ધ અને લોકપ્રિય કિસ્સાકાવ્યોમાં હીર-રાંઝાં, સુહિણી-મહેવાલ તથા સસ્સિ-પુન્નુની કથા આવે છે. આ કાવ્યપ્રકારની સૌથી પ્રથમ રચના ‘હીર-દામોદર’ છે, જે હીર-રાંઝાંની લોકકથા પર આધારિત છે.

મધ્યકાળમાં શરૂ થયેલો આ કાવ્યપ્રકાર પંજાબમાં આજે પણ પ્રચલિત છે.

ચન્દ્રકાન્ત મહેતા