કિસ્સા કુર્સી કા

January, 2008

કિસ્સા કુર્સી કા (1975-76) : આઝાદી પછીના ભારતના લોકશાસનતંત્ર પર તીક્ષ્ણ કટાક્ષ કરતી તથા દેશમાં લદાયેલ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજકીય કારણોસર ભોગ બનેલી આંશિક રીતે રમૂજી રૂપક જેવી હિંદી સિનેકૃતિ.

નિર્માતા : અમૃતલાલ નહાટા; પુનર્નિર્માણ : 1977; દિગ્દર્શક : શિવેન્દ્ર સિંહા, ભાગવત દેશપાંડે; સિનેછાયા : કે. કે. મહાજન; અભિનય : શબાના આઝમી તથા નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા, દિલ્હીનું તાલીમ પામેલું અભિનયવૃન્દ; રજૂઆત : 1977-78.

રાજકીય કથાતત્વ ધરાવતી સિનેકૃતિઓનું પ્રમાણ ભારતમાં ઘણું અલ્પ છે. મુંબઈ ચલચિત્ર ઉદ્યોગે આપેલ હિંદી સિને સર્જનમાં રાજકીય કથાતત્ત્વને સાંકળીને સર્જાયેલ સિનેકૃતિઓમાં ‘કિસ્સા કુર્સી કા’ એક કરતાં વધુ કારણોસર મહત્વની ફિલ્મ બની રહે છે.

જનગણ દેશ, બહેરી-મૂંગી સ્ત્રી જનતા, રાષ્ટ્રપતિ ગંગારામ તથા અન્ય કેટલાંક પ્રતીકાત્મક પાત્રો અને પ્રતીકાત્મક પરિસ્થિતિ વડે મર્યાદિત વ્યક્તિઓના જૂથ દ્વારા ભારતના લોકશાસનતંત્રની ભ્રષ્ટ, બિનકાર્યક્ષમ તથા પક્ષીય રાજકારણની સત્તાલાલસાથી ચલાવાતી શાસનવ્યવસ્થા પર અહીં કટાક્ષ કરવામાં આવ્યો છે.

ઉષાકાન્ત મહેતા