કિસુમુ : કેન્યાનું જાણીતું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 06′ દ. અ. અને 34o 35′ પૂ. રે.. આ શહેર વિક્ટોરિયા સરોવરના ઈશાન કિનારા પર આવેલું બંદર છે. કેન્યાના ન્યાન્ઝા પ્રાંતની તે રાજધાની છે. કિસુમુ રેલવેમાર્ગે નૈરોબી, મોમ્બાસા, જિન્જા, કમ્પાલા અને ઍન્ટેબી સાથે જોડાયેલું છે. વ્યાપારવાણિજ્ય તેમજ વાહનવ્યવહારની ર્દષ્ટિએ તે અગત્યનું છે. કેન્યાના પાટનગર નૈરોબી અને એકમાત્ર બંદર મોમ્બાસા પછી આ ત્રીજું સૌથી મોટું શહેર છે. અહીં પીણાં બનાવવાનાં તથા ખેતી આધારિત ઉદ્યોગો ઉપરાંત ગોળની રસી(molasses)માંથી ઊર્જા આલ્કોહૉલમાં રૂપાંતર કરતો વિશાળ સંકુલ આવેલો છે. સરોવરકાંઠે આવેલું હોવાથી તે સહેલાણીઓનું પ્રિય મથક છે. શહેરની વસ્તી : 6,10,082 (2019).

મહેશ મ. ત્રિવેદી