કિશોર કલ્પનાકાંત

January, 2008

કિશોર કલ્પનાકાંત (જ. 4 ઑગસ્ટ 1930, રતનગઢ, રાજસ્થાન; અ. 2 જૂન 2001, બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, પત્રકાર તથા અનુવાદક. તેમના કાવ્યસંગ્રહ ‘કૂખ પડ્યે રી પીર’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો.

કિશોર કલ્પનાકાંત

તેમના પિતા સંગીત, ચિત્રકલા જેવી લલિતકલાઓમાં પારંગત હતા. એ કાવ્યના સંસ્કાર તેમને તથા શૈશવથી જ સાંપડ્યા હતા. સુમધુર કંઠ હોવાથી પોતાનાં કાવ્યો રંગમંચ પર જાતે જ ગાઈ સંભળાવી પ્રેક્ષકોને તેઓ મંત્રમુગ્ધ કરે છે. તેમણે 100 ઉપરાંત કાવ્યો અને ડઝનબંધ ટૂંકી વાર્તાઓ લખ્યાં હોવા છતાં પોતાની કૃતિઓ પ્રગટ કરતાં ખચકાય છે.

રાજસ્થાની ભાષામાં તેઓ પત્રકારત્વનો પ્રારંભ કરનાર અગ્રેસર લેખાય છે; સાપ્તાહિક ‘નિયામી’, પાક્ષિક ‘ઓલામો’ તથા માસિક ‘સાગર’નું સંપાદન કરતા.

અત્યાર સુધીમાં તેમનાં 18 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં ‘હેલો’, ‘માનષો હેલા મારે’ જેવા કાવ્યસંગ્રહો તથા ‘ઈશાવાસ્યોપનિષદ’ અને ‘કુમારસંભવ’ના અનુવાદનો સમાવેશ થાય છે. કાલિદાસના ‘ઋતુસંહાર’ના ભાષાંતર દ્વારા તેમને વ્યાપક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા સાંપડ્યાં. તેલુગુ લેખક સત્યનારાયણની ટૂંકી વાર્તાઓનો અનુવાદ તે ‘વિશ્વનાથ, સત્યનારાયન રે બાતે’. તેમણે ટાગોરની કૃતિઓના અનુવાદ પણ કર્યા છે.

તેમને મળેલાં અનેક સન્માનમાં શેઠ મંગળદાસ ઝબક રાજસ્થાની પુરસ્કાર, શેખવાટી અકાદમી પુરસ્કાર, સૂર્યમલ્લ મિશ્ર શિખર પુરસ્કાર તથા સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર ઉલ્લેખપાત્ર છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કૂખ પડ્યે રી પીર’માં 28 કાવ્યોનો સંચય છે; તેમાંથી તેમના કાવ્યવિષયોના વ્યાપનો નિર્દેશ મળી રહે છે. તીવ્ર સંઘર્ષ તથા આક્રોશની સબળ અભિવ્યક્તિ, વિશિષ્ટ ભૂમિજાત ફોરમ તથા ગુંજનશીલ કાવ્યાભિવ્યક્તિને કારણે આ કાવ્યસંગ્રહ રાજસ્થાની કવિતામાં અનન્ય યોગદાન લેખાય છે.

મહેશ ચોકસી