કિલહોર્ન ફ્રીન્ઝ (જ. 31 મે 1840, જર્મની; અ. 19 માર્ચ 1908, ગોટિંજન, જર્મની) : પ્રાચ્યવિદ્યાના જર્મન પંડિત. તેમણે ગુરુ સ્ટેન્ઝલર પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ શાન્તવનનાં ફિટ્સૂત્રોનું સંપાદન કર્યું. પંદર વર્ષ સુધી પુણેમાં રહીને પાણિનીય પરંપરાના ‘મહાભાષ્ય’ તથા ‘પરિભાષેન્દુશેખર’નું સઘન અધ્યયન કર્યું અને તેના પરિણામસ્વરૂપ પાતંજલ મહાભાષ્યનું અપ્રતિમ સંપાદનકાર્ય અને પરિભાષેન્દુશેખરનો અંગ્રેજી અનુવાદ તેમણે આપ્યાં. પ્રાચીન ઉત્કીર્ણ લેખો અંગેનું અને વૈયાકરણો અંગેનું તેમનું સંશોધન અગત્યનું છે. તેમના વ્યાકરણવિષયક સંશોધને પશ્ચિમના વિદ્વાનોને સ્પષ્ટ પ્રતીતિ કરાવી આપી કે સંસ્કૃત વ્યાકરણ શુદ્ધ અને ચોકસાઈભર્યું છે.

જયદેવ જાની