કિલાચંદ દેવચંદ (જ. 1855, પાટણ, ગુજરાત; અ. 1929) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા દાનવીર. માત્ર પંદર વર્ષની ઉંમરે (1870) મુંબઈ આવ્યા અને આ નગરને તેમણે લાંબા સમય સુધી પોતાની કર્મભૂમિ બનાવ્યું. શરૂઆતમાં તેમણે કેટલીક વ્યાપારી પેઢીઓમાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. તેમની કુશાગ્ર બુદ્ધિ, વ્યાપારની સૂઝ અને કુનેહ તથા સચોટ કાર્યપ્રણાલીને લીધે થોડા જ સમયમાં તે કેટલીક વ્યાપારી પેઢીઓના ભાગીદાર બન્યા અને છેવટે પોતાની માલિકીના ઔદ્યોગિક એકમો ઊભા કર્યા. રૂનો જથ્થાબંધ વ્યાપાર, રૂની નિકાસ, સૂતરનું વેચાણ, આગ તથા દરિયાઈ વીમો, સોના-ચાંદીનું ખરીદ-વેચાણ, ખાંડની આયાત તથા તેલીબિયાં અને ખોળની નિકાસ તેમની વ્યાપારી પ્રવૃત્તિઓનાં મુખ્ય ક્ષેત્રો હતાં. 1920માં તેમણે મુંબઈની એક કાપડ-મિલ ખરીદીને તેનું સફળ સંચાલન કર્યું. સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપની લિ., બૅંક ઑવ્ બરોડા લિ. તથા અન્ય ઘણાં નાનાંમોટાં ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોના તે પ્રયોજક હતા. દેશના જુદા જુદા પ્રદેશોમાં તેમણે ઘણી જિનિંગ તથા પ્રેસિંગ ફૅક્ટરીઓની સ્થાપના કરી હતી.

કુદરતી આપત્તિના સમયે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા પીડિતોને સહાય કરેલી છે. કૂવા ખોદાવવા, ગરીબોને અન્નદાન, આર્થિક સહાય વગેરે રાહતકાર્યોમાં તેમણે સક્રિય યોગદાન આપેલું છે. તેમના ઉદાર દાનથી અનેક નગરોમાં શાળા, દવાખાનાં, ઢોરવાડા, પાંજરાપોળ, બહેરાં-મૂગાંની શાળા વગેરે સ્થાપવામાં આવ્યાં હતાં.

વ્યાપાર-ઉદ્યોગ-ક્ષેત્રે તેમણે કરેલા ઉમદા કાર્યની કદરરૂપે બ્રિટિશ સરકાર કિલાચંદ દેવચંદને ‘રાવબહાદુર’ની પદવી એનાયત કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે