કિર્લોસ્કર બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ)

January, 2008

કિર્લોસ્કર, બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ) (જ. 31 માર્ચ 1843, મુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 2 નવેમ્બર 1888) : મરાઠીના પ્રથમ શ્રેષ્ઠ સંગીત-નાટકકાર અને સંગીત-રંગભૂમિના શિલ્પી, ઉત્કૃષ્ટ રંગમંચઅભિનેતા, સંગીતજ્ઞ અને કવિ. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું કિર્લોસી ગામ. તેથી અટક કિર્લોસ્કર. બાર વર્ષ સુધી કાનડી અને મરાઠી બંને ભાષાનું અધ્યયન ઘરમાં જ કર્યું. ઉચ્ચ શિક્ષણ ધારવાડ, કોલ્હાપુર અને પુણેમાં લીધું. પુણેમાં વિદ્યાર્થી કારકિર્દી દરમિયાન નાટકનો શોખ જાગ્યો. તે વિવિધ નાટકમંડળીઓને ગીતો રચી આપતા. થોડાક સમય પછી પોતાની કિર્લોસ્કર નાટક મંડળીની સ્થાપના કરી. પણ તેને સફળતા મળી નહિ. એટલે પોતાને ગામ પાછા આવી વકીલાત શરૂ કરી. તેમાં પણ સફળતા મળી નહિ, તેથી સરકારી નોકરીમાં ‘અલ્લાઉદ્દિનાચી ચિતુડગડાવરીલ સ્વારી’ એ નાટક લખવાનું શરૂ કર્યું. પણ તે પૂરું કરી શક્યા નહિ. શિક્ષકની નોકરી કરતાં કરતાં ‘શંકરદિગ્જય’ નાટક લખ્યું (1873).

પુણેમાં પશ્ચિમની ઑપેરા શૈલીમાં ભજવાયેલું એક પારસી નાટક તેમણે જોયું અને તેમાંથી પ્રેરણા મેળવી ‘અભિજ્ઞાનશાકુંતલમ્’નો મરાઠી અનુવાદ કરી, તેમાં પોતાની ગીતરચનાઓ ઉમેરીને તે ભજવ્યું. તેમાં મળેલી સફળતાથી પ્રોત્સાહિત થઈ, તેમણે કિર્લોસ્કર નાટક મંડળી પુનરુજ્જીવિત કરી (1880). 1882માં તેમણે ‘સંગીત સૌભદ્ર’ નાટક લખ્યું અને સફળ રીતે ભજવ્યું. પ્રેમભાવના નિરૂપણને કારણે જ નહિ પરંતુ સુગ્રથિત કથાવસ્તુ, પ્રવાહી અને સ્વાભાવિક સંવાદરચના, આકર્ષક પાત્રચિત્રણ અને પ્રાસાદિક પ્રાસયુક્ત પદરચનાને લીધે તેમનું આ નાટક અન્ય નાટકો કરતાં વધુ લોકપ્રિય બન્યું. તે પછી 1884માં એમણે ‘રામરાજ્યવિયોગ’ નાટક લખ્યું જે તેમની છેલ્લી નાટ્યકૃતિ હતી.

બળવંત પાંડુરંગ કિર્લોસ્કર (અણ્ણાસાહેબ)

નાટ્યકાર હોવા ઉપરાંત તે ઉત્તમ નટ અને દિગ્દર્શક હતા. મહારાષ્ટ્રમાં અત્યંત પ્રચલિત બનેલી સંગીત નાટકની પ્રવૃત્તિના તે જનક હતા. ગીતરચનાકાર તરીકે તેમનું વિશિષ્ટ સ્થાન છે. પાત્રનું વ્યક્તિત્વ તેમજ પ્રસંગ અને રસને અનુરૂપ ગીતરચના કરવામાં તે કુશળ હતા. સંગીત-નાટકોમાં સંગીતનો ઉપયોગ તે અભિનય તથા રસનિષ્પત્તિના એક અંગ તરીકે કરતા. શાસ્ત્રીય સંગીતના તે સારા જાણકાર હતા. નાટકમંડળીઓ માટે તથા કીર્તનકારો માટે તેમણે અનેક આખ્યાનોની રચના કરી છે. નાટકોમાં શાસ્ત્રીય સંગીત પર આધારિત રચનાઓને પ્રાધાન્ય આપીને તેમણે રસિકવર્ગને સુરુચિપોષક મનોરંજન પૂરું પાડ્યું છે.

બેલગામમાં તેમણે સ્થાપેલી ‘ભરતનાટ્યોત્તેજક મંડળી’એ તેમનાં નાટકો સફળ રીતે ભજવ્યાં હતાં. ‘સાંગલીકર નાટક મંડળી’ માટે તેમણે લખેલા ‘શ્રીકૃષ્ણ પારિજાતક’ નાટકનું દરેક પાત્ર શાસ્ત્રીય સંગીતની શૈલીમાં ગીતો ગાતું. ‘દક્ષિણા પ્રાઇઝ કમિટી’એ જાહેર કરેલી સ્પર્ધા માટે તેમણે શિવાજી મહારાજ પર 500 આર્યા ધરાવતું ખંડકાવ્ય પણ રચ્યું હતું.

નાટ્યલેખન, નાટ્યપ્રયોગ, નાટકોમાં વણી લીધેલું સુરુચિપૂર્ણ સંગીત, રંગભૂમિની ગર્ભિત શક્તિનું આકલન, પ્રેક્ષકોની કદરદાની વગેરે અનેક ઘટકોમાંથી અણ્ણાસાહેબ કિર્લોસ્કરનાં નાટકો રચાયાં હોવાથી તે મરાઠી સંગીત રંગભૂમિના આદ્યશિલ્પી ગણાયા છે.

1943માં મહારાષ્ટ્રમાં તેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઊજવવામાં આવી હતી. પુણે ખાતે બાંધવામાં આવેલું ‘કિર્લોસ્કર નાટકગૃહ’ તેમના ચાહકોએ તેમને અર્પેલી કાયમી અંજલિ છે.

યશવંત કેળકર

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે