કિર્કહૉફના નિયમો (Kirchhoff’s laws) : જટિલ રીતે જોડાયેલ વૈદ્યુત પરિપથ-‘નેટવર્ક’-નું પૃથક્કરણ કરવા માટે વપરાતા વ્યાવહારિક નિયમો પૈકીના બે નિયમો. વ્યવહારમાં, જુદા જુદા હેતુ માટે વપરાતા પરિપથમાં અવરોધ, કૅપેસિટર, ઇન્ડક્ટર વગેરે એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલાં હોય છે. તેમને માત્ર શ્રેણીનું કે સમાંતર જોડાણ ગણી શકાય નહિ અને આવા પરિપથના વિશ્લેષણ માટે ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી.
કિર્કહૉફના પ્રથમ નિયમ અનુસાર, વાહકના કોઈ એક આડછેદમાંથી જેટલો વિદ્યુતભાર, જેટલા સમયમાં દાખલ થાય છે, તેટલો જ વિદ્યુતભાર તેની પછીના આડછેદમાંથી બહાર આવે છે. આમ વાહકમાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર એકઠો થતો નથી કે નાશ પામતો નથી, પણ તેનું સંરક્ષણ થાય છે. વાહકમાં વિદ્યુતપ્રવાહનું નિર્માણ વિદ્યુતભારની ગતિને કારણે થતું હોય છે. આમ વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા કે વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુતપ્રવાહ કહે છે. કિર્કહૉફનો પ્રથમ નિયમ આ પ્રમાણે છે : ‘‘જંક્શન પાસે મળતા વિદ્યુતપ્રવાહોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે.’’ બૈજિક સરવાળો લેવા માટે, સામાન્યત: જંક્શન તરફ જતા પ્રવાહને ધન અને જંક્શનથી દૂર જતા પ્રવાહને ઋણ ગણવામાં આવે છે. આના કરતાં વિરુદ્ધ સંજ્ઞાઓ પણ લઈ શકાય.
કિર્કહૉફના બીજા નિયમમાં કોઈ બંધ પરિપથ-ગાળામાં, અમુક દિશામાં મુસાફરી કરી, એક ચક્ર (cycle) પૂરું કરીને પાછા મૂળ સ્થાને આવતાં, વિદ્યુત વિભવાંતર(potential difference) (એટલે અવરોધ અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુતપ્રવાહનો ગુણાકાર)નું મૂલ્ય બદલાતું નથી અને તેની ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આમ કિર્કહૉફનો બીજો નિયમ કે જે ઊર્જા-સંરક્ષણ દર્શાવે છે તે આ પ્રમાણે છે : ‘‘કોઈ બંધ પરિપથમાંના અવરોધ અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુતપ્રવાહના ગુણાકારોનો, સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો, તે બંધ માર્ગમાં લગાડવામાં આવેલ વિદ્યુત-ચાલક-બળો (electro-motive-forces-e.m.fs)ના બૈજિક સરવાળા જેટલો હોય છે.’’
બીજા નિયમનો ઉપયોગ કરવા માટે, સામાન્યત: સંજ્ઞાઓ આ પ્રમાણે લેવામાં આવે છે. જો કોઈ અવરોધમાંની આપણી મુસાફરી વિદ્યુતપ્રવાહની દિશામાં [જે આપણે યાર્દચ્છિક રીતે (arbitrarily) ધારેલી હોય] હોય તો સ્થિતિમાન (potential) ઘટે અને અનુરૂપ વિદ્યુત વિભવાન્તર (potential difference) ઘટે એટલે કે અનુરૂપ IR (વિદ્યુતપ્રવાહ I અને અવરોધ Rનો ગુણાકાર)નું મૂલ્ય ઋણ લેવું અને જો મુસાફરી તેમજ પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો IRનું મૂલ્ય ધન ગણવું. તે જ પ્રમાણે બૅટરી કે વિદ્યુતકોષમાં મુસાફરીની દિશા ઋણ ધ્રુવથી ધન તરફની હોય તો બૅટરીનું વિદ્યુત-ચાલક-બળ ઋણ ગણવું અને બૅટરીમાં મુસાફરીની દિશા તેના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય તો વિદ્યુત-ચાલક-બળ ધન ગણવું.
આમ કિર્કહૉફનો પ્રથમ નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ છે; અને બીજો નિયમ ઊર્જા-સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે.
એરચ મા. બલસારા