કિરિન (જિલિન) : ચીનની ઇશાને મંચુરિયામાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44o ઉ. અ. અને 126o પૂ. રે. તેની ઉત્તરે હૈલોંગજીઆંગ પ્રાંત, દક્ષિણે ઉત્તર કોરિયા, નૈર્ઋત્યમાં લિઆઓનિંગ પશ્ચિમે ‘ઇનર મોંગોલિયા અને પૂર્વ બાજુ રશિયાનો પ્રદેશ છે. તેનો વિસ્તાર 1,86,500 ચોકિમી છે. આ પ્રદેશ વચ્ચે થઈને સૌંધુઆ નદી વહે છે જે જળમાર્ગ તરીકે ઉપયોગી છે. આ નદી આગળ જતાં સોંધુઆ સરોવરમાં ફેરવાય છે.
તેની સરહદે ઉત્તર કોરિયાથી આ પ્રદેશને અલગ પાડતી ચાંગબાઈ હારમાળા આવેલી છે. તેનું જ્વાળામુખી શિખર (પાએકનુસાન) 2,744 મી. ઊંચું છે. સમગ્ર પ્રદેશ સપાટ અને ફળદ્રૂપ છે. તેની આબોહવા ખંડસ્થ પ્રકારની છે. શિયાળામાં જાન્યુઆરીનું તાપમાન 4o-5º સે. અને જુલાઈનું તાપમાન 23o સે. રહે છે. ઉનાળામાં વરસાદ 635થી 760 મિમી. પડે છે.
કીમતી લાકડું આપતાં વૉલનટ, એશ, સ્પ્રુસ, ઓક, પાઇન અને ફરનાં વૃક્ષો છે. લાકડાની નિકાસ થાય છે. સોયાબીન, જુવાર, બાજરી, મકાઈ, ડાંગર અને ઘઉંની મુખ્ય પેદાશ છે. ખનિજોમાં લોખંડ, કોલસો, તાંબું, સોનું અને સીસું છે. સોંધુઆ નદી ઉપર બંધ બાંધીને જળવિદ્યુત ઉત્પન્ન કરાઈ છે.
ચૂનચાંગ મુખ્ય શહેર છે. અહીં મોટરટ્રક, રેલવેના ડબા, ટ્રૅક્ટર, રબરનાં ટાયરો, દવા, સિમેન્ટ, ખાંડ વગેરેનાં કારખાનાં છે. સોંધુઆમાં લોખંડ અને પોલાદનું કારખાનું છે. અહીં ઇજનેરી, ખાદ્યપ્રકમણ અને રસાયણ જેવા ઉદ્યોગો પણ છે.
ચૂનચાંગ રેલવે દ્વારા હાર્બિન, લુડી અને શેન્યાંગ સાથે જોડાયેલું છે. બીજી રેલવેલાઇનો જિલિન અને યાંજીને જોડે છે.
મોટાભાગની વસ્તી ચીનાઓની છે. તે ઉપરાંત થોડા કોરિયનો અને મોંગોલો છે.
કિરિન કે જિલિન શહેર ઇમારતી લાકડાનું પીઠું છે. અહીં હોડીઓ બાંધવાનો જહાજવાડો છે. ખાતર, રંગ, રસાયણો, સિન્થેટિક રબર, કૃત્રિમ રેસા વગેરેનાં કારખાનાં ઉપરાંત ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી પણ છે. વસ્તી 2,34,00,000 (2022).
શિવપ્રસાદ રાજગોર