કિમ્બરલીની ખાણ : દક્ષિણ આફ્રિકાના નૉર્ધર્ન કૅપ પ્રૉવિન્સમાં આવેલી ખાણ. ભૌગોલિક સ્થાન : 28o 43′ દ. અ. અને 24o 46′ પૂ. રે.. કિમ્બર્લીની ખુલ્લી ખાણ ‘બીગ હોલ’ તરીકે ઓળખાય છે. તેનો ઘેરાવો 1.6 કિમી. છે. મનુષ્યે ખોદેલી આ સૌથી ઊંડી અને મોટી ખાણ છે. સમુદ્ર-સપાટીથી આ ખીણની ઊંડાઈ 1223 મીટર જેટલી છે. આ ખાણમાંથી ત્રણ ટન હીરા મળ્યા હતા. આ ખાણ 1915થી ચાલુ સ્થિતિમાં નથી. આ સિવાય બીજી ચાર ખાણોમાંથી હીરા ખોદી કાઢવામાં આવે છે. સેસિલ રહૉડે 1888 પછી આ ખાણો માટે રચેલું ટ્રસ્ટ તેનું સંચાલન કરે છે. ‘દ બિયર્સ કોન્સોલિડેટેડ માઇન્સ લિમિટેડ’, કોલેસબર્ગ અને કોપીમાં આવેલી ખાણો સંભાળે છે. હીરા ખોદી કાઢવા અને તેને ઘસીને પાસાં પાડવાં એ કિમ્બર્લી શહેરનો મુખ્ય ઉદ્યોગ છે.
શિવપ્રસાદ રાજગોર