કિયાન્ગ્સી (ઝિયાન્કસી)

January, 2008

કિયાન્ગ્સી (ઝિયાન્કસી) : અગ્નિ ચીનનો ભૂમિબદ્ધ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 28o 00′ ઉ. અ. અને 116o 00′ પૂ. રે.. તેની ઉત્તરે હુબેહ અને અન્હુઈ, પૂર્વમાં ફુજિયાન અને ઝેચિયાંગ, દક્ષિણે ગુઆંગ્ડોંગ તથા પશ્ચિમે હુનાન પ્રાંતો આવેલા છે. તેનો કુલ વિસ્તાર 1,64,800 ચોકિમી. જેટલો છે.

ભૂપૃષ્ઠજળપરિવાહઆબોહવા : આ પ્રાંતનું ભૂપૃષ્ઠ પહાડી છે. યાંગત્સે અને કાન નદીઓએ તેની ભૂમિને ફળદ્રૂપ બનાવી છે. કાન નદી ચીનના મોટામાં મોટા સરોવર પોયાન્ગ હુને મળે છે. તેનું તાપમાન મધ્યમસરનું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1420 મિમી.

કૃષિ : ચીની પ્રજાસત્તાકમાં કૃષિક્ષેત્રે સમૃદ્ધ ગણાતા પ્રાંત તરીકે તેની ગણના થાય છે. અહીં વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેવાય છે. આ ઉપરાંત અહીં શેરડી, મગફળી, ચા, કપાસ, તમાકુ તથા શક્કરિયાંના પાક પણ લેવાય છે. ફળોની વાડીઓ પણ વિકસેલી છે. ખેતીના વિકાસ માટે યાંત્રિકીકરણ, જમીનસુધારણા તથા સિંચાઈની સગવડો ઊભી કરાઈ છે.

જંગલો : પ્રાંતના 10 % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. તેમાંથી મળતું ઇમારતી લાકડું દેશમાં મોકલાય છે.

ખનિજસંપત્તિ : આ પ્રાંતમાં ચિનાઈ માટી, કોલસો, ટંગસ્ટન, તાંબું અને યુરેનિયમનાં ખનિજો મળે છે. જળવિદ્યુતશક્તિના ઉપયોગથી પ્રાંતમાં સમૃદ્ધિ વધી છે.

ઉદ્યોગ : ટંગસ્ટન, તાંબું અને યુરેનિયમ પર આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, કાપડ, કાગળ, કૃષિ-ઓજારો, પોર્સેલેનના ઉદ્યોગો પણ કાર્યરત છે.

પરિવહન : પ્રાંતમાં ત્રણ મુખ્ય રેલમાર્ગો, પૂર્ણવિકસિત ધોરી માર્ગો તથા આંતરિક વિમાનસેવા ઉપલબ્ધ છે.

વસ્તી : પ્રાંતની કુલ વસ્તી 5,04,00,000 (2022) છે. નાનચાંગ તેનું પાટનગર તેમજ મોટું શહેર છે. અહીં મોટેભાગે હાન વંશની વસ્તી છે. મન્ડારિન તેની મુખ્ય ભાષા છે. અહીં શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત એક તબીબી કૉલેજ પણ છે. લુશાન તેનું જાણીતું ગ્રીષ્મકાલીન મથક છે, જ્યાં લોકો પ્રવાસ અર્થે આવે છે.

ઇતિહાસ : ઈ. પૂ. 770થી આ પ્રદેશ પર જુદા જુદા વંશના શાસકોએ રાજ્ય કર્યું છે, પરંતુ માન્શુ વંશના શાસનકાળ (1644-1911) દરમિયાન તેને સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત થયાં હતાં. 1926માં માર્શલ ચાંગ-કાઇ-શેકના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી જૂથે તેના પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું. 1938-45 દરમિયાન પ્રાંત પર જાપાનનો કબજો હતો. 1949માં ચીનની મુખ્ય ભૂમિ પર સામ્યવાદી પક્ષનું શાસન થતાં આ પ્રાંત ચીની પ્રજાસત્તાકનું ઘટક બન્યો છે. હાલમાં તે ઝિયાન્કસી નામથી ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે