કિન્નૌર (Kinnaur) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31o 06’થી 32o 05′ ઉ. અ. અને 77o 45’થી 79o 05′ પૂ. રે. વચ્ચેનો 6,401 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ-પહોળાઈ અનુક્રમે 80 કિમી. અને 64 કિમી. જેટલી છે. તેની ઉત્તરે લાહુલ-સ્પિટી જિલ્લો, પૂર્વ તરફ ચીન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા, દક્ષિણ તરફ ઉત્તરાંચલ રાજ્યની સીમા, નૈર્ઋત્ય તરફ સિમલા તથા વાયવ્ય તરફ કુલુ જિલ્લો આવેલા છે. રેકાંગ પીઓ તેનું જિલ્લામથક છે.

કિન્નૌર જિલ્લો

ભૂપૃષ્ઠઆબોહવાજળપરિવાહ : આ જિલ્લાની ઉત્તરે હિમાલયની હિમાચ્છાદિત હારમાળા આવેલી છે.

અહીંના નિચાર અને કલ્પાના પ્રદેશોમાં સિડાર અને કૈલ વૃક્ષો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વળી ચીલગોઝા તેમજ અન્ય ખાદ્ય ફળો પણ મળે છે.

અહીંનું ઉનાળાનું અને શિયાળાનું તાપમાન અનુક્રમે 33o સે.થી 14o સે. સુધીનું અને 15o સે.થી 0o સે. સુધીનું રહે છે. અહીં વરસાદ અને હિમવર્ષા બંને થાય છે.

સતલજ અહીંની મુખ્ય નદી છે. લી અથવા સ્પિટી, બસ્પા, ટીડિંગ, વાનગર અને દારબંગ તેની સહાયક નદીઓ છે. આ ઉપરાંત મોસમી ઝરણાં અને વહેળાઓ પણ જોવા મળે છે.

ખેતીસિંચાઈ : મકાઈ અહીંનો મુખ્ય કૃષિપાક છે. ખાદ્ય પાકો અહીં ઓછા થતા હોવાથી અનાજની આયાત કરવી પડે છે; પરંતુ કઠોળ અને શાકભાજીનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. અહીંના કિન્નૌરી વટાણા ખૂબ જાણીતા છે, તેમનાં લિંકન અને અરકેલ નામનાં બિયારણ તૈયાર કરવામાં આવે છે. અન્ય રાજ્યો આ બિયારણનો વધુ ઉપયોગ કરે છે.

આ જિલ્લો ઉત્તમ ગુણવત્તા ધરાવતાં સફરજન, અખરોટ, બદામ, ચીલગોઝા, જરદાલુ, કિસમિસ, સૂકી દ્રાક્ષ માટે પણ ખૂબ જાણીતો છે. આ જિલ્લાનું અર્થતંત્ર બાગાયત ખેતી પર આધારિત છે. બદામ માટે સ્પિલો, કિસમિસ માટે શારબો અને ચીલગોઝા માટે બોકટુ (પાંગી પાસે) ખાતેના બગીચા વધુ જાણીતા છે.

પશુપાલન : અહીંના લોકો પશુપાલન-પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ઊન, રેશમ, ઘેટાં-બકરાંનો વેપાર વિનિમય પદ્ધતિથી થતો હતો. 1960 પછી ચીનની સીમા સાથે કિન્નૌર સરહદી જિલ્લો બનતાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં એક પણ ઉદ્યોગ સ્થપાયેલો નથી, જોકે લાકડાં વહેરવાના કેટલાંક કારખાનાં આવેલાં છે. ગ્રામીણ વિસ્તારોમાં ઊની વસ્ત્રો, કાષ્ઠકલાકૃતિઓ, ચામડાંની ચીજવસ્તુઓ, સોના-ચાંદીનાં આભૂષણો વગેરે જેવા ગૃહઉદ્યોગો જોવા મળે છે. અહીંના ગૃહઉદ્યોગો સરકારી સહાય પર આધારિત છે. સ્પિલો અને નિચાર જાણીતાં કેન્દ્રો છે. છાંગ નામનો દારૂ અહીંનું લોકપ્રિય પીણું છે.

કિન્નૌર જિલ્લો પશ્ચિમ તિબેટ સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે. સ્થાનિક લોકો સૂકો મેવો, અનાજ, ઔષધો, સફરજન, ખાંડ, કાપડ વગેરેનો આંતરરાજ્ય વેપાર કરે છે.

પરિવહનપ્રવાસન : કિન્નૌર જિલ્લાના મધ્યભાગમાં થઈને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 22 પસાર થાય છે. આ માર્ગની જાળવણીનું કામ સરહદી માર્ગ આયોજન અને રાજ્યના જાહેર બાંધકામ વિભાગ બેઉને હસ્તક છે. આ માર્ગને સાંકળતા ઘણા રસ્તા આયોજનબદ્ધ હોવાથી વિવિધ તાલુકાઓ અને ગામડાં સંપર્કમાં રહે છે. આ ઉપરાંત જિલ્લામાર્ગોની લંબાઈ 800 કિમી જેટલી છે.

જિલ્લાનો કેટલોક વિસ્તાર દેશનો સૌથી વધુ સંવેદનશીલ હોવાથી આમજનતા માટે સરળતાથી પ્રવાસ કરવાનું હિતાવહ નથી. આ જિલ્લામાં આવેલું કલ્પા (ઊંચાઈ : 3066 મીટર) તેનું મહત્વનું ગિરિમથક છે. કેન્દ્ર અને રાજ્ય સહકારના સહયોગથી પાકા રસ્તાનું નિર્માણ થયું હોવાથી અહીંથી કૈલાસદર્શન કરવાનો લહાવો મળી રહે છે. કલ્પાના પીઠપ્રદેશમાં સતલજના ડાબે કાંઠે રીબા નામનું ગામ આવેલું છે, તે દ્રાક્ષ અને સૂકા મેવા માટે જાણીતું છે.

કિન્નૌર કૈલાસ

સતલજ અને સ્પિટી નદીનો સંગમ આ જિલ્લાના ખાબો ગામ પાસે થાય છે. તેને પ્રવાસી વિહારધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. હગરગ ખીણ વિસ્તાર ભારતીય-તિબેટી સંસ્કૃતિનો સંસ્કૃતિ-પરિચય કરાવતું હોવાથી તે ખૂબ જાણીતું બન્યું છે.

સતલજ સાથે તેની સહાયક નદી બાસ્પાનો કરછમ ખાતે સંગમ થતો હોવાથી તે સ્થળ બાસ્પાના ખીણપ્રદેશ તરીકે ઓળખાય છે. આ સ્થળ તેના સૃષ્ટિસૌંદર્ય માટે જાણીતું બન્યું છે. આ આખોય વિસ્તાર સિડારનાં વૃક્ષોથી ભરચક રહે છે. અહીંનાં કુદરતી ર્દશ્યોને અનેક ભારતીય ચલચિત્રોમાં કંડારવામાં આવેલાં છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 84,298 જેટલી છે. અહીં કિન્નૌરી ભાષા વધુ બોલાય છે. પૂર્વ તરફ તિબેટિયન ભાષા જ્યારે બાસ્પાના ખીણ-વિભાગમાં છીટખૂલી ભાષા વધુ બોલાય છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો વસે છે. આ જિલ્લામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવાથી બહુપતિત્વની પ્રથા પ્રચલિત છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સુવિધા ઉપલબ્ધ છે.

ઇતિહાસ : આ પ્રદેશ સીમાવર્તી હોવાથી 1 મે 1960ના રોજ એક નવા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે.

કિન્નૌર જાતિના લોકો પરથી આ જિલ્લાનું નામ ‘કિન્નૌર’ પડ્યું છે. પુરાણો અને પ્રાચીન સાહિત્યમાં સંગીતકલામાં પ્રવીણ કિન્નરો અને ગંધર્વોનો (મનુષ્ય અને દેવ વચ્ચેની જાતિ) જે ઉલ્લેખ મળે છે તે આ પ્રદેશમાં વસતા હતા, એવી એક માન્યતા પ્રવર્તે છે. આર્ય પ્રજા અહીંના મૂળ નિવાસીઓ સાથે સંપર્કમાં આવતાં અહીં મિશ્ર સંસ્કૃતિ વિકસી. આ પ્રદેશમાં પ્રાચીન સમયમાં મૌર્ય, કુશાણ અને ગુપ્ત સામ્રાજ્યોની અસર થઈ હોવાનું જોવા મળે છે.

મહેશ મ. ત્રિવેદી

નીતિન કોઠારી