કિંમત (price) : ખરીદ-વેચાણમાં વસ્તુ ખરીદનારે વેચનારને વસ્તુના એકમ દીઠ ચૂકવવાની રકમ. ઉત્પાદક યા વેચનારના કારખાના યા ગોદામમાંથી વસ્તુ રવાના કરવામાં આવે અને તે ખરીદનારના ગોદામ સુધી પહોંચે તે દરમિયાન માર્ગમાં વિવિધ પ્રકારનું વધારાનું ખર્ચ કાઢે છે; જેમ કે વેચનારના સ્થળેથી નજીકના રેલવે-સ્ટેશન સુધીનું વહન-ખર્ચ, વેચનારના રેલવે-સ્ટેશનથી ખરીદનારના રેલવે-સ્ટેશન સુધીનું નૂર, ઑક્ટ્રોય જકાત, રેલવે-સ્ટેશનથી ખરીદનારના ગોદામ સુધીનું વહનખર્ચ વગેરે. વેચનારના રેલવે-સ્ટેશનથી નિકાસબંદરના રેલવે સ્ટેશન સુધીનું નૂર, નિકાસજકાત, વસ્તુને ડૉકમાં લાવી મૂકવા માટેનું વહનખર્ચ, ડૉક ઉપર વસ્તુ સાચવી-સંગ્રહી રાખવા અંગેનાં મહેનાતાણાંનું ખર્ચ, વસ્તુને જહાજ ઉપર ચઢાવવા અંગેની હેરફેરનું ખર્ચ, જહાજનું નૂર, દરિયાઈ વીમા-પ્રીમિયમ, હૂંડી વટાવવા સંબંધી બૅન્કવ્યાજ વટાવનું ખર્ચ, આયાતબંદરે વસ્તુને જહાજ ઉપરથી ઉતરાવવાનું ખર્ચ તથા ડૉક ઉપર વસ્તુ સાચવી-સંગ્રહી રાખવા અંગેનાં મહેનતાણાંનું ખર્ચ, આયાત-જકાત, આયાતબંદરેથી નજીકના રેલવે સ્ટેશન સુધીના વહન અંગેનું ખર્ચ અને ત્યાંથી આયાતકારના રેલવે સ્ટેશન સુધીનું નૂર, ઑક્ટ્રોય જકાત, રેલવે સ્ટેશનથી આયાતકારના ગોદામ સુધીનું વહનખર્ચ વગેરે. આવાં ખર્ચ પૈકી કયાં ખર્ચ વેચનાર ચૂકવશે અને કયાં ખર્ચ ખરીદનારને શિરે રહેશે તે સ્પષ્ટ કરવા માટે વસ્તુની કિંમત દર્શાવવાની વિવિધ વૈકલ્પિક રીતો અપનાવવામાં આવે છે. તેનાં બે ઉદાહરણો નોંધીએ.

ચોખ્ખી કિંમત (net price; ex-factory price; ex-warehoue price) એટલે વેચનારના સ્થળે ચૂકવવાની કિંમત; વેચનારના કારખાના યા ગોદામથી ખરીદનારના ગોદામ સુધી વસ્તુ લઈ જવા માટેના તમામ વધારાના ખર્ચ ખરીદનારને શિરે રહે છે.

રેલવે સ્ટેશન સુધીની (free on rail – F.O.R. price) કિંમતમાં વસ્તુને મુકરર રેલવે સ્ટેશન સુધી લાવી મૂકવા સુધીનાં તમામ ખર્ચ વેચનારે ભોગવવાનાં હોય છે. રેલવેનૂર કોણે ચૂકવવાનું છે તેની સ્પષ્ટતા કરવા માટે રેલવે સ્ટેશનનું નામ સ્પષ્ટ કરવામાં આવે છે. રેલવેનૂર ખરીદનારે ભોગવવાનું હોય તો કિંમતને ‘માલ ચઢાવવાના રેલવે સ્ટેશન સુધીની કિંમત’ (F. O. R. shipment price; carriage forward price) કહે છે; રેલવેનૂર વેચનારે ભોગવવાનું હોય તો કિંમતને ‘માલ ઉતારવાના રેલવે સ્ટેશન સુધીની કિંમત’ (F. O. R. destination price; carriage paid price) કહે છે.

ધીરુભાઈ વેલવન