કિંદરખેડાનું સૂર્યમંદિર

કિંદરખેડાનું સૂર્યમંદિર : કિંદરખેડા(જિ. જૂનાગઢ)નું પૂર્વાભિમુખ સૂર્યમંદિર. તે ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, ગૂઢમંડપ અને મુખમંડપનું બનેલું છે. તેના સમચોરસ ગર્ભગૃહમાં સૂર્ય અને સૂર્યાક્ષીની મૂર્તિઓના અવશેષ નજરે પડે છે. ગૂઢમંડપ અને મુખમંડપ લંબચોરસ છે. મંડપની બંને બાજુની દીવાલોમાં જાળીની રચના છે. તેમાં પૂર્ણવિકસિત કમળની ઊભી તથા આડી ત્રણ ત્રણ હરોળ છે. ગર્ભગૃહ પર ચતુ:છાદ્ય પ્રકારનું શિખર છે, જેની ટોચે આમલકની રચના છે. ગૂઢમંડપ, પ્રદક્ષિણાપથ અને મુખમંડપના પાર્શ્વમાર્ગ પર ઢાળવાળું છાવણ કરેલું છે. મંદિર આઠમી સદીનું જણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ