કિંગડમ ડોરોથી

January, 2008

કિંગડમ, ડોરોથી (જ. 27 એપ્રિલ 1896, ઑબર્ન, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1939, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનાં સર્વપ્રથમ વિદેશી અભિનેત્રી.

1918માં ભારત ખાતે અભિનય કરવા આવ્યાં તે પૂર્વે અમેરિકામાં સિને-અભિનયનો અનુભવ ધરાવતાં હતાં. તે ડચ ઉમરાવ ખાનદાનના નબીરા અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર બારોન વાન રાવેન સાથે પરણ્યાં હતાં.

અમેરિકા ખાતે સિનેનિર્માણ-દિગ્દર્શનના વ્યવસાયનો અનુભવ મેળવી ચૂકેલ સચેતસિંહે 1917માં ભારત પાછા આવી ગુજરાતી સામયિક ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહમ્મદ અલારખિયા શિવજીની નાણાકીય ભાગીદારીની સહાય મેળવી 1918માં મુંબઈ ખાતે ઓરિએન્ટલ ફિલ્મ કંપની લિમિટેડની સ્થાપના કરી.

સચેતસિંહે પોતાની ઓરિએન્ટ ફિલ્મ કંપનીના આગામી નિર્માણ ‘શકુન્તલા’ માટે અભિનેત્રી બાબત અમેરિકા તરફ નજર દોડાવી. તેમને ડોરોથી કિંગડમ અને તેના સિનેમેટોગ્રાફર પતિનો ભેટો થયો. તેઓ સચેતસિંહના પ્રસ્તાવ સાથે કબૂલ થયાં. પતિ વાન રાવેન ‘શકુન્તલા’નું સિનેછાયાંકન કરે અને ડોરોથી શકુન્તલાના મુખ્ય પાત્રમાં અભિનય કરે તેવી રીતે કરારબદ્ધ થવાની સમજૂતીથી તેઓ ભારત આવવા તૈયાર થયાં.

સિનેનિર્માણના પ્રારંભ પૂર્વે સચેતસિંહે આશરે એક માસ સુધી ડોરોથીને ઉચ્ચ હિંદુ જ્ઞાતિના પરિવારોની મુલાકાતે લઈ જઈ સામાજિક અને પારિવારિક રહેણીકરણીનો પરિચય કરાવ્યો.

‘શકુન્તલા’ ફિલ્મનું કથાવસ્તુ મહાકવિ કાલિદાસની જાણીતી નાટ્યકૃતિ ‘અભિજ્ઞાન-શાકુન્તલમ્’ પર આધારિત હતું. તેથી મોટા ભાગનું સિનેકરણ મુંબઈ નજીક એક કિલ્લા આસપાસ એક વગડામાં કરવામાં આવ્યું. અહીં આશ્રમની વન્ય કન્યાના પાત્રમાં ઓછાં વસ્ત્રોમાં ખુલ્લા પગે વનમાં વિચરવાનાં દૃશ્યોમાં ડોરોથીને સ્વાભાવિક રીતે જ શારીરિક મુશ્કેલીઓ નડતી.

1919ના અંતમાં ડોરોથીની ભૂમિકાવાળું ‘શકુન્તલા’નું નિર્માણ પૂરું થયું. ડોરોથી સાથે સહ-અભિનેત્રી તરીકે એક નાની પણ મહત્ત્વની ભૂમિકામાં તત્કાલીન જાણીતી ભારતીય ગાયિકા-નૃત્યાંગના ગોહરજાને પણ અભિનય કર્યો હતો.

ભારતીય ચલચિત્રઉદ્યોગનાં સર્વપ્રથમ વિદેશી અભિનેત્રી ડોરોથીની ભૂમિકાયુક્ત ‘શકુન્તલા’ની પ્રિન્ટનું ભારત ખાતે અસ્તિત્વ રહ્યું નથી તેથી ભારતના પુણે ખાતેના રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલયમાં આ સીમાચિહ્નરૂપ કૃતિ સંગૃહીત થવા પામી નથી.

ઉષાકાન્ત મહેતા