કિંગકોંગ (જ. 1909; અ. 15 મે 1970) : જાણીતો કુસ્તીબાજ. રૂમાનિયાના બરાસોવ શહેરમાં જન્મ. મૂળ નામ એમિલઝાયા. બાળપણથી જ તોફાની; નવ-દશ વર્ષની ઉંમરે પોતાનાથી મોટી ઉંમરના છોકરા સાથે ઝઘડી પડતો. એમાંથી છુટકારો મેળવવા પિતાએ વ્યાયામશાળામાં મોકલ્યો; ત્યાંથી એ પહેલવાન બનીને બહાર આવ્યો. 18 વર્ષની ઉંમરે તેણે યુરોપના મિડલવેટ ચૅમ્પિયનને બે મિનિટમાં હાર આપેલી. એમિલઝાયા નામથી યુરોપમાં તેણે વિજયયાત્રા કરી. 1930માં કિંગકોંગ ફિલ્મ જોયા બાદ ‘કિંગકોંગ’ નામ રાખવાનો નિર્ણય કર્યો અને ભયાનક દેખાવ માટે દાઢી રાખવા લાગ્યો. 1932માં ઑલિમ્પિક સ્પર્ધામાં ગ્રીકો-રોમન કુસ્તીમાં વિજેતા બન્યો. તે મુંબઈ અને દિલ્હીમાં વારંવાર કુસ્તી ખેલવા આવતો. તેણે ઘણી વાર દારાસિંગને હરાવેલો અને દારાસિંગ સામે તે હાર્યો પણ હતો. તેણે દારાસિંગ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 1961ના અરસામાં તેમના કુસ્તીના પ્રયોગો અમદાવાદમાં થયા હતા. સિંગાપોરમાં એક અખાડાનું સંચાલન કરતો હતો. મોટર-અકસ્માતથી તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું.

કુમારપાળ દેસાઈ