કાસ્થિમત્સ્યો
(Cartilaginous Fishes Chondrichthyes)
કાસ્થિયુક્ત (cartilaginous) અંત:કંકાલ (internal skeleton) ધરાવનાર જડબાંવાળી (jawbearing) માછલીઓ. આમ તો કાસ્થિમત્સ્યોની ગણના સફળ સમૂહની માછલી તરીકે કરવામાં આવે છે. દસ કરોડ વર્ષો પૂર્વે ક્રેટેશિયસ કાળમાં તે અસ્તિત્વમાં આવેલી. મોટાભાગની કાસ્થિયુક્ત માછલીઓ આજે પણ ખાસ ફેરફારો વિના દરિયામાં વાસ કરતી જોવા મળે છે, તેથી શાસ્ત્રજ્ઞો કાસ્થિમત્સ્યોને જીવંત અશ્મિઓ (living fossils) તરીકે પણ ઓળખાવે છે. લગભગ બધા પ્રકારનાં જળાશયોમાં જ્યાંત્યાં પ્રસરેલાં અસ્થિમત્સ્યોના પ્રમાણમાં કાસ્થિમત્સ્યો ઘણી ઓછી સંખ્યામાં જોવા મળે છે. મોટાભાગનાં કાસ્થિમત્સ્યો બે સમૂહમાં વહેંચાયેલાં છે – શાર્ક અને કિરણમત્સ્યો (ray-fishes). શાર્ક માછલીઓની આશરે 200થી 250 જાતો અને કિરણમત્સ્યોની 300થી 340 જેટલી જાતો ઘણુંખરું દરિયામાં વાસ કરે છે.
સામાન્યત: કાસ્થિમત્સ્યો આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં ગણવામાં આવે છે. જોકે કેટલીક માછલીઓ – ખાસ કરીને કિરણમત્સ્યો – માનવને નુકસાન પહોંચાડે છે. કેટલાંક કાસ્થિમત્સ્યો તો માનવભક્ષી પણ છે. ઓછી સંખ્યામાં હોવા છતાં કાસ્થિમત્સ્યોથી માનવ ઘણા સમયથી પરિચિત છે.
કાસ્થિમત્સ્યોનાં વિશિષ્ટ લક્ષણો : આ માછલીઓને અસ્થિમત્સ્યોથી સહેલાઈથી જુદી પાડી શકાય. કાસ્થિમત્સ્યોમાં મેરુદંડ (notochord) હોય છે. પરંતુ કરોડસ્તંભની કશેરુકાઓનો વિકાસ સારી રીતે થયેલો હોવાથી મેરુદંડને ભાગ્યે જ નિહાળી શકાય. કાસ્થિપેશી અંશત: કૅલ્સિભૂત (calcified) થયેલી હોય છે. વિશેષ કરીને કશેરુકાઓનું કૅલ્સિભવન સારી રીતે થયેલું હોય છે. પરંતુ કાસ્થિમત્સ્યોમાં અસ્થિપેશી હોતી નથી. માછલીની ત્વચા પર પટ્ટાભ શલ્ક(placoid scales)નું આવરણ હોય છે. મોઢાની અંદરની સપાટીએ દેખાતાં જડબાંના અને છૂરિયા (pristis) માછલીના કરવત પરના દાંત તેમજ કંટકકિરણ મત્સ્યો(spiny ray fishes)ના કંટકો દંતાભ ભીંગડાંમાંથી બનેલા હોય છે. જડબાં પરના દાંત જડબાં સાથે જોડાયેલા નથી હોતા, પરંતુ તે જડબાં પર આવરણ તરીકે આવેલી તંતુમય પેશી(fibrous tissue)માં અંત:સ્થાપિત થયેલા હોય છે. તે જ પ્રમાણે મોંની અંદરની બાજુએ આવેલા દાંત પણ અંતસ્ત્વચામાં સ્થાપિત થયેલા હોય છે. કાસ્થિમત્સ્યોમાં ઝાલરઢાંકણ (operculum) હોતાં નથી, જ્યારે ‘ઝાલરગુહા’ (gill cavity) 5થી 7 જોડમાં આવેલી ઝાલર-ફાટ (gill slits) વડે કંઠપ્રદેશની પાર્શ્વ બાજુએથી શરીરની બહાર ખૂલે છે. મોટાભાગની માછલીઓની પહેલી ઝાલર-ફાટ શ્વસનછિદ્ર (spiracle) તરીકે વિકસેલી હોય છે અને તે આંખની પાછળ આવેલી હોય છે. ઝાલરો ઝાલરકમાન સાથે જોડાયેલી હોય છે, જ્યારે ઝાલરકમાનો મસ્તિષ્ક (brain case) સાથે ચલિત સાંધા (movable joints) વડે સંકળાયેલી હોય છે. નાસિકાદ્વારો (nasal openings) જોડમાં આવેલાં હોય છે. મોટાભાગનાં કાસ્થિમત્સ્યોમાં યુગ્મમીનપક્ષો (paired fins) હોય છે.
સંવેદનાગ્રહણ : સ્વજાતિની માછલીઓને તેમજ ભક્ષ્યને ઓળખવા માટે આ માછલીઓમાં કેટલાંક સંવેદનાંગો અનુકૂલન પામેલાં હોય છે. તાપમાનમાં થતા ફેરફારોથી વાકેફગાર રહેવા તે વિશિષ્ટ સંવેદી અંગો ધરાવે છે. આ માછલીઓ આકર્ષક તેમજ અપકર્ષક (repellent) વસ્તુઓથી માહિતગાર હોય છે. પર્યાવરણમાં થતા ફેરફારો સમજીને તે અનુકૂળ સ્થળ તરફ પ્રયાણ કરે છે. શરીરત્વચાની બાહ્ય સપાટીએ આવેલાં કેટલાંક સંવેદી અંગો નિમ્ન આવૃત્તિ(low frequency)ના તરંગો, તાપમાન, ખારાશ, દબાણ અને વિદ્યુત (electrical) ઉદ્દીપનોમાં થતા ફેરફારોને પારખી શકે છે. આ ત્વચાકીય સંવેદનાંગો મુખ્યત્વે પાર્શ્વરેખાંગો (lateral line organs) લૉરેંઝિનીની તુમ્બિકા (ampullae of lorenzini) રૂપે આવેલાં હોય છે. આવાં જ અન્ય પ્રકારનાં સંવેદી અંગો જડબાં પર પ્રસરેલાં હોય છે.
કાસ્થિમત્સ્યોની ગંધગ્રહણશક્તિ ઘણી તીવ્ર હોય છે. આંખ દર્શન સાથે સંકળાયેલી હોવા છતાં વસ્તુઓના આકાર અને રંગ પારખવાની તેની શક્તિ મર્યાદિત હોય છે. શ્રવણાંગોના ભાગરૂપે મસ્તિષ્કની પ્રત્યેક બાજુએ ત્રણ અર્ધગોળાકાર નલિકાઓ આવેલી હોય છે, જે શ્રવણક્રિયા અને સંતુલન(equilibrium)ની જાળવણી માટે અનુકૂલન પામેલી હોય છે. સ્વાદકલિકાઓ (taste bud) મુખગુહા અને ગળાની અંદરની સપાટીએ પ્રસરેલી હોય છે, જોકે માછલીઓ ખોરાકમાં રહેલા જુદા જુદા સ્વાદને પારખી શકતી નથી.
રુધિરમાં યૂરિયાનો સંગ્રહ અને અંત:સ્થ પર્યાવરણનું સંતુલન : દરિયામાં રહેતાં કાસ્થિમત્સ્યો મૂત્રનલિકામાંથી પસાર થતા નાઇટ્રોજનયુક્ત દ્રાવ્ય કચરાને (યૂરિયાને) રુધિરમાંથી શોષે છે અને તેને સંઘરે છે. તેને લીધે રુધિરમાં લવણનું સંકેંદ્રણ વધવાથી બાહ્ય પર્યાવરણમાંથી પાણી શરીરમાં પ્રવેશી શકે છે અને પરિસરણ નિયમન(osmoregulation)ની ષ્ટિએ યૂરિયાના સંકેંદ્રણનું પ્રમાણ ઘટે છે. જોકે મીઠાં જળાશયોમાં વાસ કરતાં કાસ્થિમીનો રુધિરમાં યૂરિયાનું સંગ્રહણ કરતાં નથી.
ખોરાકની આદતો અને ખોરાકગ્રહણ : આ માછલીઓ સામાન્યપણે માંસાહારી હોય છે. પોતાના શરીરનું કદ અને ભક્ષ્ય પ્રાણીની ઉપલબ્ધતા અનુસાર ખોરાક ગ્રહણ કરે છે. જોકે રાક્ષસી કદની મગર (whale shark – Rhincodon typus) અને તડકાની મોજ માણતી શાર્ક (Cetorhinus maximus) પાણીનું ગાળણ કરીને સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરે છે. વધારામાં મગરસમૂહમાં હરતીફરતી માછલીઓનું પ્રાશન પણ કરતી હોય છે. કરવત શાર્ક (Pristiophorus) અને છૂરિયો(saw fish)નાં તુણ્ડ (snout) કરવત જેવો આકાર ધારણ કરે છે. આ કરવતની બંને બાજુએ દાંત આવેલા હોય છે. કરવતની મદદથી ભક્ષ્યના ટુકડા કરીને તેનો ખોરાક તરીકે તે સ્વીકાર કરે છે. મગરુ(thresher shark)ને લાંબી અને તીણી પૂંછડી હોય છે. તે સમૂહમાં ફરનાર બાંગડા અને સેપિયા જેવાં પ્રાણીને પૂંછડીથી ફટકારે છે. ભૂવર (tiger shark – Galeocerdo cuvieri) સ્તરકવચી, નાની શાર્ક માછલી, કાચબા અને પક્ષીનું ભક્ષણ કરે છે. ઉપરાંત, હોડીમાંથી બહાર ફેંકવામાં આવતાં પ્રાણીઓને પણ તે ખોરાક તરીકે સ્વીકારે છે. દરિયાને તળિયે રહેતાં કિરણ-મત્સ્યો (ray-fishes) પોતાની આસપાસ રહેનાર સ્તરકવચી, મૃદુકાય, અન્ય માછલી સહિત પૃષ્ઠવંશીઓને પકડીને ભક્ષણ કરે છે. વીજળિક કિરણમત્સ્યો (electric ray fishes) ભક્ષ્ય પ્રાણીઓને બેભાન કરી શકે તેવાં વીજળિક અંગો ધરાવે છે. ગુજરાતના દરિયાના ઉપલે સ્તરે તરતી કરજ (devil ray) માછલી પોતાની નજદીક ફરતી નાની માછલીઓ અને પ્રાણીઓને પોતાનાં મીનપક્ષોની મદદથી મોં તરફ ધકેલીને તેમનું ભક્ષણ કરે છે.
શ્વસન : સામાન્યપણે શ્વસનપ્રક્રિયાના ભાગરૂપે ઑક્સિજનયુક્ત પાણીને કાસ્થિમત્સ્યો મોં વાટે સ્વીકારતાં હોય છે. જોકે શ્વસનછિદ્રો દ્વારા પણ પાણીનો સ્વીકાર થતો હોય છે. મોં ખૂલતાંની સાથે મુખ-કંઠનળીની ગુહાઓ પહોળી બનતાં પાણી આ ગુહાઓમાં પ્રવેશે છે. બીજા તબક્કામાં આ ગુહાઓ સંકોચાય છે. પરિણામે પાણી ઝાલર-ગુહામાં પ્રવેશે છે. ત્યાં આ પાણી ઝાલર-તંતુઓના સંપર્કમાં આવતાં વાયુની આપલે થાય છે. છેવટે પ્રાણવાયુ વિનાનું પાણી પાર્શ્વ બાજુએ આવેલાં ઝાલરછિદ્રો વાટે ઝાલરગુહામાંથી બહાર નીકળી જાય છે. દરિયાને તળિયે વાસ કરતાં કિરણમત્સ્યો માત્ર શ્વસનછિદ્રો વાટે પાણી સ્વીકારતાં હોય છે. તળિયાથી સહેજ ઉપર રહેનાર સ્કેટ માછલીઓ મોટેભાગે મોં વાટે પાણીને સ્વીકારે છે. કેટલીક માછલીઓ મોં બંધ કરીને શ્વસનછિદ્ર વાટે પાણી લે છે. દરમિયાન શ્વસનતંત્રમાં ભેગા થયેલા કચરાવાળા પાણીને ઝાલરગુહાના સંકોચનથી ફરીથી શ્વસનછિદ્ર વાટે બહાર ફેંકી દે છે.
પ્રજનનાંગો અને પ્રજનન : નર કાસ્થિમત્સ્યોની પ્રત્યેક નિતંબમીનપક્ષ પર એક હૂક જેવું આશ્લેષાંગ (clasper) હોય છે. આ અંગના મધ્ય ભાગમાં એક ખાંચ આવેલી હોય છે. સંવનનપ્રક્રિયા દરમિયાન નર પોતાના દાંત વડે માદાની એક સ્કંધમીનપક્ષને પકડે છે અને અવસારણી-દ્વાર વાટે પોતાના આશ્લેષાંગને માદાની અંડવાહિનીમાં દાખલ કરે છે. દરમિયાન શુક્રકોષો આશ્લેષાંગની ખાંચમાંથી પસાર થઈ અંડવાહિનીમાં પ્રવેશે છે. અંડવાહિનીના આગલા ભાગમાં ઈંડાંનું ફલન થાય છે. ફલિતાંડોમાં વિપુલ પ્રમાણમાં જરદી હોય છે. અંડવાહિનીનો એક ભાગ કવચગ્રંથિ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાંથી ફલિતાંડો પસાર થતાં તેમની ફરતે એક કવચ અથવા અન્ય પ્રકારનું આવરણ બંધાય છે.
સામાન્ય રીતે સ્વતંત્રપણે વિહાર કરતાં નર અને માદા સંવનનકાળ દરમિયાન નજીક આવે છે. અનુરંજનકાળ દરમિયાન નર ખોરાક ગ્રહણ કરતો નથી. પરંતુ તે માદા પાસે જઈને, અનુરંજનના એક ભાગ રૂપે ખાસ વિકાસ પામેલા દાંતની મદદથી ફટકો મારી ઉત્તેજે છે. જોકે સંવનનપ્રક્રિયા પૂરી થતાં નર અને માદા ફરીથી એકબીજાથી દૂર ખસે છે.
કાસ્થિમત્સ્યો અંડપ્રસવી (oviparous) અથવા અપત્યપ્રસવી (viviparous) હોય છે. અંડપ્રસવી શાર્ક, સ્કેટ અને કાઈમીરા માછલીઓનાં ઈંડાં કંટક વડે સધાયેલા કવચથી ઢંકાયેલાં હોય છે. તે ઘન પદાર્થ, તાંતણા, માટી કે રેતીની અંદર કંટકનું લંગર નાખે છે. ફલિતાંડોના આકાર સ્ક્રૂ, ત્રાક કે ઓશીકા જેવા હોય છે. મેક્સિકોના અખાતમાં વાસ કરતી એક વહેલ – શાર્ક માછલીનાં ઈંડાં 30 સેમી. લાંબાં, 14 સેમી. પહોળાં અને 8 સેમી. જેટલાં જાડાં હોય છે. ઈંડાં મૂક્યાં પછી ચારથી સાડા ચાર મહિના પછી બચ્ચાં જન્મે છે.
મોટાભાગની અંડપ્રસવી કાસ્થિયુક્ત માછલીઓ અંશત: અપત્યપ્રસવી તરીકે શરીરની અંદર થોડોક વખત ગર્ભનું પોષણ કરે છે. આવાં પ્રાણીઓનાં ઈંડાંનાં આવરણો ખૂબ પાતળાં હોય છે. થોડોક સમય આવરણની અંદર રહ્યા પછી ગર્ભ આવરણમાંથી બહાર આવી માતાની અંડવાહિનીમાં પ્રવેશે છે અને પોતાની જરદી-કોથળીમાંથી પોષણ મેળવે છે. અમુક ગર્ભ તો પોતાની જરદી-કોથળીમાં સંઘરેલી જરદી ખલાસ થયા પછી બીજા ઈંડાંમાંથી અથવા તો બીજા ગર્ભની જરદી-કોથળીમાંથી પોષણ મેળવે છે. જોકે આવા ગર્ભ માતાના ગર્ભાશયમાં થતા પોષણયુક્ત સ્રાવમાંથી પણ ખોરાક મેળવતા હોય છે.
અપત્યપ્રસવી માછલીઓના શરીરમાં વિકાસ પામતા ગર્ભોની જરદી-કોથળીઓ, ગડી કે પ્રવર્ધોરૂપે માતાના ગર્ભાશયની દીવાલ સાથે જોડાઈને માતાના શરીરમાંથી પોષક તત્વો મેળવે છે.
કાસ્થિમત્સ્યોનું નિવસન : મોટાભાગનાં કાસ્થિમત્સ્યો દરિયાનાં વતની છે. જોકે કેટલીક દરિયાનિવાસી માછલીઓ નદીમાં પ્રવેશીને લાંબા અંતર સુધી પ્રવાસ ખેડે છે. જૂજ કાસ્થિયુક્ત માછલીઓ મીઠાં જળાશયોમાં વાસ કરતી હોય છે. ભારતની ગંગા નદીમાં આવી એક મુસી માછલી (Carcharhinus gangeticus) જોવા મળે છે. મોટાભાગના કાસ્થિમીનો દરિયાના કિનારાથી દૂરના વિસ્તાર(off-shore)માં આવેલા ખંડીય છાજલી(continental shelf)પ્રદેશમાં આવેલા ટાપુની આસપાસ રહેતાં હોય છે. જોકે જૂજ માછલીઓ કિનારાથી દૂર ખુલ્લા દરિયામાં તરતી દેખાય છે. આમ આ માછલીઓ દરિયાની વિવિધ સપાટીએ એટલે કે ઉપલી સપાટી (pelagic), મધ્યસ્તર (columnar) અથવા સાવ ઊંડાણમાં (deep water) હરતીફરતી જોઈ શકાય.
કેટલીક કાસ્થિમાછલીઓ કિનારાની નજીક આવેલા આંતર-ભરતી (inter-tidal) વિસ્તારમાં દરિયાને તળિયે રહે છે. આ વિસ્તારમાંથી પસાર થતા માનવીને કોઈકવાર વીજળિક માછલીનો આંચકો લાગવાની શક્યતા હોય છે. જોકે આ વ્યક્તિને કંટકમાછલીનો કાંટો પણ વાગે. જાળમાં ફસાયેલી માછલીઓ જાળને નુકસાન પહોંચાડે છે. તેથી કાસ્થિમત્સ્યો પકડવા માછીમારો ખાસ ઉત્સુક નથી હોતા. ઓછાં કાસ્થિમત્સ્યો પકડાતાં હોવાથી સંખ્યાની ર્દષ્ટિએ દરિયામાં કાસ્થિમત્સ્યોનું પ્રાધાન્ય હોવાની શક્યતા છે.
કાસ્થિમત્સ્યોનો ભય : આશરે 27 જેટલી કાસ્થિ જાતની માછલીઓ માનવી કે હોડી પર હુમલો કરતી હોવાના પુરાવા ઉપલબ્ધ છે. દરિયામાં ડૂબકી મારનારાઓ અથવા દરિયાઈ અથવા હવાઈ અકસ્માતોને લઈને દરિયામાં ફસાઈ ગયેલા માનવીઓ શાર્ક માછલીઓના ભોગ બન્યા છે. કાનાર (hammer-headed shark), માનવભક્ષી મુસી (Carcharodon carcharius), વાઘ (ભૂવર) મુસી (Galeocerdo sp.), વાદળી મુસી (Prionace) અને રેતી મુસી (Odantaspis) જેવી શાર્ક પશ્ચાદવિસ્તાર અથવા કિનારાથી સહેજ દૂર પાણીમાં તરતી હોય ત્યારે ઘણા માનવી આ માછલીઓનો ભોગ બને છે.
મોટાભાગની આક્રમક માછલીઓ સામાન્ય રીતે 21o સે. કરતાં વધારે તાપમાન હોય તેવા પાણીમાં વાસ કરે છે. અપવાદરૂપે માનવભક્ષી શાર્ક ઉષ્ણ કટિબંધ ઉપરાંત તાપમાન સહેજ ઓછું હોય તેવા સમશીતોષણ પ્રદેશમાં પણ જોવા મળે છે.
કંટકકિરણ-મત્સ્યો સામાન્ય રીતે છીછરા દરિયાને તળિયે વાસ કરે છે. છીછરા દરિયામાં ફરનારા માનવીઓ આકસ્મિક રીતે જો આવી માછલીઓ પર પગ મૂકે તો તે પ્રતિકારરૂપે તરત જ ચાબુક જેવી પોતાની પૂંછડીથી માનવીને જોરથી ફટકારતાં કંટક વાગે છે. કોઈકવાર આ પ્રહાર જીવલેણ પણ નીવડે છે. કિરણમત્સ્યો મોતીછીપ, કાલુછીપ તેમજ અન્ય છીપલાંને હાનિ પહોંચાડે છે. આવાં છીછરાં પાણીમાં વીજળિક માછલીઓ પણ રહેતી હોય છે. આ માછલીનો સહેજ પણ સ્પર્શ થાય તો તરત જ વીજળીનો આંચકો લાગે છે.
કાસ્થિમત્સ્યોનું વર્ગીકરણ : કાસ્થિમત્સ્યોને બે ઉપવર્ગમાં વહેંચવામાં આવેલાં છે 1. ઇલૅસ્મોબ્રૅંકિયાઈ અને 2. હોલોસેફેલી.
1. ઇલૅસ્મોબ્રૅંકિયાઈ શરીરની બહાર અલગ રીતે ખૂલતી અને 5થી 7 જોડમાં આવેલી ઝાલર-ફાટો ધરાવે છે.
2. હોલોસેફેલી ચામડીની ગડીથી ઢંકાયેલી 4 જોડમાં આવેલી ઝાલર-ફાટો ધરાવે છે. ઝાલર-ફાટો શરીરની પ્રત્યેક બાજુએ આવેલા સામાન્ય ઝાલર-દ્વાર વાટે પાણીને બહાર કાઢે છે.
1. ઉપવર્ગ ઇલૅસ્મોબ્રૅંકિયાઈની આજે જીવતી માછલીનું વિભાજન બે શ્રેણીઓમાં થયેલું છે – 1.1 સેલેકિયાઈ (Selachii) અથવા પાર્શ્વદ્વારી (Pleurotremata) અને 1.2 બૅટૉઇડેઈ અથવા નિમ્નદ્વારી (hypotremata).
1.1 સેલેકિયાઈ માછલીઓની ઝાલર-ફાટો અંશત: અથવા સંપૂર્ણપણે બાજુએથી ખૂલે છે.
1.2 બૅટૉઇડેઈ માછલીઓમાં ઝાલર-ફાંટો 5 જોડમાં આવેલી હોય છે અને તે વક્ષ બાજુએથી ખૂલે છે. તેને છૂટી પાંપણ હોતી નથી.
સેલેકિયાઈ શ્રેણીની કેટલીક અગત્યની માછલીઓ : સેલેકિયાઈ શ્રેણીની માછલીઓ સામાન્ય રીતે શાર્ક તરીકે ઓળખાય છે.
1.1.1 કુળ હૅકઝૅંકિડે : ઝાલર-ફાટો 6 અથવા 7 જોડમાં હોય છે.
1.1.1.1 ગાયમુસી (Hexanchus grieseus) : આશરે 1900 મીટર ઊંડાઈએ રહેતી શાર્ક. તેને ઝાલર-ફાટની 6 જોડ હોય છે. અંડ-અપત્યપ્રસવી (ovo-viviparous) છે.
1.1.1.2 હેપ્ટ્રેન્કિયસ (Heptranchius sp.) : ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોના દરિયાની વતની અને ઝાલર-ફાટોની 7 જોડ ધરાવે છે.
1.1.2 કુળ હેટેરોડૉન્ટિડે : બંને જડબાં પરના દાંત એકસરખા, અંડપ્રસવી, સ્ક્રૂ આકારનું અંડકવચ. ઉદા. portjackson shark. દરિયાની ઊંડાઈએ રહેતી શાર્ક માછલી.
1.1.3 કુળ ઓડેન્ટેસ્પીડીડે (Odantaspididae – અગાઉ કાર્કારિડે તરીકે ઓળખાતી માછલીઓ) : રેતીમાં દેખાતી આ માછલીઓના દાંત લાંબા અને પાતળા હોય છે. ઉષ્ણ જળમાં સામાન્ય રીતે મળે છે.
1.1.3.1 રેતીમુસી (odantaspis)
1.1.4 કુળ Scapanorhynchidae : જાપાનના દરિયાના ઊંડા પાણીમાં સામાન્યત: યકૃત અને માંસ માટે વેપારી ધોરણે પકડાય છે.
1.1.5 કુળ Isuridae : બે પૃષ્ઠ મીનપક્ષો. પહેલી લાંબી; દાંત મોટા.
1.1.5.1 માનવભક્ષી : 11 મીટર જેટલી લાંબી.
1.1.6 કુળ Cetorhinidae : બે પૃષ્ઠ મીનપક્ષો; ઝાલર-ફાટો પહોળી; સેંકડો ઝીણા દાંત; આળસુ; ઉપલી સપાટીએ રહીને સૂક્ષ્મજીવો ભક્ષીને જીવનારી.
1.1.6.1 દરિયાનાં પાણીની ઉપલી સપાટી પર તડકાની મોજ લેતી શાર્ક (Basking shark) Cetorhinus maximus.
1.1.7 કુળ Alopidae : પુચ્છ મીનપક્ષનો ઉપલો ખંડ આખા શરીરની લંબાઈ જેટલો લાંબો. લંબાઈ આશરે 6 મીટર જેટલી. ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશના દરિયાના વતની માનવ ખોરાક તરીકે ઉપયોગી.
1.1.7.1 મગરુ (Alopius vulpinus)
1.1.8 કુળ Orectolobidae (nurse shark) : બે પૃષ્ઠ મીન પક્ષો. ઊંડી ખાંચ વડે નાસિકાનું મુખ સાથે જોડાણ હોય છે. સારી રીતે વિકાસ પામેલાં મૂછરૂપ અંગો; ઝીણા દાંત.
1.1.8.1 મગર (Chilloscyllium indicum) (ridge back catshark)
1.1.8.2 લાલો (zebra shark) (Stegostoma varius)
1.1.9 કુળ Rhincodontidae (whale shark) લાંબી અને ચંદ્રાકાર પુચ્છમીન; ચહેરાને છેડે આવેલું મુખ; શરીર પર સફેદ અથવા પીળાં ટપકાં અને તે જ રંગના આડા પટ્ટા : કદ વિશાળ – 18 મીટર જેટલી લાંબી; માનવી માટે બિનજોખમી.
1.1.9.1 મગર (Rhincodon typus)
1.1.10 કુળ Scylorhinidae (બિડાલ-શાર્ક અને શ્વાન-શાર્કો) : બે પૃષ્ઠ મીનપક્ષો; પહેલી શરીરના પાછલા ભાગમાં અને નિતંબ મીનપક્ષના મૂળની પાછળ; કદમાં નાનાં; સામાન્યપણે દરિયાનિવાસી તરીકે જાણીતાં મત્સ્ય ક્વચિત્ મીઠા જળાશયમાં પણ જોવા મળે છે.
1.1.10.1 ભાલા (marbled shark) (Aetomycterus mavmoratum)
1.1.11 કુળ Triakidae (સાદી શ્વાન-શાર્કો) : સંખ્યાબંધ દાંત – ગોળ અને કુંઠિત; નાના; 0.4થી 0.5 મીટર જેટલી લંબાઈ.
1.1.11.1 Triakis semifasciata : ઉત્તર કૅલિફૉર્નિયાના દરિયાની સામાન્ય વતની; માનવ પર આક્રમણ કરે છે.
1.1.12 કુળ Carcharhinidae : શાર્ક માછલીઓનું સૌથી મોટું કુળ. બે પૃષ્ઠ મીનપક્ષો; પહેલી, નિતંબ મીનપક્ષની આગળ; એકેક ખાંચ ધરાવતા બ્લેડ જેવા તીણા દાંત; માત્ર જડબાંની પાસે 1 અથવા 2 હારમાં આવેલા સક્રિય દાંત; 1.5થી 5.5 મી. લંબાઈ; મોટાભાગની માછલીઓ દરિયાનિવાસી; જૂજ માછલીઓ ભાંભરા (brackish) અને મીઠા જળાશયમાં પણ જોવા મળે છે. 18 પ્રજાતિ અનેક જાતિઓમાં વહેંચાયેલી છે.
1.1.12.1 મુશિયા (gummy shark) (Myrmillo manazo)
1.1.12.2 ભૂવર (tiger shark) (Galeocerdo cuvieri)
1.1.12.3 સાંઢો (Scoliodon sorrakowah)
1.1.12.4 પટારી (Carchorhinus ellioti)
1.1.13 કુળ Sphyrinididae (કાનમુસી) : શીર્ષપ્રદેશની બાજુએથી પ્રસરેલાં પ્રવર્ધો; મત્સ્ય દેખાવમાં હથોડી જેવું; પ્રવર્ધ ઉપર આંખ; દાંત મોટા અને ત્રિકોણાકાર; છેડો સાદો અથવા કરવત જેવો; માંસાહારી; કારણ વગર કોઈકવાર આક્રમક બને; લંબાઈમાં કેટલીક માછલી 9 મીટર જેટલી; ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશમાં મળે છે. દા.ત. સ્ફિર્ના.
1.1.14 કુળ Squalidae (કંટક મુસી, ઠીંગણી મુસી, ઊંઘણશી મુસી) : કંટક મુસી 1થી 1.25 મી. લાંબી; ઠીંગણી મુસી આશરે 0.25 મી. લાંબી; ઊંઘણશી મુસીની લંબાઈ 6 મીટર કરતાં પણ વધારે. આઇસલૅન્ડ અને ગ્રીનલૅન્ડની ઊંઘણશી મુસી માનવ માટે આહાર તરીકે ઉપયોગી.
1.1.15 કુળ Oxynotidae (ખૂંચનારી શ્વાન મુસી) : ઉપલી સપાટી પર આવેલા સક્રિય દાંત; આગળની હાર કરતાં પાછલી હારમાં આવેલા દાંત ચડતા ક્રમમાં આવેલા છે. ઉત્તર આટલાંટિક અને ન્યૂઝીલૅન્ડના દરિયામાં 60થી 500 મી. ઊંડાઈએ વાસ કરે છે.
1.1.16 કુળ Pristiophoridae (કરવત મુસી) : પ્રલંબિત ચહેરો; તેની પ્રત્યેક ધાર અનેક દાંત વડે જડેલી હોય છે. શીર્ષપ્રદેશની બાજુએથી આવેલી ઝાલર-ફાટો.
1.1.16.1 Pristiophorus; ઝાલર-ફાટોની 5 જોડ ધરાવે છે.
1.1.16.2 પ્લિઓટ્રિમા : ઝાલર-ફાટોની 6 જોડ ધરાવે છે.
1.1.17 કુળ Squatinidae; પરી-મુસી (angel shark) : ચપટું શરીર; ઉપલી સપાટીએ આવેલી આંખ, ગુહા મીનપક્ષનો અભાવ; આશરે 2.5 મીટર જેટલી લાંબી; અંડ-અપત્યપ્રસવી.
1.2 બૅટૉઇડેઈ અથવા વક્ષદ્વારી માછલીઓમાં કરવત માછલી, કિરણ માછલી, કંટક-કિરણ માછલી અને વીજળિક માછલીનો સમાવેશ થાય છે.
1.2.1 કુળ Pristidae; છૂરિયા : આ માછલીઓમાં પણ કરવત મુસીની જેમ ચહેરાને છેડે કરવત જેવો પ્રવર્ધ આવેલો હોય છે. જોકે આ માછલીની ઝાલર-ફાટો વક્ષ બાજુએથી ખૂલે છે. તે અંડ-અપત્ય-પ્રસવી હોય છે. સામાન્ય રીતે ભારતના દરિયાકિનારે મળે છે. ઉષ્ણ અને અર્ધઉષ્ણ પ્રદેશમાં આવેલા દરિયામાં અથવા નદીના મુખ પાસે આવેલા ખાડીપ્રદેશમાં અથવા કોઈકવાર મોટી નદીઓના મીઠા જળમાં પણ આ માછલી વાસ કરતી હોય છે.
1.2.1.1 છૂરિયો (saw fish) Pristis sp.
1.2.2 કુળ Rhynchobatidae : પુચ્છમીન; દ્વિખંડી અને આકારમાં સહેજ ચાંદ આકારની; સ્કંધ મીનપક્ષો, નિતંબ મીનપક્ષ સુધી પહોંચતી નથી.
1.2.2.1 ઢોસ (ભૂથેર) (Rhynchobatus djiddensis)
1.2.3 કુળ Phinobatidae : પુચ્છ મીનપક્ષ અખંડિત; સ્કંધ મીનપક્ષો નિતંબ મીનપક્ષ સુધી પ્રસરેલી; દાંત નાના, એકબીજાની સાવ સમીપ.
1.2.3.1 ભૂથેર (guitar fish) (Rhinobatus granulatus)
1.2.4 કુળ Torpidenidae; વીજળિક કિરણ-માછલીઓ : શીર્ષપ્રદેશ અને ઝાલરખંડોની પ્રત્યેક બાજુએ સારી રીતે વિકસેલાં
વીજળિક અંગો; સ્કંધ મીનપક્ષો અને શીર્ષપ્રદેશ મળીને આખું શરીર ગોળાકાર અથવા અંડાકાર તકતી જેવો આકાર બનાવે છે. ચામડી કોમળ અને લગભગ ભીંગડાં વગરની; આળસુ; ઝીણી આંખ; ભારતમાં ઉપલભ્ય.
1.2.4.1 પટારા (વીજળિક કિરણ-માછલી) (Narcine brunnes).
1.2.5 કુળ Rajidae : સ્કેટ નામથી ઓળખાતી માછલીઓ. બે પૃષ્ઠ મીનપક્ષો; શરીર આકારે ગોળ તકતી જેવું; શરીરના છેડે ઝીણી પૂંછડી હોય અથવા પૂંછડીનો સાવ અભાવ; તકતી-સ્વરૂપના શરીરની ઉપલી સપાટીએ આવેલા ઝીણા કાંટા; ઉપલી સપાટી ખરબચડી; દરિયાને તળિયે વાસ; (રેતીમાં) અંશત: દટાયેલી સ્થિતિમાં મળે.
1.2.5.1 તરાબ્લા (Raja mamillidens).
1.2.6 કુળ Dasyatidae; ચાબુક-પુચ્છ કિરણો (whip-tailed rays) : પુચ્છ મીનપક્ષનો અભાવ; અસ્પષ્ટ દેખાતી પૃષ્ઠ મીનપક્ષ; લાંબી ચાબુક જેવી પૂંછડી; આંતરભરતી પ્રદેશમાં આવેલી દરિયાની સપાટીએ સામાન્યપણે મળે છે. મોટા કદની માછલીઓ; 2 મીટર જેટલી પહોળી મળે છે.
1.2.6.1 પટારા (sting ray) Dasytus imbricata.
1.2.7 કુળ Gymnuridae; પતંગિયું માછલી (butterfly rays); લંબાઈ કરતાં દોઢગણી પહોળી; પૂંછડીની લંબાઈ શરીર કરતાં નાની; કેટલીક માછલીઓની પૂંછડી દાંત વડે સધાયેલા કંટકવાળી હોય છે. ઉષ્ણપ્રદેશના આંતરભરતી પ્રદેશના દરિયાકિનારે અને નદીના મુખ પાસે વાસ.
1.2.7.1 પટારી (બૂર) : Gymnurus poecilura.
1.2.8 કુળ Urolophidae; (કંટક-કિરણ માછલી) : કાસ્થિનાં બનેલાં કિરણો વડે સધાયેલી અને સારી રીતે વિકાસ પામેલી પૂંછડી; પૂંછડી ઉપર એક અથવા એક કરતાં વધારે કરવત-દંતી કંટક; 0.5 મીટર જેટલી પહોળી; ઉષ્ણ દરિયાની વતની; ભારતના દરિયાકિનારે તે જોવા મળતી નથી.
1.2.9. કુળ Myliobatidae; ગરુડ-કિરણ માછલી (eagle ray) : શરીરનો આગળનો ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવો બહાર પડતો; શીર્ષપ્રદેશની બાજુએ આવેલાં આંખ અને શ્વસનછિદ્રો (spiracles); તકતી જેવા શરીર કરતાં લાંબી પૂંછડી; મોટેભાગે પૂંછડી ઉપર આવેલા કરવત જેવા તીક્ષ્ણ દાંતવાળું કંટક; ઉષ્ણ પ્રદેશમાં ખાસ કરીને ટાપુવિસ્તારની આસપાસ મળે.
1.2.9.1 કોડિયો (Aetobatus flagellum)
1.2.9.2 કાગદી (Aetomyalaeus maculatus)
1.2.10 કુળ Rhinopteridae; ગાય જેવા નાકવાળી કિરણ-માછલીઓ (cow-nosed rays); દેખાવમાં ગરુડ-કિરણ માછલી જેવી. પરંતુ શીર્ષપ્રદેશ શરીરના અન્ય ભાગથી સ્પષ્ટ રીતે જુદો પડે છે. શીર્ષપ્રદેશના મધ્યભાગમાં આવેલી ખાંચ વડે બે ખંડોમાં વહેંચાયેલો; વધુમાં વધુ 2 મીટર પહોળી; ઉષ્ણ-પ્રદેશમાં મળે.
1.2.11 કુળ Mobulidae (devil rays) : શીર્ષપ્રદેશમાંથી પ્રવર્ધરૂપે આવેલાં અને શીર્ષ – મીનપક્ષ તરીકે ઓળખાતાં ઉપાંગોની એક જોડ; કંટક હોય કે ન પણ હોય; ચાબુક જેવી પૂંછડી, અનેક હારમાં ગોઠવાયેલા દાંત; 0.75 મી.થી 7 મીટર જેટલી પહોળી.
1.2.11.1 કારજ (Mobula diabolus) : સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ક્ધિાારા પાસે આવેલા દરિયામાં મળે છે.
- 2. ઉપવર્ગ Holocephali : ઝાલરો ચાર જોડમાં; ઝાલર-ફાટો, ઝાલર-ઢાંકણની ત્વચાની બનેલી ગડી દ્વારા ઢંકાયેલી; પ્રત્યેક બાજુએ આવેલું એક ઝાલર-દ્વાર; ટટ્ટાર સ્થિતિમાં ઊભેલી પહેલી પૃષ્ઠ મીન-પક્ષ; પીઠ પરની મધ્યરેખાએ સ્પર્શક ઘર (tentacula) અને નરના આશ્લેષાંગ પર ગોઠવાયેલી દંતિકા (denticles). મોટાભાગની માછલીઓના માથા પર આવેલું એક વધારાનું સ્પર્શક ઘર; અંડપ્રસવી; એક જ શ્રેણીમાં વહેંચાયેલી.
2.1 શ્રેણી કિમીરે (Chimaerae)
2.1.1 કુળ Chimaeridae; રાક્ષસ-મુસી, ઉદર-માછલી, (chimaerida); નરનાં આશ્લેષાંગો દ્વિભાજિત અથવા ત્રિભાજિત; આશરે 1.5 મીટર લાંબી; ઉષ્ણ, સમશીતોષ્ણ અને ઉત્તરીય પવનપ્રદેશ(boreal)માં સામાન્ય રીતે ઉપલબ્ધ.
2.1.2 કુળ Callorhinchidae; હાથી-માછલી : ખરપિયા જેવી એક સૂંઢ; શીત પ્રદેશ અને દક્ષિણ પવન પ્રદેશના છીછરા દરિયામાં વાસ કરે છે. કેટલીક માછલી ખાડી અથવા નદીમાં પણ પ્રવેશે છે.
2.1.3 Rhincochimaeridae; લાંબા નાકવાળી કિમીરા : ચહેરો લાંબી ટોચ સાથે બહાર પડતો; મધ્યગત અક્ષાંશોમાં આવેલા દરિયાની ઊંડાઈએ વાસ કરે છે.
મ. શિ. દૂબળે