કાસ્ત્રો, યુજેનિયો દે

January, 2006

કાસ્ત્રો, યુજેનિયો દે (જ. 4 માર્ચ 1869, કોઇમ્બ્રા; અ. 17 ઑગસ્ટ 1944, કોઇમ્બ્રા) : પોર્ટુગીઝ સાહિત્યમાં પ્રતીકવાદનો પ્રવેશ કરાવનાર કવિ. પિતા કોઇમ્બ્રા યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક. શરૂઆતનું શિક્ષણ કોઇમ્બ્રામાં લીધું અને ત્યારબાદ 1880માં લિસ્બનમાં શિક્ષણ પૂરું કર્યું. થોડો વખત રાજદ્વારી સેવામાં નોકરી કર્યા પછી થોડા સમય માટે ફ્રાન્સ રહેવા ગયા. ત્યાં એ કાફે સાહિત્યિક મંડળમાં અવારનવાર જતા અને પ્રતીકવાદીઓની ચર્ચાઓ સાંભળતા.

1889માં તે કોઇમ્બ્રા પાછા ફર્યા. કાસ્ત્રોના શરૂઆતનાં કાવ્યોના સંગ્રહો ‘ક્રિસ્ટાલિઝાકૉસ દ મૉર્ત’ અને ‘કાનકૉસ દ અબ્રિલ’ 1884માં પ્રગટ થયા, ત્યારે તે માત્ર 15 વર્ષના હતા. તેમનાં કાવ્યો પરંપરાગત શૈલીનાં હતાં. 1890માં ‘ઑરિસ્ટૉસ’ અને 1891માં ‘હૉરાસ’ પ્રકાશિત થયા. આ બે સંગ્રહો દ્વારા તે પ્રતીકવાદના પોર્ટુગીઝ નિદર્શક તરીકે સ્વીકૃતિ પામ્યા. પોર્ટુગીઝ પ્રતીકવાદ તથા ફ્રેંચ પ્રતીકવાદીઓનાં કામ વિશે પણ તેમણે લખ્યું છે.

1903માં કાસ્ત્રો ‘બ્રૉટેરો’માં પ્રાધ્યાપક થયા અને 1914માં કોઇમ્બ્રા યુનિવર્સિટીમાં ફ્રેંચ સાહિત્ય વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. 1891 પછી તેમનું કામ પ્રતીકવાદનાં કળાધોરણોથી ધીરે ધીરે અલગ થતું ગયું.

યોગેશ જોશી