કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ

January, 2006

કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ (જ. 19 ફેબ્રુઆરી 1812, પૅરિસ; અ. 23 ફેબ્રુઆરી 1895, પૅરિસ) : પોલૅન્ડના નામી કવિ તથા નાટ્યકાર. આગેવાન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પ્રારંભમાં કાયદાનો અભ્યાસ કરવા વૉર્સો યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ 1829માં જિનીવામાં અભ્યાસ શરૂ કર્યો. મોટાભાગની જિંદગી તેમણે વિદેશોમાં ગાળી અને પોતાની કૃતિઓ પોતાના નામોલ્લેખ વગર જ પ્રગટ કરી. રશિયન શાહીવાદ માટે પિતાનું સમર્થન અને પોલૅન્ડની આઝાદી માટે પુત્રની ઝંખના એ બે વચ્ચેનો સંઘર્ષ કવિની વિચારધારાનો આધારસ્તંભ છે.

તેમની વ્યાપક ખ્યાતિ મુખ્યત્વે તેમનાં બે કરુણાંત નાટકો પર નિર્ભર છે. આમાંથી ‘ની-બોસ્કા કોમેડિયા’(1835)માં આમજનતા અને વગદાર વર્ગ વચ્ચેના ભાવિ સંઘર્ષનું નિરૂપણ કરીને તેમણે સાહિત્યમાં વર્ગવિગ્રહના વિષયને સૌપ્રથમ વાચા આપી. તેમના બીજા મહત્વના નાટક ‘ઇરિડિયોન’(1836)માં એક ગ્રીક પાત્ર સામ્રાજ્યવાદી રોમ પર વેર લેવા તલસે છે તેની કથા છે. પરંતુ દ્વેષ કે તિરસ્કાર ન્યાયી આચરણની ભૂમિકા બની શકે નહિ એવો તેમનો પ્રધાન સૂર આમાં વ્યક્ત થયો છે.

તેમની સૌથી જાણીતી કવિતા ‘ધ મોમેન્ટ બિફોર ડૉન’(1843)માંથી તેમના દેશવાસીઓને કપરા સમયમાં ખૂબ પ્રેરણા સાંપડી હતી. વિશ્વ સમસ્તના પાપના પ્રાયશ્ચિત્તરૂપે બલિદાન તરીકે પોલૅન્ડના ભાગલા પડે છે એવી ઘટના આલેખી તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે આ બલિદાનના પ્રતાપે જ પોલૅન્ડનું વિશ્ર્વમાં અગ્રેસર રાષ્ટ્ર તરીકે પુનરુત્થાન થશે.

મહેશ ચોકસી