કાસારગોડ (Kasargod)

January, 2025

કાસારગોડ (Kasargod) : કેરળ રાજ્યના છેક ઉત્તર છેડે આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 12o 02’થી 12o 45′ ઉ. અ. અને 74o 52’થી 75o 26′ પૂ. રે. વચ્ચેનો 4,992 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યના જિલ્લા, દક્ષિણ તરફ કન્નુર જિલ્લો તથા પશ્ચિમ તરફ લક્ષદ્વીપ સમુદ્ર આવેલા છે. જિલ્લામથક કાસારગોડ જિલ્લાની પશ્ચિમે મધ્યમાં કિનારા નજીક આવેલું છે.

ભૂપૃષ્ઠજંગલોજળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ પશ્ચિમ ઘાટના પર્વતો અને લક્ષદ્વીપ સમુદ્રકાંઠા વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો અંતરિયાળ ભાગ થોડાંક જંગલો સહિત પહાડી છે; જ્યારે મધ્યવિભાગ ડાંગરનાં વિસ્તૃત ખેતરોવાળો છે. દરિયાકિનારા પર નાળિયેરી અને સોપારીના બગીચા આવેલા છે. કાસારગોડ તાલુકાનો ઈશાન ભાગ દખ્ખણના ઉચ્ચપ્રદેશનું વિસ્તરણ છે. જિલ્લામાં કોઈ મહત્વનું પર્વત-શિખર નથી.

આ જિલ્લાનાં જંગલો અયનવૃત્તીય ભેજવાળાં પર્ણપાતી વૃક્ષોથી બનેલાં છે. આ જંગલોનાં વૃક્ષોની લાક્ષણિકતા એ છે કે તે તેમનાં પાંદડાં ઉનાળામાં ખેરવે છે. વૃક્ષો 750 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલાં છે. મોટાભાગનાં વૃક્ષો 36 મીટર જેટલાં ઊંચાં છે. અહીં સાગ, રોઝવૂડ અને વાંસનાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીંનાં અનામત જંગલોનો કુલ વિસ્તાર 8,648 હેક્ટર જેટલો છે. જિલ્લામાં કુલ 14 જેટલાં અનામત જંગલો છે. તે પૈકીનાં બે જંગલોને કાજુનાં વૃક્ષ-વાવેતરમાં ફેરવવામાં આવેલાં છે. અહીંનો વાર્ષિક વરસાદ 2000 મિમી. જેટલો છે.

કાસારગોડ જિલ્લો

જિલ્લામાં બાર જેટલી નદીઓ આવેલી છે, તે પૈકીની ચંદ્રગિરિ નદીની લંબાઈ 105 કિમી. જેટલી છે, જ્યારે બાકીની નદીઓની લંબાઈ 8 કિમીથી માંડીને 64 કિમી. સુધીની છે. સાત નદીઓ નૌકાસફર કરી શકાય એવી છે. જિલ્લાની મુખ્ય નદીઓમાં ચંદ્રગિરિ, કરિયાનગોટ, શિરિયા અને ઉપ્પલાનો સમાવેશ થાય છે. તે બધી 50 કિમી. કે વધુ લંબાઈની છે.

ખેતીપશુપાલન : અહીંના કેટલાક પહાડી વિસ્તારોનાં જંગલોને સાફ કરીને ખેડાણલાયક જમીનો તૈયાર કરવામાં આવી છે. મુખ્ય પાકોમાં નારિયેળી રબર, કાજુ અને આદુંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોપારી, મરી, કોકો, તમાકુ, શાકભાજી, શક્કરિયાં અને ટૅપિયોકાનું વાવેતર પણ કરવામાં આવે છે. જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ડાંગર, કેળાં અને શાકભાજીના વાવેતરને મહત્વ અપાય છે. તમાકુની ખેતી રાજ્યના માત્ર આ જ જિલ્લામાં થાય છે. જિલ્લામાં ત્રણ જેટલા સિંચાઈ-પ્રકલ્પો ઊભા કરાયા છે. આ સિવાય કૂવા, તળાવો અને નદી-નાળાં-નહેરો દ્વારા પણ ખાનગી ક્ષેત્રે સિંચાઈ થાય છે. આ જિલ્લામાં સેન્ટ્રલ પ્લાન્ટેશન ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPCRI) કાસારગોડ નજીકના કુડલુ ખાતે તથા કોકોનટ રિસર્ચ સ્ટેશન નીલેશ્વર ખાતે ઊભાં કરાયાં છે.

જિલ્લામાં પશુપાલન અને મરઘાં-બતકાંના ઉછેરને પ્રોત્સાહન અપાય છે. જિલ્લાને મળેલા 70 કિમી. લાંબા દરિયાકિનારા પર ઘણાં મત્સ્યકેન્દ્રો આવેલાં છે, તે પૈકી ચેરુવથુર, કાનહાનગડ, કાસારગોડ અને મંજેશ્વર મુખ્ય છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં કુદરતી સંપત્તિ તેમજ તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં તેમનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. કાસારગોડ ખાતે એક મુખ્ય ઔદ્યોગિક વસાહત તથા અન્ય પાંચ સ્થળોમાં નાની ઔદ્યોગિક વસાહતો આવેલી છે. જિલ્લામાં હાથસાળનું કાપડ, બીડી, નળિયાં તથા કાથી-ઉત્પાદન થાય છે અને કાથીની સાદડીઓ બને છે. કાસારગોડ, હોસદુર્ગ અને નીલેશ્વર ખાતે બેલ મેટલવકર્સ આવેલાં છે. લાકડાં તેમજ ભેંસનાં શિંગડાં પરનાં કોતરકામના તથા ટોપીઓ તૈયાર કરતા એકમો પણ જિલ્લામાં આવેલા છે.

આ જિલ્લામાંથી નળિયાંની મોટા પાયા પર નિકાસ થાય છે. જિલ્લાનાં નગરોમાં બાંધકામ સામગ્રી તરીકે સિમેન્ટની આયાત કરવામાં આવે છે.

પરિવહન : આ જિલ્લો સડક તેમજ રેલમાર્ગોથી અન્ય સ્થળો સાથે સારી રીતે સંકળાયેલો છે. કાસારગોડથી ઉત્તર તરફ 50 કિમી. અંતરે આવેલું મેંગલોર આ જિલ્લા માટે નજીકનું હવાઈ મથક છે. કંઠાર રેલમાર્ગ અહીં નજીકમાંથી જ પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 17 તલાપ્પડીમાં થઈ ચેરુવથુરમાંથી પસાર થાય છે. ચંદ્રગિરિ નદીમાં પાછાં પડતાં પાણીવાળા પૂર્વ કાંઠા પર કાસારગોડ ખાતે જિલ્લાનું એકમાત્ર બંદર કાર્યરત છે. તે નાની રેતઆડશ દ્વારા દરિયાથી અલગ પડી જાય છે. વળી તે ભરતીજન્ય બંદર હોવાથી નૈર્ઋત્યના મોસમી પવનો ફૂંકાય ત્યારે બંધ રહે છે. તે વખતે મોટી સ્ટીમરો બંદર સુધી આવી શકતી નથી, હેરફેર માટે માત્ર નાની નૌકાઓની જ અવરજવર રહે છે.

પ્રવાસન : (1) ઍડૉર (Adoor) (કાસારગોડ તાલુકો) : કાસારગોડથી પૂર્વમાં 40 કિમી. અંતરે આવેલું સ્થળ. અર્જુને સ્થાપ્યું હોવાનું કહેવાતું મહાલિંગેશ્વર મંદિર અહીં આવેલું છે. કિરાત-સ્વરૂપમાં આવેલા ભગવાન શિવ અને અર્જુન વચ્ચે આ સ્થળે કુસ્તી થયેલી; અર્જુન હારેલો અને રેતીનું શિવલિંગ બનાવી તેની બિલ્વપત્રોથી પૂજા કરેલી. શિવે પ્રસન્ન થઈને અર્જુનને પાશુપતાસ્ત્ર અર્પણ કરેલું. આ મંદિર ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વનું છે; શિવલિંગની નીચેની વેદી હેઠળ કુંબલા રાજાઓએ તેમના રાજ્યાભિષેક વખતે 32 સોનાની લગડીઓ રાખેલી. તેના પરથી કુંબલા રાજાઓના રાજશાસન કાળની જાહોજલાલીનો ખ્યાલ મેળવી શકાય છે.

(2) અજનૂર (હોસદુર્ગ તાલુકો) : કાનહાનગડથી 5 કિમી. અંતરે આવેલું સ્થળ. તે ભદ્રકાળીના મંદિર માટે જાણીતું છે. આ પ્રાચીન મંદિરમાં અદભુત કાષ્ઠકોતરણી જોવા મળે છે. આ ગામમાં ચર્ચ અને 13 જેટલી મસ્જિદો પણ છે. ગામના અગ્નિકોણમાં વીસમી સદીમાં થઈ ગયેલા મહાન વૈષ્ણવ સંત સ્વામી રામદાસે 1939માં આનંદાશ્રમ સ્થાપેલો.

(3) બેકલ (હોસદુર્ગ તાલુકો) : કાસારગોડથી 14 કિમી. અંતરે આવેલું, તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું પ્રવાસન-સ્થળ. અહીં ઐતિહાસિક અને પુરાતત્વની ર્દષ્ટિએ (જેની સ્થાપના માટે વાદવિવાદ ચાલે છે એવો) અગત્યનો એક કિલ્લો આવેલો છે. આ કિલ્લો કોલાથિરિસે બાંધ્યો હોવાનો એકમત છે. 1763માં તે હૈદરઅલીને હસ્તક અને 1799માં તે ઈસ્ટ ઇંડિયા કંપનીના કબજામાં ગયેલો. કિલ્લાના પ્રવેશદ્વાર પર હનુમાનનું મંદિર છે; ટીપુ સુલતાને બાંધેલી એક જૂની મસ્જિદ પણ અહીં આવેલી છે. અહીંનો સમુદ્રનો રેત-કંઠારપટ ખૂબ જ સુંદર છે. આ ઉપરાંત અહીં પ્રવાસીઓ માટે વિહારધામ અને સ્વાસ્થ્યકેન્દ્ર પણ આવેલાં છે.

(4) ચંદ્રગિરિ (કાસારગોડ તાલુકો) : કાસારગોડ નગરથી 6 કિમી. અંતરે અગ્નિકોણમાં દક્ષિણ તરફ કાલાનાડ ગામ નજીક આવેલું સ્થળ. શિવપ્પા નાયક અહીંનો મુખ્ય રાજવી હતો. 1646માં તેણે તેની રાજધાનીનું સ્થળ ઇક્કેરીથી બેડાનોર ખાતે ખેસવેલું. શિવપ્પા નાયકે ચંદ્રગિરિ અને બેકલ ખાતે કિલ્લા બાંધેલા. અહીં એક શિવમંદિર અને એક મસ્જિદ આવેલાં છે.

(5) કુંબલા (કાસારગોડ તાલુકો) : કાસારગોડથી વાયવ્યકોણમાં ઉત્તર તરફ આશરે 14 કિમી. અંતરે આવેલું સ્થળ. કુંબલા રાજવીઓનું શાસનસ્થળ. પોર્ટુગીઝ મુસાફર દુઆર્ત બાર્બોસા 1514માં અહીં આવેલો. એ વખતે અહીંથી માલદીવ સુધી ચોખાની નિકાસ થતી. ટીપુ સુલતાને મેંગલોર કબજે કર્યું ત્યારે કુંબલા રાજવી તેલીચેરી ખાતે જતો રહેલો. 1799માં તે પાછો ફરેલો. બેડાનોરના નાયકોએ અહીં એક કિલ્લો બંધાવેલો. કુંબલા સડક અને રેલમાર્ગે આજુબાજુનાં સ્થળો સાથે સંકળાયેલું છે.

અહીં પાર્થસારથિ તેમજ ગોપાલકૃષ્ણનાં મંદિરો તથા ચર્ચ અને જુમા મસ્જિદ પણ છે.

આ ઉપરાંત આ જિલ્લામાં મધુર, મંજેશ્વર અને નીલેશ્વર જેવાં સ્થળો ત્યાં આવેલાં કેટલાંક મંદિરો માટે જાણીતાં છે. વારતહેવારે જિલ્લામાં મેળા ભરાય છે અને ઉત્સવોનું આયોજન થાય છે. સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાક દિન, ઓણમ્, નાતાલ, ઈદ-ઉલ-ઝુહા, ઈદ-ઉલ-ફિત્ર (રમજાન), નવરાત્રિ, ઈસ્ટર, શિવરાત્રિ, મોહરમ અને દિવાળી અહીંના મુખ્ય ઉત્સવો છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 1,92,856 જેટલી છે. સ્ત્રી-પુરુષોનું સંખ્યાપ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 90% અને 10% જેટલી છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ન જેવું છે. મલયાલમ, કન્નડ અને મરાઠી અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. અહીંની આશરે 83% વસ્તી અક્ષરજ્ઞાન ધરાવે છે. શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ સારું છે. કાસારગોડ ખાતે ત્રણ કૉલેજો આવેલી છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 2 તાલુકામાં અને 4 વિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 6 નગરો અને 116 વસ્તીવાળાં ગામો આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર