કાસાબ્લાન્કા પરિષદ

January, 2006

કાસાબ્લાન્કા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે મિત્ર રાષ્ટ્રોના વડાઓ વચ્ચે યોજાયેલી પરિષદ. તે 14 જાન્યુઆરી 1943થી 24 જાન્યુઆરી 1943 સુધી કાસાબ્લાન્કા ખાતે અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ તથા બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વચ્ચે યોજાયેલી હતી. સોવિયેત સંઘ તથા ચીન તેમાં હાજર ન હતાં. પરિષદનો મુખ્ય હેતુ ફ્રાન્સના નેતૃત્વ તથા ભાવિ વિશે નિર્ણય કરવાનો હતો. અને તેથી ફ્રાન્સના સેનાપતિ જિરોડ તથા ચાર્લ્સ દ ગૉલને તેમાં ભાગ લેવાનું આમંત્રણ અપાયું હતું.

આ પરિષદમાં સિસિલી ઉપર સાથી-રાષ્ટ્રો દ્વારા આક્રમણ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત સાથી-રાષ્ટ્રોએ શત્રુપક્ષની બિનશરતી શરણાગતિ મેળવવાનું અંતિમ ધ્યેય નક્કી કર્યું હતું.

દેવવ્રત પાઠક