કાશીદ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia siamea Lam. (મ. કાસ્સોદ; ત. મંજે-કોન્ને; ગુ. કાશીદ; તે. – ક. સિમાતંગેડુ) છે. ગુજરાતમાં કેસિયાની 20 જેટલી જાતિઓ થાય છે. તેમાં ચીમેડ, કાસુંદરો, પુંવાડિયો, મીંઢીઆવળ, આવળ, ગરમાળો, સોનામુખી વગેરેનો સમાવેશ થાય છે.
કાશીદ મોટા સદાહરિત વૃક્ષ-સ્વરૂપે જોવા મળે છે અને તે પીળાં પુષ્પો ધરાવે છે. તેનું વિતરણ પશ્ચિમ દ્વીપકલ્પ (peninsula), શ્રીલંકા, મલાયા અને સિયામમાં થયેલું છે. સામાન્ય રીતે વૃક્ષવીથિ (avenue) અને ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે તેમજ રસ્તા ઉપર છાયા માટે ઉગાડવામાં આવે છે.
કાશીદ વૃક્ષ ઝડપથી વધે છે. તેને બહુ સંભાળની જરૂર હોતી નથી. તેને ઢોર ખાતાં નથી. તેને પાણી અઠવાડિયે એક જ વખત જરૂરી હોય છે. સદાહરિત હોવાથી તેનો કચરો પડતો નથી. તેની છાલમાં ઊભી ફાટો હોય છે. તેના પુષ્પમાં ત્રણ પુંકેસરો ખૂબ નાનાં અને વંધ્ય હોય છે.
તેની છાલમાં 2.5 %થી 4.0 % અને ફળમાં 10 % જેટલું ટેનિન હોય છે. તેનાં ફળ અને પર્ણોમાં એક વિષાળુ (toxic) આલ્કેલૉઇડ (C14H19O3N) હોય છે, જે સુવર માટે પ્રાણઘાતક હોય છે. પર્ણો ખાતર તરીકે ઉપયોગી છે.
કાષ્ઠમાં પાણી 11.0 %, લિગ્નિન 37.3 %, પેન્ટોસન 15.6 %, સેલ્યુલોસ 33.8 %, આલ્કોહૉલ-બેન્ઝિન નિષ્કર્ષો 18.2 %, ભસ્મ 0.3 % અને મેનન 0.17 હોય છે. મધ્યમાં આવેલા પોલાણમાં સોનેરી રંગના પાઉડર જેવો પદાર્થ (જે હવામાં ખુલ્લો થતાં ઘેરા રંગનો બને છે.) આવેલો હોય છે. આ દ્રવ્યનું મુખ્ય ઘટક ક્રાઇસોફેનહાઇડ્રોઍન્થ્રોન (C15H12O3) છે.
તેનું રસકાષ્ઠ (sapwood) સફેદ અને અંત:કાષ્ઠ (heartwood) ઘેરા બદામી રંગનું હોય છે. તેના ત્રિજ્યાવર્તી (radial) છેદમાં આછી અને ઘેરી રેખાઓ જોવા મળે છે. તેના સ્પર્શીય (tangential) છેદમાં ઘેરી પટ્ટીઓ વાંકીચૂંકી (zig-zag) તકતીઓ-સ્વરૂપે ગોઠવાયેલી હોવાથી સુંદર દેખાય છે. જોકે આ સુંદર કાષ્ઠ વધારે મોટો વ્યાસ ધરાવતું નથી. અંત:કાષ્ઠ ટકાઉ હોય છે અને તેનો ચાલવા માટેની લાકડીઓ, હથોડીઓ વગેરે બનાવવામાં અને બળતણ તરીકે ઉપયોગ થાય છે. તે જડાવકામ(inlaying)માં છે. વધારે ઉપયોગી છે. આ વૃક્ષ લાખના કીટકનું યજમાન છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ