કાવ્યહેતુ : કાવ્યસર્જનના ઉદભવનું કારણ. કવિ થવા માટે યોગ્યતાનો નિશ્ચય કરી સંસ્કૃતના કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યહેતુ બતાવ્યો છે. આ હેતુ તેમના મત અનુસાર પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ એ ત્રણ પાયા પર આધારિત છે. મમ્મટાચાર્યે આ ત્રણેને સ્વતંત્ર હેતુઓ ન ગણતાં ત્રણેયના સમન્વયને એક હેતુ કહ્યો છે. પ્રતિભા પૂર્વજન્મના સંસ્કારોથી આ જન્મમાં મળેલી જન્મજાત શક્તિ છે. પ્રતિભા સંસ્કારી શકાય, ઉત્પન્ન ન કરી શકાય. વ્યુત્પત્તિ એ પ્રૌઢ સાક્ષરતા છે. શાસ્ત્રોનો અભ્યાસ, લોકવ્યવહારનું નિરીક્ષણ અને એ સર્વથી પ્રાપ્ત થયેલ અનુભવ દ્વારા વ્યુત્પત્તિ પ્રાપ્ત કરી શકાય છે. કાવ્યરચનાના અનુભવી પાસેથી શિક્ષણ મેળવીને અને કાવ્યરચનાનો અભ્યાસ કરવાથી પણ એવી નિપુણતા પ્રાપ્ત કરી શકાય. કેવલ પ્રતિભા કે કેવલ નૈપુણ્ય કે એ બન્નેની ભૂમિકા વિના કેવલ અભ્યાસથી કાવ્યસર્જન ન થાય. બહુ બહુ તો જોડકણું થાય. આ ત્રણેયના સમન્વિત બળે જ કાવ્યસર્જન થાય. રાજશેખર, વાગ્ભટ, જગન્નાથ વગેરે તો કેવલ પ્રતિભાને જ કાવ્યનો હેતુ ગણે છે કેમ કે પ્રતિભાને બળે જ કવિ અદભુતરમ્ય સૃષ્ટિનું સર્જન કરે છે જે જનસામાન્યની ર્દષ્ટિથી પર છે. એટલે જ તો કાવ્યશાસ્ત્રી આનન્દવર્ધન અને મમ્મટ કવિની સૃષ્ટિને વિધાતાની સૃષ્ટિ કરતાંય વિલક્ષણ અને રમણીય લેખે છે.
ર. ચિ. ત્રિપાઠી