કાવ્યપ્રકાશ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ‘વાગ્દેવતા’ના અવતારરૂપ ગણાતા કાશ્મીરી વિદ્વાન મમ્મટનો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. આ ગ્રંથમાં નાટ્ય સિવાયના કાવ્યને લગતા બધા જ વિષયોનું નિરૂપણ છે. કુલ દસ ઉલ્લાસ (પ્રકરણ) ધરાવતા આ ગ્રંથમાં પ્રથમ ઉલ્લાસમાં કાવ્ય-નિર્માણ, કાવ્ય-હેતુ, કાવ્ય-પ્રયોજન, કાવ્યનું લક્ષણ તથા તેના ભેદો, દ્વિતીય ઉલ્લાસમાં અભિધા, લક્ષણા અને વ્યંજના એ ત્રણ શબ્દશક્તિઓ, તૃતીયમાં વ્યંજના(ધ્વનિ)નું વિશેષ નિરૂપણ, ચતુર્થમાં ધ્વનિના સમસ્ત ભેદો, રસ તથા ભાવ આદિનું સવિસ્તર નિરૂપણ, પાંચમામાં મધ્યમ (ગુણીભૂત વ્યંગ્ય) કાવ્ય અને તેના આઠ પ્રકારોનું નિરૂપણ, છઠ્ઠામાં ચિત્રકાવ્ય, સાતમામાં કાવ્યદોષો, આઠમામાં કાવ્યગુણ, નવમામાં શબ્દાલંકાર તથા અન્તિમ દશમા ઉલ્લાસમાં અર્થાલંકારોનું નિરૂપણ છે.
‘કાવ્યપ્રકાશ’માં કુલ 142 કારિકાઓ છે. કારિકાઓ અને તેમના ઉપર લખાયેલ વૃત્તિના લેખક વિશે થોડો મતભેદ છે. કેટલાક વિદ્વાનો ભરતમુનિને કારિકાઓના લેખક રૂપે અને મમ્મટને વૃ્ત્તિના લેખક તરીકે માને છે, પણ મોટેભાગે એ નિશ્ચિત છે કે કારિકા તથા વૃત્તિ બન્નેના લેખક મમ્મટ જ છે.
આ જ રીતે ‘કાવ્યપ્રકાશ’ના ગ્રંથકર્તૃત્વ વિશે પણ થોડો મતભેદ છે. દશમ ઉલ્લાસમાં આવેલ ‘પરિકર’ અલંકાર સુધીની રચના મમ્મટની અને તે પછીની રચના અલક કે અલ્લટ ભટ્ટ નામના વિદ્વાનની છે એમ કેટલાકનું માનવું છે.
‘કાવ્યપ્રકાશ’માં ઉદાહરણ તરીકે સંસ્કૃતની અન્ય રચનાઓમાંથી લગભગ 2600 પદ્યો ટાંકવામાં આવ્યાં છે. આ ગ્રંથ ઉપર લગભગ 70 જેટલી સંસ્કૃત ટીકાઓ લખાયેલી છે એ જ આ ગ્રંથની મહત્તા અને ઉપાદેયતાનું પ્રમાણ છે. મમ્મટ ‘ધ્વનિપ્રતિષ્ઠાપક’ આચાર્યનું પણ બિરુદ પામ્યા છે.
ભગવતીપ્રસાદ પંડ્યા