કાવેરીપટનમ્ : તામિલનાડુના તાંજાવુર જિલ્લામાં બંગાળની ખાડી ઉપર કાવેરી નદીની ઉત્તર શાખા પર આવેલું પ્રાચીન સમયનું બંદર અને ચૌલ વંશના શાસકોનું પાટનગર. ટોલેમીએ તેનો ખબેરીસ વિક્રયકેન્દ્ર (emporium) તરીકે ઉલ્લેખ કરેલો છે. ઈ. સ.ની શરૂઆતમાં તે ઘણું મોટું વેપારી કેન્દ્ર હતું. બંદર અને શહેર એમ તેના બે ભાગ હતા. વચ્ચેની ખુલ્લી જગ્યામાં બજાર હતું, જ્યારે ગોદામો બંદર નજીક હતાં. સોનું, મોતી, રત્નો, રેશમ, ઉત્તમ ઘોડા, દાલચીની વગેરેની આયાત થતી હતી, જ્યારે મોજશોખની વસ્તુઓ, પ્રસાધનો, આભૂષણો, ચંદનનું લાકડું, મસાલા વગેરેની નિકાસ થતી હતી. અહીં વેપાર અર્થે વસેલા રોમન વેપારીઓની બંદર પાસે વસાહતો હતી. પેરિપ્લસમાં યુરોપીય કાંસાનાં વાસણોનો ઉલ્લેખ છે. ચૌલ રાજાના ભવ્ય મહેલના સ્તંભો રત્નજડિત હતા અને દીવાલો સુવર્ણમંડિત હતી. ઈ. સ. 150માં મહાન ચૌલ રાજવી કારીકલે શહેર ફરતો કોટ બંધાવ્યો હતો. નદીમાં તે સમયે ઊંડું પાણી રહેતું હોવાથી પરદેશનાં મોટાં વહાણો અહીં આવતાં હતાં. 1962-64 દરમિયાન થયેલા ઉત્ખનનમાં બીજી-ત્રીજી સદીના તળાવના અને બંદર ઉપરના ધક્કાના અવશેષો મળ્યા છે. પ્રાચીન બંદર અને શહેર કાવેરીના કાંપના જાડા થર નીચે દટાયેલું મનાય છે. અગ્નિ એશિયાના દેશો, શ્રીલંકા અને રોમન સામ્રાજ્ય સાથે તેનો બહોળો વેપાર હતો. હાલ નવું કાવેરીપટનમ્ પંદરેક હજારની વસ્તી ધરાવતું નાનું સામાન્ય નગર છે.
શિવપ્રસાદ રાજગોર