કાવાસાકી : જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના પૂર્વ કિનારાના મધ્ય ભાગમાં કાનાગાવા જિલ્લામાં, ટોકિયોની દક્ષિણે અને યોકોહામાની ઉત્તરે આવેલું ઔદ્યોગિક કેન્દ્ર અને બંદર. ભૌગોલિક સ્થાન : 35o 32′ ઉ. અ. અને 139o 43′ પૂ. રે.. તેની પૂર્વમાં ટોકિયોનો અખાત આવેલો છે. સ્થાપના 1150. મૂળ માછીઓનું ગામ. ટોકુગાવા વંશના શાસન (1608-1868) દરમિયાન અહીં અમીરોનો વસવાટ હતો.

ઑગસ્ટ માસમાં સૌથી વધુ ગરમી 26o સે. જેટલી રહે છે, જ્યારે જાન્યુઆરી માસનું સૌથી નીચું તાપમાન 4o સે. રહે છે. સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર માસમાં 250 મિમી. પડે છે, જ્યારે સૌથી સૂકા ડિસેમ્બર માસમાં 50 મિમી. વરસાદ પડે છે.

તેના ઔદ્યોગિક વિકાસની શરૂઆત 1930 પછી થઈ હતી. અહીં પેટ્રોલિયમ અને તેની પેદાશો, અનાજ અને ઉદ્યોગો માટેનો કાચો માલ આયાત થાય છે. તેલ-શુદ્ધીકરણ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ ઉપરાંત કાપડની મિલો, પોલાદનાં કારખાનાં, બ્લાસ્ટ ફરનેસ, યાંત્રિક ઓજારો અને ખાદ્ય પદાર્થો બનાવવાનાં કારખાનાં અને જહાજવાડા છે. આ બંદરેથી મોટાભાગની આયાત થાય છે. યુદ્ધસરંજામ બનાવવાનાં કેટલાંક કારખાનાં અત્રે હોવાથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1945માં આ શહેર અમેરિકન બૉમ્બમારાનો ભોગ બન્યું હતું. ટોકિયો અને યોકોહામામાં કામ કરતા લોકો ત્યાં રહેઠાણ ન મળવાને કારણે અત્રે વસે છે. વસ્તી : 14,75,213 (2015).

શિવપ્રસાદ રાજગોર