કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા

January, 2006

કાવાલ્ચાસેલે, જિયોવાની બાત્તિસ્તા (Cavalcaselle, Giovanni Battista) (જ. 22 જાન્યુઆરી 1820, લેન્યાજો (Leynago), લૉમ્બાર્દી, ઇટાલી; અ. 31 ઑક્ટોબર 1897, લેન્યાજો, લૉમ્બાર્દી, ઇટાલી) : કલા-ઇતિહાસકાર તથા જિયોવાની મોરેલી (Morelli) સાથે ઇટાલિયન આધુનિક કલા-ઇતિહાસના અભ્યાસનો પાયો નાંખનાર.

બાળપણથી જ ઇટાલીના કલારૂપી ખજાનાનો તેમણે અભ્યાસ કરવો શરૂ કરેલો. વેનિસ ખાતેની અકાદમિયા દેલે બેલે આર્તી(Accadamia delle Belle Arti)માં તેમણે કલાના ઇતિહાસનો વિધિવત્ અભ્યાસ કર્યો. પછી જર્મનીમાં બર્લિન ખાતે 1846થી 1847 સુધી તેનો અભ્યાસ કર્યો. આ જર્મનીનિવાસના અભ્યાસ દરમિયાન બ્રિટિશ કલાઇતિહાસકાર જે. એ. ક્રોવ તેમના સહાધ્યાયી હતા. વેનિસ પાછા ફરીને 1848માં ઑસ્ટ્રિયન હકૂમત સામેના બળવામાં કાવાલ્ચાસેલેએ સક્રિય ભાગ લીધો. ઑસ્ટ્રિયન સૈન્યે તેમને કેદ કર્યા; પણ તે મહાપરાણે નાસી છૂટ્યા. પછી તેઓ જવીસેપે ગેરિબાલ્દી(Giuseppe Garibaldi)ના લશ્કરમાં જોડાયા.  1849માં ફ્રેંચ લશ્કરે તેમને કેદ પકડી લીધા. આખરે ક્રોવ તેમને પૅરિસમાંથી કેદમાંથી છોડાવીને લંડન લઈ ગયા. અહીં બંનેએ ભેગા થઈને એક પછી એક મહત્વના કલા-ઇતિહાસના ગ્રંથો લખ્યા :

1. અર્લી ફ્લૅમિશ પેઇન્ટર્સ (1857)

2. એ ન્યૂ હિસ્ટરી ઑવ્ ઇટાલિયન પેઇન્ટિન્ગ (1864)

3. હિસ્ટરી ઑવ્ પેઇન્ટિન્ગ ઇન નૉર્થ ઇટાલી (1869)

4. તિશ્યોં (Titian) (1877)

5. રફાયેલો (Raphaello) (1885)

1890માં રોમના શિક્ષણ-મંત્રાલયમાં લલિતકલાઓના નિરીક્ષક તરીકે કાવાલ્ચાસેલેની નિમણૂક થયેલી.

અમિતાભ મડિયા