કાવાલિની, પિયેત્રો (જ. આશરે 1250, રોમ, ઇટાલી; અ. આશરે 1330, ઇટાલી) : ભીંતચિત્રો ચીતરનાર અને મોઝેક તૈયાર કરનાર રોમન ચિત્રકાર. ગૉથિક યુગમાં બાયઝેન્ટાઇન કલાની અક્કડ લઢણોમાંથી મુક્ત થવાનો અને વાસ્તવ-આભાસી આકૃતિઓ ચીતરવાનો સંગીન પ્રયાસ કરનાર પ્રથમ કલાકાર.
1277થી 1290ના ગાળામાં તેમણે રોમ ખાતેના સાન્તા પાઓલો ફૂરી લે મુરા (Santa Paolo Fuori le Mura) ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. હકીકતમાં આ ભીંતચિત્રો પાંચમી સદીમાં ચીતરાયેલાં ચિત્રોના ર્જીણોદ્ધાર રૂપે તે ચિત્રોની ઉપર મૂળમાંની રેખાઓ અકબંધ સાચવી રાખીને ચીતરેલાં. આ ચિત્રો, ઉપરાંત આ ચર્ચમાં અગાઉનાં જે ચિત્રોનો તેમણે ર્જીણોદ્ધાર કરેલો નહિ તે બધાં જ 1823માં લાગેલી આગમાં બળીને ખાખ થઈ ચૂક્યાં છે. સદભાગ્યે, એ બંને જૂથનાં ચિત્રોની નકલો મોજૂદ છે; જેના પરથી જણાય છે કે કાવાલિનીએ પ્રાચીન પ્રશિષ્ટ રોમન કલાની ભવ્યતા પાંચમી સદીનાં એ ચિત્રોમાંથી આત્મસાત્ કરેલી.
એ પછી 1291માં રોમ ખાતેના સાન્તા મારિયા ત્રાસ્તેવેરે (Trastevere) કથીડ્રલમાં ભીંતો ઉપર તેમણે માતા મૅરીના જીવનપ્રસંગો આલેખતા મોઝેક પદ્ધતિથી ચિત્રો કરવાં શરૂ કર્યાં. અહીં પણ પ્રશિષ્ટ રોમન કલાની સીધી અસર જોવા મળે છે : રેખા વડે વ્યાખ્યાયિત થતી આકૃતિઓને સ્થાને પ્રકાશ અને છાયાથી વ્યાખ્યાયિત થતી આકૃતિઓ અહીં છે. ચહેરાની વિગતો અને કપડાની ગડીના સળ પણ રેખા વડે નહિ, પણ પ્રકાશ અને છાયાથી આલેખ્યા છે.
ત્યારબાદ રોમ ખાતેના સાન્તા ચેચિલિયા (Cecilia) ચર્ચની ભીંતો ઉપર (ભીંત)ચિત્રો કર્યાં. તેમાં ‘લાસ્ટ જજમેન્ટ’, ‘એનન્સિયેશન’ ઉપરાંત ઓલ્ડ ટેસ્ટામેન્ટમાંથી પસંદ કરેલા કેટલાક પ્રસંગોને વિષયો તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અહીં પણ પ્રાચીન રોમન શૈલીની ભવ્યતા નજરે પડે છે. ચિત્રિત પયગંબરોની જીવંત હાજરી દર્શક મહેસૂસ કરી શકે છે.
નેપલ્સના રાજા ચાર્લ્સના આમંત્રણથી કાવાલિનીએ 1308થી 1315 સુધી નેપલ્સમાં નિવાસ કર્યો.
અમિતાભ મડિયા