કાળિયાર (Black buck) : વર્ગ સસ્તન, શ્રેણી આર્ટિયોર્ડકિટલાના બોવિડે કુળનું antelope cervicapra L. નામે ઓળખાતું હરણને મળતું પ્રાણી. તેનાં શિંગડાં શાખા વગરનાં સીધાં અને વળ ચડ્યા હોય તેવાં હોય છે. પુખ્ત નરનો રંગ કાળો હોવાથી તેને કાળિયાર કહે છે. બચ્ચાંનો રંગ ઉપરની બાજુએથી પીળચટ્ટો રાતો હોય છે. નરની ઉંમર ત્રણ વર્ષની થતાં રંગ કાળાશ પડતો થવા માંડે છે. માદા બદામી રંગની હોય છે. પુખ્ત નરને કુંતલાકાર શિંગડાંની એક જોડી હોય છે, તે સુંદર દેખાવ આપે છે. જોકે એક વર્ષની ઉંમર સુધીના નરનાં શિંગડાં વલયાકાર હોતાં નથી. કાળિયારમાં ક્યારેક રંગહીનતા જોવા મળે છે. 1800ની સાલમાં ભાવનગરના મહારાજાએ સફેદ કાળિયારને પોતાના પ્રાણીસંગ્રહાલયમાં વસાવેલાં. હાલમાં તેના વંશજો ભારતનાં ઘણાં પ્રાણીસંગ્રહાલયોમાં જોવા મળે છે.
અગાઉ કાળિયાર લગભગ આખાય દેશમાં જોવા મળતું, પરંતુ તેના રહેઠાણનો નાશ થતો ગયો તેમ તેમ તેનું રહેઠાણ છૂટુંછવાયું થયું. મુખ્યત્વે ઘાસનાં ખુલ્લાં મેદાનો કે કાંટાળાં જંગલોમાં રહેવાનું પસંદ કરતાં આ પ્રાણી હાલમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઓરિસા અને આંધ્રમાં જોવા મળે છે. અગાઉ કાળિયાર શિકાર-શોખીનોનું ખૂબ જ પ્રિય પ્રાણી હતું. ઇંડિયન બૉર્ડ ઑવ્ વાઇલ્ડિ લાઇફે હવે તેને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યું છે. ગુજરાત રાજ્યમાં કાળિયાર માટે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થપાયેલું છે. ગાંધીનગરના ઇંદ્રોડા ઉદ્યાનમાં પણ કાળિયારનું જતન કરવામાં આવે છે.
અભયારણ્યની બહાર (in non notified areas) સૌથી વધુ કાળિયારના ટોળાં ઉત્તર ગુજરાતમાં કડી પાસે ધરમપુર-વિસતપુર વિસ્તારમાં વગડામાં અને ખેતરોમાં નિર્ભય ચરતાં જોવા મળે છે. તેમનું રક્ષણ સ્થાનિક ખેડૂતો/પ્રજા કરે છે.
પુખ્ત નરની ખભા સુધીની ઊંચાઈ 85 સેમી. હોય છે, જ્યારે માદાની ઊંચાઈ નર કરતાં 5 સેમી. જેટલી ઓછી હોય છે. નરનું વજન આશરે 40 કિગ્રા. જેટલું હોય છે, જ્યારે માદાનું વજન 4થી 9 કિગ્રા. ઓછું હોય છે. નરના કાનનો રંગ ચૉકલેટી સફેદ પડતો હોય છે, જ્યારે માદાનો રંગ બદામી હોય છે.
સામાન્ય રીતે કાળિયાર ઘાસ ચરનારું પ્રાણી છે, પરંતુ તે છોડનાં પાંદડાં તથા ફળ પણ ખાય છે. તે સવારે અને સાંજે ચરે છે, બપોરે તથા રાત્રે બેસીને આરામ કરે છે. ભય જણાતાં આ પ્રાણી ભાગવા માંડે છે. ભાગતી વખતે ઊંચા તથા લાંબા કૂદકા પણ મારે છે. અત્યંત ઝડપી ગતિવાળું આ પ્રાણી સપાટ ખુલ્લા પ્રદેશમાં કલાકના 50થી 60 કિલોમીટરના વેગથી દોડી શકે છે.
કાળિયાર સામાજિક પ્રાણી છે. નરનાં કે માદાનાં અલગ અલગ ટોળાં કે મિશ્ર ટોળાં જોવાં મળે છે. સામાન્ય રીતે 20થી 30ના જૂથમાં મળતું કાળિયાર અગાઉ સેંકડોના જૂથમાં પણ જોવાં મળતું. પુખ્ત નર પોતાની સરહદ (territory) બનાવીને તેમાં ફરતો હોય છે, જ્યારે માદા મોટું જૂથ રચીને ઘણા મોટા વિસ્તારમાં આંટા મારે છે. આ સમયે માદા-જૂથ જો નરની સરહદમાં પ્રવેશે તો નર તેમના જૂથની સાથે દેખાતો હોવાથી તેવાં જૂથને છદ્મ અંત:પુર (pseudoharem) કહે છે. કિશોર નરને પુખ્ત નર પોતાની સરહદમાંથી તગડી મૂકે છે. તેથી આવા કિશોરો એકઠા મળી ફરે છે, તેને કુમાર જૂથ (bachelor herd) કહે છે. કિશોરી માદા અને પુખ્ત કાળિયાર દરેક ઋતુમાં પ્રજનન કરે છે અને તેમાં ફેબ્રુઆરીથી માર્ચનો સમય મુખ્ય છે. પુખ્ત નર માદાનો કબજો મેળવવા માટે અંદરોઅંદર સંઘર્ષ કરે છે. આવે સમયે નર પોતાનું નાક ઊંચે રાખી ફરે છે. માદા પાંચથી છ માસના ગર્ભાધાનકાળ બાદ એક કે બે બચ્ચાંને જન્મ આપે છે. તે શરૂઆતમાં બચ્ચાંને ઘાસની વચ્ચે છુપાવી રાખે છે પરંતુ થોડાક જ સમયમાં બચ્ચાં દોડવાનું શીખી માતાના જૂથમાં ભળી જાય છે.
કાળિયારની ઉંમરનો ખ્યાલ મુખ્યત્વે તેના દાંતના અભ્યાસ પરથી આવે છે. લગભગ 16 વર્ષની ઉંમર સુધીના કાળિયારની ઉંમર જાણવાની પદ્ધતિ શોધાયેલી છે.
માદામાં દ્વિગુણિત (diploid) રંગસૂત્રોની સંખ્યા 30 છે અને નરમાં તે 31 કે ક્યારેક 33 હોય છે, કારણ કે નરમાં ત્રણ જાતીય રંગસૂત્રો x, y1 અને y2 હોય છે.
ભારતમાં કાળિયારની ચાર ઉપજાતિઓ (subspecies) નોંધાયેલ છે : દક્ષિણ ભારતની A. C. cervicapra, મધ્યપૂર્વની A. C. centralis, ઉત્તર-પૂર્વની A. C. rupicapra અને ઉત્તર-પશ્ચિમની A. C. rajputanae.
ભારતમાં કાળિયારનો શિકાર ચિત્તો કરતો, પરંતુ ભારતમાંથી ચિત્તાનો લગભગ સંપૂર્ણ નાશ થઈ જવાથી કાળિયારનું શિકારી કોઈ ખાસ પ્રાણી નથી; જોકે શિયાળ કે વરુ તેનાં બચ્ચાંને મારી ખાય છે.
ગુજરાત રાજ્યમાં 1983ની કાળિયારની વસ્તીગણતરી મુજબ 810 નર, 1891 માદા અને 422 બચ્ચાં એમ કુલ 3123 કાળિયારની વસ્તી નોંધાયેલી છે.
વિનોદ સોની