કાલોલ : પંચમહાલ જિલ્લાનો તાલુકો અને શહેર. ગોધરાથી તે 24 કિમી. પશ્ચિમે આવેલું છે. વડોદરા-ગોધરા રેલવેના ફાંટા ઉપર આવેલ ડેરોલ સ્ટેશનથી તે ત્રણ કિમી. દૂર છે. તે 22o 07′ ઉ. અ. અને 73o 28′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 67 ગામડાં છે. અગાઉ તે સમૃદ્ધ હતું. અહીં નાગરોની વસ્તી વિશેષ હતી. તેમણે મુઘલ, મરાઠા અને બ્રિટિશ શાસન દરમિયાન દેસાઈ તરીકેની (હાલના કલેક્ટર સમકક્ષ) કામગીરી બજાવી હતી. આ તાલુકો અંતરિયાળ ભાગમાં આવેલો હોવાથી તેનો વિકાસ થાય તે હેતુથી અહીં ઔદ્યોગિક વસાહતો ઊભી કરવામાં આવી છે. ગોમા નદી શહેર નજીક વહે છે. સિદ્ધેશ્વરી દેવીનું મંદિર જોવાલાયક છે. અહીં હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ અને એક પુસ્તકાલય છે. તાલુકાની વસ્તી : અંદાજીત 2,32,061 (2021) છે.

શિવપ્રસાદ રાજગોર