કાલેવાલા : ફિનલૅન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય. યુરોપનું તે સૌથી પ્રાચીન લોકમહાકાવ્ય છે; વર્તમાન સ્વરૂપમાં ઉપલબ્ધ છે તે તો છેક ઓગણીસમી સદીમાં સુલભ થયું. ફિનલૅન્ડના ખેડૂતો તથા ભાટચારણો જે પ્રાચીન લોકગીતો-કથાગીતો વગેરે ગાતાં હતાં તે પ્રત્યે બે ડૉક્ટરોનું ધ્યાન દોરાતાં તેમણે આ અઢળક કંઠસ્થ લોકવારસાને એકત્રિત કરવાનો પુરુષાર્થ આદર્યો. સૌપ્રથમ ઝેડ. ટોપેલિયસે આ લોકસામગ્રીને શબ્દબદ્ધ કરવાનો આરંભ કર્યો. જિંદગીનાં છેલ્લાં અગિયાર વર્ષ તેમણે અપંગાવસ્થામાં ગાળ્યાં હતાં. છતાં અનેક લોકગાયકોને પોતાને ત્યાં બોલાવી પથારીમાં પડ્યાપડ્યા તેમણે 80 જેટલા કથાપ્રસંગોનું સંકલન કર્યું અને 1822થી 1831 દરમિયાન તે પ્રગટ કર્યા. દેશના આ સમૃદ્ધ લોકવારસાને એકત્રિત કરી વ્યવસ્થિત કાલક્રમ પ્રમાણે ગોઠવી સંપાદન કરવાનું કાર્ય એલિઆસ લ્યોનરોટે આગળ ધપાવ્યું. તેમણે આ મહાકાવ્ય પ્રયોજીને 1835-36માં બત્રીસ સર્ગ અને 1849માં પચાસ સર્ગ એમ બે આવૃત્તિઓમાં પ્રસિદ્ધ કર્યું. સમસ્ત યુરોપનું તેના તરફ ધ્યાન ખેંચાયું. ‘કાલેવાલા’ એ ફિનલૅન્ડને અપાયેલું કાવ્યાત્મક નામ છે; તેનો અર્થ છે ‘વીરોની ભૂમિ’. ‘કાલેવાલા’ કાવ્યમાં પાત્રો તરીકે નિરૂપાયેલા વીરોના વસવાટની ભૂમિ છે. આમાં પાંચ પ્રકારના એટલે કે ભાટચારણો, લુહાર, સાહસખેડુ, શિકારી તથા ખેતમજૂર જેવા લોકવીરોનાં પરાક્રમોની ગાથા છે. પ્રાથમિક સમાજમાં આ સૌ સૈનિક વર્ગના લોકો હતા. આ પાત્રોમાં મુખ્ય વેઇનામ્યોનિન નામે એક વૃદ્ધ, શાણા અને તેજસ્વી દ્રષ્ટા છે. ફિનલૅન્ડમાં પ્રચલિત હાર્પને મળતું આવતું તંતુવાદ્ય ‘કેન્ટેલ’ના તે નિષ્ણાત વાદક છે. ઉપરાંત બીજાં સંખ્યાબંધ પાત્રો છે. કાવ્યમાં સૃષ્ટિનું સર્જન, તેમાંના વીરોનું પુહજોલા નામના પ્રદેશની લૂહી નામની સમ્રાજ્ઞીની પુત્રીને પામવા માટે પ્રસ્થાન વગેરે જેવી નોંધપાત્ર ઘટનાઓ છે. મુખ્યત્વે ખ્રિસ્તી યુગના આરંભ પહેલાંની સ્થિતિ અને વિચારોને વર્ણવતી આ કૃતિ તેના વિલક્ષણ છંદ માટે જાણીતી છે અને યુરોપની ઓછામાં ઓછી વીસેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે.

દિગીશ મહેતા