કાલેલકર (કાકા) (જ. 1 ડિસેમ્બર 1885, સતારા, મહારાષ્ટ્ર; અ. 21 ઑગસ્ટ 1981, ન્યૂ દિલ્હી) : ભારતના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક, ચિન્તક અને સમર્થ ગુજરાતી લેખક. આખું નામ દત્તાત્રય બાળકૃષ્ણ કાલેલકર. પિતાને સરકારી નોકરી અંગે વારંવાર બહારગામ જવું પડતું હોવાથી, તે બાળ દત્તાત્રયને સાથે લઈ જતા. એને લીધે પ્રકૃતિપ્રેમનાં બીજ રોપાયાં. ધાર્મિકતા પણ વારસામાં મળી. બાળપણમાં ભાઈઓ જોડે ચર્ચા કરતાં દેશમુક્તિનાં સ્વપ્નાં સેવેલાં. શાળાજીવન પૂરું કરીને મૅટ્રિક પાસ થઈ તે પૂનાની ફરગ્યુસન કૉલેજમાં જોડાયા. ત્યાં કૉલેજના આચાર્ય પરાંજપેના પ્રભાવથી બુદ્ધિવાદી બન્યા. કૉલેજમાં હતા ત્યારે વારંવાર લોકમાન્ય ટિળકને મળતા અને દેશસેવા અંગે એમનું માર્ગદર્શન મેળવતા. બી.એ.માં ઐચ્છિક વિષય ફિલસૂફી લીધેલો એટલે ધર્મચિંતન માટેની ભૂમિકા તૈયાર થઈ. કૉલેજમાં એમણે પુસ્તકાલયનો સારો ઉપયોગ કર્યો. એમની જીવનદૃષ્ટિ સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતા, આનંદકુમાર સ્વામી, અવનીન્દ્રનાથ ઠાકુર તથા હૅવલનાં પુસ્તકોએ ઘડી. રાજકારણમાં એ ક્રાંતિકારી બન્યા પણ રાજકીય ક્રાન્તિ જોડે સામાજિક ક્રાન્તિ પણ હોવી જોઈએ એવો એમનો મત બંધાયો. બી.એ. થયા પછી એમણે એલએલ.બીની પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરી, પણ રાષ્ટ્રસેવાની ધૂન લાગવાથી શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રને જાગ્રત કરી શકાય એમ લાગવાથી બેલગામના ગણેશ વિદ્યાલયના આચાર્ય, તે પછી લોકમાન્યના દૈનિક રાષ્ટ્રમતના સંપાદક, તે પછી વડોદરાના ગંગનાથ વિદ્યાલયના આચાર્ય, એમ વિધવિધ ક્ષેત્રમાં એમણે સેવા આપી. સરકારની કરડી નજર શાળા પર પડતાં શાળા બંધ થતાં, એમણે હિમાલયમાં જઈ આધ્યાત્મિક સાધના કરવાનો નિર્ણય લીધો. સ્વામી આનંદ તથા ગંગનાથ વિદ્યાલયના સાથી અનંતબુવા મર્ઢેકર સાથે હિમાલયની યાત્રાએ ગયા. સાડાત્રણ હજાર કિમી.ની પગપાળા મુસાફરી કરી. હિમાલયની આ યાત્રાનું બયાન એમણે ગૂજરાત વિદ્યાપીઠના સાપ્તાહિકમાં હપ્તાવાર છપાવ્યું અને પુસ્તકાકારે 1924માં ‘હિમાલયનો પ્રવાસ’ નામે પ્રગટ થયું. ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એ પુસ્તકનું સ્થાન અદ્વિતીય છે. પ્રકૃતિ જોડે તાદાત્મ્ય, ઉત્કટ રાષ્ટ્રપ્રેમ, ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની જોડે ભાવનાત્મક સંબંધ, કવિની કલ્પનાશક્તિ અને કાવ્યમય બાની એ બધાંને કારણે એ પુસ્તકનું સાહિત્યિક મૂલ્ય ઊંચું છે.

કાલેલકર (કાકા)
હિમાલયયાત્રા પૂરી થતાં તે હરિદ્વાર પાસેના ઋષિકુળ, કાંગડી ગુરુકુળ, સિન્ધુ બ્રહ્મચર્યાશ્રમ વગેરે સંસ્થાઓમાં રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગો કરીને શાંતિનિકેતનનું આમંત્રણ આવતાં ત્યાં ગયા. ત્યાં બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. ગુરુદેવની ‘લિપિકા’માં એમણે ગુરુદેવનાં કાવ્યોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ત્યાં બીજા વિષયોની સાથે બંગાળી પણ શીખવતા. શાન્તિનિકેતનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ગાંધીજી તથા આશ્રમવાસીઓ જોડે એમનો પ્રત્યક્ષ પરિચય થયો. કાકાસાહેબે ગાંધીજી જોડે અનેક વિષયોની ચર્ચાઓ કરી ગાંધીજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગાંધીજીએ સાબરમતીમાં સત્યાગ્રહ આશ્રમ શરૂ કરતાં પ્રથમ તેમણે આશ્રમશાળામાં અને પછી ગૂજરાત વિદ્યાપીઠ સ્થપાતા એમણે વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું. સત્યાગ્રહ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ બંધ થતાં એમણે ગાંધીજીના કહેવાથી જેલમાંથી છૂટીને રાષ્ટ્રભાષાપ્રચારનું કાર્ય કર્યું અને તેને અંગે ભારતપ્રવાસ ખેડ્યો. જીવનના છેલ્લા તબક્કામાં તે રાજઘાટ પાસે રહેતા હતા. કાકાસાહેબે ગુજરાતીમાં 36, હિન્દીમાં 27 અને મરાઠીમાં 15 પુસ્તકો લખ્યાં છે. એમનાં પુસ્તકોના વિષયોમાં પણ પુષ્કળ વૈવિધ્ય છે; જેમ કે ‘હિમાલયનો પ્રવાસ’ (1924), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (1931), ‘પૂર્વ આફ્રિકામાં’ (1951), ‘ઉગમણો દેશ’ (1958), ‘શર્કરાદ્વીપ મોરશિયસ’ (1961). ‘જીવનનો આનંદ’ (1936), ‘ઓતરાતી દીવાલો’ (1925), ‘રખડવાનો આનંદ’ (1953), ‘લોકમાતા’ અને ‘જીવનલીલા’ (1956) દ્વારા પ્રકૃતિ જોડે કેવી આત્મીયતા સધાવી જોઈએ તેનું નિદર્શન કરીને પ્રકૃતિ જીવંત છે એવી પ્રતીતિ કરાવી છે. ‘જીવનસંસ્કૃતિ’(1936)માં એમણે સંસ્કૃતિના વિવિધ પ્રશ્નોને વણ્યા છે. ‘જીવનવિકાસ’ (1936)માં શિક્ષણ વિશે ચર્ચા કરી છે. ‘જીવનભારતી’(1937)માં સાહિત્યમીમાંસા છે, જ્યારે ‘જીવનનો આનંદ’માં કલાવિષયક ચર્ચા છે. ‘જીવતા તહેવારો’માં (1930) તહેવારો વિષે માહિતી છે. ‘પરમ સખા મૃત્યુ’ (1970)માં મૃત્યુવિષયક ચિંતન છે. ‘ચિ. ચંદનને’ (1958), ‘વિદ્યાર્થિનીને પત્રો’ (1964), ‘શ્રી નેત્રમણિભાઈને’ (1947) એ પુસ્તકોમાં પત્રરૂપે રસળતી શૈલીમાં એમણે વિવિધ વિષયો છણ્યા છે. કાકાસાહેબની શૈલી પ્રાસાદિક, સરળ, વિશદ, ભાવોચિત ગાંભીર્ય તેમજ હળવાશવાળી અને આલંકારિકતા તેમજ સાદગીવાળી છે. એમાં સંસ્કૃતમયતા સાથે તળપદા તત્ત્વનો તેમજ ઓજસ્ અને માધુર્યનો સુભગ સમન્વય છે. ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને કવિતા કહી છે તેમાં ઘણું તથ્ય છે.
ચન્દ્રકાન્ત મહેતા