કાલેકી, માઇકલ (જ. 1899; અ. 1970) : પોલૅન્ડના વિખ્યાત અર્થશાસ્ત્રી. વૉર્સો શહેરના ઝેન્સ્ક પૉલિટેકનિકમાં એન્જિનિયરિંગના વિષયો સાથે અભ્યાસ કર્યો પણ ત્યાંથી પદવી પ્રાપ્ત કરે તે પહેલાં, કૌટુમ્બિક સંજોગોને લીધે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.

અર્થશાસ્ત્રનાં પુસ્તકો વાંચીને જ અર્થશાસ્ત્રના વિષયમાં સ્વ-શિક્ષિત નિષ્ણાત બન્યા. 1929થી 1937 સુધી વૉર્સોના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ સાઇકલ્સ ઍન્ડ પ્રાઇસીઝ નામની સંસ્થામાં સંશોધનનિષ્ણાત તરીકે રહ્યા. 1946થી 1954 સુધી યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં અર્થશાસ્ત્રી તરીકે સેવા બજાવી. 1955થી 1967 સુધી પોલૅન્ડના આયોજન પંચમાં સલાહકાર તરીકે સેવા આપી.

આર્થિક આયોજનના સિદ્ધાંતોના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1930ના દાયકામાં તેમણે બચત, મૂડીરોકાણ અને રોજગારી અંગે કેઇન્સના જેવા જ સિદ્ધાંતો વિકસાવ્યા છે.

મૂલ્યના સિદ્ધાંતોમાં પણ તેમનું સારું યોગદાન છે. તેમણે ઇજારાશાહીની માત્રા (degree of monopoly) અંગેનું સૂત્ર આપ્યું છે જેના આ સૂત્ર દ્વારા ઉત્પાદક કેટલી ઇજારાશાહી ધરાવે છે તે માપી શકાય. કાલેકીએ મૂડીદારો અને મજૂરવર્ગની બચતો અંગેના સિદ્ધાંતો પણ તારવ્યા છે. ઉપરાંત આર્થિક ગતિશીલતા(economic dynamics)ના સિદ્ધાંતોમાં તથા પોલૅન્ડના સમાજવાદી અર્થતંત્રના વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. 1943માં તેમણે ઇંગ્લૅન્ડ સામે બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસશૂન્યતાના વ્યાપારચક્રની આગાહી કરી હતી જે સાચી પડી હતી.

તેમણે લખેલાં પુસ્તકોમાં ‘એસેઝ ઑન ધ થિયરી ઑવ્ ઇકોનૉમિક ફ્લક્ચ્યુએશન્સ’ (1939); ‘ધ થિયરી ઑવ્ ઇકોનૉમિક ડાયનેમિક્સ’ (1954); ‘ધ થિયરી ઑવ્ ગ્રોથ ઇન એ સોશિયાલિસ્ટ ઇકૉનોમી’ (1969) અને ‘સિલેક્ટેડ એસેઝ ઓન ધ ડાયનેમિક્સ ઑવ્ ધ કેપિટાલિસ્ટ ઇકૉનોમી’ (1971) છે.

શાંતિલાલ બ. મહેતા