કાલુછીપ (pearl oyster) : મોતી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી છીપ. મોતીછીપ નામે પણ તે ઓળખાય છે. આ પ્રાણીનો સમુદાય મૃદુકાય (mollusca); વર્ગ પરશુપાદ (pelecypoda) અથવા દ્વિપટલા (bivalvia); શ્રેણી philibranchia; કુળ teriidae છે. કચ્છના અખાતના દરિયામાં વાસ કરતી મોતીછીપ (Pinctada pinctada) અન્ય છીપની જેમ મુખ, જઠર તેમજ હૃદય ધરાવે છે. વિશિષ્ટ પ્રકારની ઝાલર મારફત તે શ્વસન કરે છે અને સમુદ્રના પાણીમાંથી ગાળણ કરીને મેળવેલા સૂક્ષ્મ જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કાલુછીપ એકલિંગી પ્રાણી છે. પરંતુ કેટલીકવાર તેના જીવનચક્રમાં લિંગપરિવર્તન થતું જોવા મળે છે. મોતીછીપમાં શીર્ષ અને રેત્રિકા(radula)નો અભાવ હોય છે તેમજ અન્ય છીપ કરતાં તે કેટલીક બાબતોમાં જુદી પડે છે; તેની છીપનાં બન્ને કોચલાં અસમાન હોય છે. જમણું કોચલું (નીચેનું) ડાબા કોચલા કરતાં મોટું હોય છે. ડિંભાવસ્થા અને ત્યારબાદ પુખ્તાવસ્થા શરૂ થતાં તે પ્રચલન કરી શકે છે. પરંતુ અનુકૂળ સ્થળ મળી જતાં તે તળિયે ખૂંપીને સ્થાયી બને છે.
કાલુછીપનું વધુમાં વધુ આયુષ્ય 30 વર્ષનું આંકવામાં આવે છે; પરંતુ તે અગાઉ માછલી, કરચલા, સમુદ્રતારા વગેરે પ્રાણીઓના શિકારનો ભોગ બની જાય છે. કાલુછીપનાં ફલિતાંડો 20થી 30 દિવસ પાણીમાં મુક્ત તરતાં રહે છે; 45 દિવસમાં કાલુછીપ 10 મિમી. વ્યાસ જેટલી વૃદ્ધિ પામે છે અને સામાન્યપણે 15થી 20 મીટરની ઊંડાઈએ પાણીમાં તળિયે ચોંટી જીવન વિતાવે છે. જોકે કચ્છના અખાતમાંના સિક્કા વિસ્તારમાં છીછરા પાણીમાં પણ તે જોવા મળે છે. મત્સ્યવિભાગ દ્વારા ત્યાં તેનો ઉછેર પણ થાય છે.
કાલુછીપમાં પ્રાવાર (mantle) ઘણું મહત્વનું અંગ છે. પ્રાણી-શરીરને આવરી લેતું આ સ્તર અધિસ્તરના કોષોનું બનેલું હોય છે. આ પ્રાવારની ધાર છીપનાં કોચલાંનો સ્રાવ કરે છે. વાર્ષિક વલયો ઉત્પન્ન કરીને તે છીપની વૃદ્ધિ કરે છે. આ વૃદ્ધિચક્રો દ્વારા છીપની ઉંમર નક્કી કરી શકાય છે.
છીપનાં કોચલાંની અંદરની સપાટી ખૂબ લીસી, ચળકાટવાળી અને બહુરંગી હોય છે. આ છીપ ત્રણ સ્તરો ધરાવે છે. સૌથી બહારનું સ્તર જેને પેરિઓસ્ટ્રેકેમ કહે છે તે બદામી કે કાળા રંગનું હોય છે અને કાયટિનયુક્ત કોન્કિઓલીનનું બનેલું હોય છે. બીજા સ્તરને ત્રિપાર્શ્વસ્તર કહે છે, જે કૅલ્શિયમ કાર્બોનેટના નાજુક સ્ફટિકો ધરાવે છે. ત્રીજા અને સૌથી મહત્વના સ્તરને ‘મોતીનું માતૃસ્તર’ (mother of pearl or nacre) તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તરનું મુખ્ય રાસાયણિક ઘટક એર્ગેનાઇટ, કૅલ્શિયમ કાર્બોનેટનું એક સ્વરૂપ છે.
મોતીની છીપમાં કોઈ બાહ્ય કણ કે પદાર્થ પ્રાવાર અને છીપ વચ્ચે પ્રવેશે તો મોતીનું માતૃસ્તર મોતીના દ્રવ્યનો સ્રાવ કરીને મોતી ઉત્પન્ન કરે છે. મોતીની કિંમત તેનાં કદ, આકાર અને તેજસ્વિતા ઉપર આધાર રાખે છે. મોતીની ઉત્પત્તિ પ્રસંગે તેના ઉપર પ્રતિકૂળ દબાણ ન આવે તો આકર્ષક મોતી ઉત્પન્ન થાય છે. પિંકટાડા મેક્સિમા અને પિંકટાડા માર્ગારેટીફેરા સૌથી મોટાં મોતી ઉત્પન્ન કરે છે. આ મોતીછીપ ફિલિપાઇન્સ, ન્યૂગિની, ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને મ્યાનમાર (બ્રહ્મદેશ) તેમજ ઈરાનના અખાત અને રાતા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. ભારતમાં મન્નારના અખાતમાં તેમજ કચ્છના અખાતમાં સિક્કા ખાતે મોતીછીપનો મત્સ્યોદ્યોગ છે. મીઠા પાણીમાં પણ મોતીછીપની કેટલીક જાતિઓ મળી આવે છે. માર્ગારિટી ફેરા એ મીઠા પાણીની મોતીછીપ છે. મિસિસિપિ નદીમાં મળી આવતી મોતીછીપનાં મોતી પણ ખૂબ મૂલ્યવાન ગણાય છે.
જાપાનમાં કૃત્રિમ મોતી ઉત્પન્ન કરવાના અખતરા 1890માં મિકિમોટો કોકીચીએ પ્રથમ શરૂ કર્યા. 1951માં 85 વર્ષના મિકિમોટોએ પોતાના પુન: સ્થાપિત કરેલા કૃત્રિમ મોતીના ઉત્પાદન-ક્ષેત્રમાં 200 લાખ કૃત્રિમ મોતી પેદા કર્યાં. મિકિમોટોના અવસાન બાદ (1954 બાદ) તેની કંપની આજે રોજ 500 મોતીની હાર તૈયાર કરીને નિકાસ કરે છે. કૃત્રિમ મોતી કાલુછીપમાં કૃત્રિમ રીતે બાહ્ય પદાર્થ દાખલ કરીને પેદા કરવામાં આવે છે. બાહ્ય ર્દષ્ટિએ એકસરખાં દેખાતાં નૈસર્ગિક અને કૃત્રિમ મોતી લ્યુસિકોસ્કોપ કે એન્ડોસ્કોપ કે X-કિરણથી ચકાસતાં બન્ને વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. નૈસર્ગિક મોતીનાં આંતરિક વલયો સમવર્તુળિત હોય છે, જ્યારે કૃત્રિમ મોતીમાં વલયોને બદલે સમાન્તર સ્તર જોવા મળે છે.
કાલુછીપમાં પેદા થતા નૈસર્ગિક મોતીમાં ‘પર્લ ઑવ્ એશિયા’ દુનિયામાં સૌથી મોટું મોતી છે. તેનું વજન 2420 ગ્રેન હોય છે. કૃત્રિમ મોતીમાં સૌથી મોટું મોતી 735 ગ્રેન વજન ધરાવે છે. તે મ્યાનમાર(બ્રહ્મદેશ)માં મળી આવ્યું હતું. કાલુછીપ અને અન્ય છીપો હંસ અને દરિયાઈ પક્ષીઓનો મુખ્ય ચારો છે.
રા. ય. ગુપ્તે