કાલીઘાટ ચિત્રકલા : આશરે 1860થી 1930 સુધીની બંગાળની વિશિષ્ટ લોકચિત્રકલા. આધુનિક ભારતીયતાના પ્રારંભિક ચરણમાં આ ચિત્રકલા એક મહત્વનું અંગ બની રહેલી. ભારત દેશમાં આધુનિક યુગના પ્રારંભે ઓગણીસમી સદીમાં જે ચેતના અને કલાચાહનાએ જન્મ લીધો તેમાં બંગાળની ‘કાલીઘાટ ચિત્રકલા’ અજોડ છે. તે અજોડ એટલા માટે છે કે તેના સર્જકો તેમજ ઉપભોક્તા સામાન્ય મધ્યમવર્ગીય અને ગરીબ પ્રજાજનો હતા. સામાન્ય લોકો દ્વારા સર્જાયેલી આ કલા સામાન્ય લોકો માટે જ હતી. બીજા શબ્દોમાં કહીએ તો લોકશાહી ઢબે આ કલા અસ્તિત્વમાં આવેલી. અંગ્રેજોને પ્રતાપે તાજેતરમાં સ્થપાયેલ ઔદ્યોગિક શહેરી સમાજે આ કલાને વિકસાવવામાં હૂંફ આપેલી. આશરે 1860માં આ કલા અસ્તિત્વમાં આવી અને 1930 સુધી ટકી. પછી તે ક્રમશ: મૃતપાય થઈ ગઈ.
ઓગણીસમી સદીના પ્રારંભમાં કોલકાતા એક મહાનગર તરીકે ઝડપથી વિકસી રહ્યું હતું. ભારતના ઉદ્યોગો અને બજારનું કેન્દ્ર હોવા ઉપરાંત 1911 સુધી તો તે બલૂચિસ્તાનથી માંડીને બર્મા સુધીના અખંડ ભારતની રાજધાની પણ હતું. અંગ્રેજો મારફતે યુરોપિયન સંસ્કૃતિનો ભારતમાં પ્રસાર થયો તે પણ કોલકાતા દ્વારા જ. ભારતના ખૂણેખૂણેથી પ્રવાસીઓ આ મહાનગરની મુલાકાત લેવા આવતા હતા.
કોલકાતામાં રોજગારીની તકો વધતી ગઈ તેથી બંગાળ, ઓરિસા અને બિહારમાંથી પટવા નામે ઓળખાતા પ્રણાલિકાગત લોકચિત્રકારો પણ કોલકાતામાં ઊભરાવા માંડેલા અને તેમણે યોગ્ય આજીવિકાની શોધ કરવી શરૂ કરી. આ પટવા કાપડના લાંબા પટો ઉપર મહાભારત અને રામાયણના પ્રસંગચિત્રોની શ્રેણીઓ ચીતરી લોકો સમક્ષ એ કથાઓ કહેતા કહેતા કે ગાતા ગાતા એ પટોના વીંટા ઉકેલીને ચિત્રો બતાવતા રહેતા. આ બાજુ કોલકાતામાં વેપારીઓએ બ્રિટનમાં છપાયેલી ચોપડીઓનું વેચાણ શરૂ કરેલું, જેમાંના યુરોપિયન વાસ્તવિક ઢબે આલેખિત પ્રસંગચિત્રોએ ભારતીય લોકોમાં ખૂબ આકર્ષણ જન્માવેલું, કારણ કે હૂબહૂ પ્રકારનો આ વાસ્તવવાદ ભારતીય જનો માટે એક નવીન ઘટના હતી. વળી હવે જ સસ્તી કિંમતે સહેલાઈથી ભારતમાં કાગળ ઉપલબ્ધ બનેલો અને ફૅક્ટરીઓમાં બનેલા માલ તરીકે જથ્થાબંધ ઉત્પાદિત જળરંગો પણ સસ્તે ભાવે સરળતાથી ઉપલબ્ધ બન્યા. આ બધાં પરિબળોની સામૂહિક અસર રૂપે કાલીઘાટ ચિત્રકલાનો ઉદય કોલકાતામાં આશરે 1860ની આસપાસ થયો. આ પ્રકારનાં ચિત્રો વેચવાની સૌથી વધુ દુકાનો કાલીઘાટના વિખ્યાત કાલીમંદિરની આસપાસ આવેલી હોવાથી આ ચિત્રકલા ‘કાલીઘાટ’ નામે ઓળખાઈ. ઉપરાંત બંગાળના મિદનાપોર અને બર્દવાન નગરોમાં પણ ઘણી દુકાનો આ ચિત્રો વેચવા સ્થપાયેલી.
લગભગ દરેક કાલીઘાટ-ચિત્ર એકથી વધુ વ્યક્તિનું સર્જન હતું. પટવા કુટુંબનો વડો મૂળ રેખાંકન કરતો અને કુટુંબની સ્ત્રીઓ કે તરુણ પુત્રો તેમાં રંગો પૂરતાં. લીંબુની ફાડ જેવી પહોળી આંખો, ધનુષ્યાકાર ભ્રમરો, તથા ત્રણચતુર્થાંશ દેખાતો સમ્મુખ ચહેરો કાલીઘાટ ચિત્રકલાનાં મુખ્ય લક્ષણો છે. એથી પણ વધુ નજરે ચડે તેવું તેનું લક્ષણ એ છે કે દરેક આકાર કે આકૃતિની ધારો (છેડાઓ) તરફ ધીમે ધીમે ઘેરો થતો જતો રંગ પૂરી આછા પ્રકાશ અને છાયાની રજૂઆત જોવા મળે છે. પરંપરાગત ભારતીય ચિત્રકલાના લાંબા ઇતિહાસમાં આ પ્રકારની ત્રિપરિમાણી રજૂઆત અજંતાનાં ભીંતચિત્રો સિવાય અને કાલીઘાટ-ચિત્રો સિવાય ક્યાંય જોવા મળતી નથી ! ઘણા વિદ્વાનો માને છે કે આ માટે લિથોગ્રાફ્સ જેવા બ્રિટિશ છાપચિત્રોનો પરોક્ષ પ્રભાવ જવાબદાર છે. આ ચિત્રોમાં પૃષ્ઠભૂમિકાને કોઈ એક રંગે સપાટ રીતે ભરી દીધી હોય છે અથવા તો રંગલેપન વિનાનો કાગળ જ ત્યાં રહેવા દીધો હોય છે. ફલિત એ થાય છે કે કલાકારોને મુખ્ય આકૃતિની પાછળની વિગતો બતાવવાનું પસંદ નહોતું. રામાયણ, મહાભારત, ભાગવત અને બીજાં પુરાણોના પ્રસંગો, બંગાળના ઐતિહાસિક પ્રસંગો, માતા કાલી, બીજાં દેવદેવીઓ, કુસ્તીબાજો, અને બંગાળના તત્કાલીન સમાજના રોજિંદા પ્રસંગો કાલીઘાટ ચિત્રકલાના મુખ્ય વિષયો રહ્યા છે. પાર્વતી, કાલી, શંકર, ગણપતિ, રામ, કૃષ્ણ, ભીમ, હનુમાન, સીતા જેવાં દેવદેવીઓ ખૂબ જ લોકપ્રિયતા પામેલાં. બહોળી લોકપ્રિયતાને પરિણામે આવાં ચિત્રો વારંવાર ચીતરવાં પડતાં હતાં. આવા થોકબંધ ઉત્પાદનમાં કુટુંબીજનો દ્વારા રંગપૂર્તિમાં કરવામાં આવતી મદદ ખૂબ જ ઉપયોગી સાબિત થતી.
પરંતુ ‘કાલીઘાટ’ નામે ખ્યાતિ પામેલી આ લોકચિત્રકલાનું સૌથી મોટું જમા પાસું એ હતું કે માત્ર પુરાણકથાઓ અને ધર્મ તથા ઇતિહાસ સુધી તેના વિષયો સીમિત ન રહેતાં તેમાં તત્કાલીન બંગાળી સમાજનું આલેખન પણ થતું હતું. બંગાળી સમાજના સારા અને ખરાબ બંને જાતનાં પાસાં તેમાં જોવા મળે છે. પતિની ગુલામડી થઈને રહેતી પત્નીનું ચિત્ર જોવા મળે છે તો સાથે સાથે પતિને મારઝૂડ કરતી બંગાળી પત્ની પણ જોવા મળે છે. છાપામાં છપાતા સનસનાટીભર્યા કિસ્સા પણ ચીતરવામાં આવતા. 1873માં કોલકાતામાં સર્જાયેલો તારકેશ્ર્વર ખૂન મામલો તત્કાલીન છાપાંઓ મારફતે સમગ્ર પૂર્વ ભારતમાં સનસનાટી ફેલાવનારો કિસ્સો બની ગયેલો. તારકેશ્વર મંદિરના મુખ્ય મહંત માધવગિરિએ એકલતાનો લાભ ઉઠાવીને એલોકેષી નામની એક સોળ વરસની પરિણીતા પર બળાત્કાર કરેલો. ક્રોધાગ્નિથી ધૂંધવાયેલા બ્રાહ્મણ પતિ નૉબીનચંદ્રે પત્ની એલોકેષીનું ખૂન કર્યું. નૉબીનચંદ્ર ઉપર ખૂનનો ખટલો કચેરીમાં ચાલ્યો, પણ સહાનુભૂતિના જુવાળમાં નૉબીનચંદ્રને નિર્દોષ છોડી મૂક્યો. વાઇસરૉયે પોતાની વિશેષ સત્તા વાપરીને નૉબીનચંદ્રને આજીવન કેદની સજા કરી અને મહંત માધવગિરિ ઉપર બળાત્કારના ગુના માટે ખટલો શરૂ કરાવ્યો. આ કિસ્સાનાં અસંખ્ય ચિત્રો એ સમયે કાલીઘાટ-શૈલીમાં કરેલાં. એમાંથી આજે બચેલાં ચિત્રોમાં એ કિસ્સાના અલગ અલગ સોળ તબક્કાનાં સોળ ચિત્રો આજે પણ જોઈ શકાય છે. એ જમાનામાં આ ચિત્રોની મસમોટી માંગ હતી અને એ ખરીદવા પડાપડી થતી હતી. વળી એ વખતે આ મામલા ઉપરથી કોલકાતામાં અનેક નાટકો ભજવાતાં હતાં; જેના બધા જ શો હાઉસફુલ જતા હતા.
આ ચિત્રોના વેચાણ માટે અલાયદી દુકાનો અસ્તિત્વમાં આવેલી; ઉપરાંત મેળાઓમાં પણ તેની હાટડીઓ મંડાતી. ઘણી કરિયાણાની દુકાનો પણ આ ચિત્રો વેચતી. વીસમી સદીના આરંભમાં એક ચિત્ર એક પૈસાની કિંમતે વેચાતું. બીજાં શહેરો અને ગામડાંમાંથી કોલકાતા પ્રવાસે આવતા દેશી લોકો ઉપરાંત 1910 પછી તો બ્રિટિશ અફસરો અને યુરોપિયન પ્રવાસીઓએ પણ મોટી સંખ્યામાં કાલીઘાટ-ચિત્રો ખરીદવા માંડેલાં. 1910થી 1917 દરમિયાન કોલકાતાની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ મુકુલ ડેએ પણ કાલીઘાટ-ચિત્રો ખરીદીને સંઘરેલાં.
પરંપરાગત ભારતીય કલાના પ્રખર આશક અને પુરસ્કર્તા કલાગુરુ ઈ. બી. હૅવેલે છાપકામના પ્રસાર અને ફોટોગ્રાફીના પગપેસારાને પરિણામે અસ્ત પામી રહેલ આ કાલીઘાટ ચિત્રકલા વિશે 1926માં લખેલું : ‘‘કાલીઘાટ ચિત્રકલાનો છેલ્લો ચિત્રકાર પંચ્યાશી વરસની ઉંમરે હમણાં જ મૃત્યુ પામ્યો છે એવી મને જાણ થઈ છે. આ પ્રણાલી આગળ ધપાવી શકે એવો કોઈ શિષ્ય કે વારસદાર એની પાસે નથી !’’
ઇતિહાસકાર ડબ્લ્યૂ. જી. આર્ચરે 1935માં નોંધેલું : ‘‘આ ચિત્રકલાના છેલ્લા ચિત્રકારો નબારાનચંદ્ર ઘોષ અને કાલીયસુગ ઘોષ 1930માં અવસાન પામ્યા છે. કન્હાઈલાલ ઘોષે 1932થી ચીતરવું છોડી દીધું છે. સસ્તા ભાવે લિથોગ્રાફી છાપચિત્રો ઉપલબ્ધ થતાં તેની સામે ધંધાદારી હરીફાઈમાં કાલીઘાટ-ચિત્રો ટક્યાં નહિ.’’
કાલીઘાટ ચિત્રકલાના બચી ગયેલા નમૂના આજે રશિયાના પુશ્કિન મ્યુઝિયમમાં, લંડનની ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી તથા લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં, ઑક્સફર્ડની બૉડ્લિયન લાઇબ્રેરી અને ચેક રિપબ્લિકના નાપ્સ્ટ્રૅક મ્યુઝિયમમાં સંગ્રહાયેલા છે. ભારતીય કલાના ખ્યાતનામ ઇતિહાસકાર ડૉ. જ્યોતીન્દ્ર જૈને તેના વિશે પ્રમાણભૂત સંશોધનગ્રંથ લખ્યો છે : ‘કાલીઘાટ પેઇન્ટિન્ગ્ઝ’ (1997).
અમિતાભ મડિયા